
“મુકેશ..સમય ઓછો છે, અમને ખબર છે કે તુ દુર છે… પણ પપ્પાની તબિયત ફરી અચાનક બગડી છે… બહુ ખેંચે તેમ નથી લાગતુ….તને જ યાદ કરે છે…..જલદીથી ઘરે આવી જાવ…..”
અને તમે એક આઘાત સાથે વધુ કાંઇ પુછો તે પહેલાતો તમારા બહેનનો ફોન કટ થઇ જાય છે…. વળતો ફોન કરીને સમયજ બગાડવાનો છે તેવી ગણત્રી તમે કરીજ લીધી છે અને જલદીથી તમે તમારા હાથ નીચેના ઓફિસરને જરુરી સુચના આપી ઓફિસથી ઘરે જવા નિકળો છો…. તમારા ડિપાર્ટમેન્ટના બીજા અધિકારી અને તમારા ખાસ મિત્ર અજય ભટ્ટ પણ સમાચાર જાણતાજ તમારી સાથે તમારા વતન આવવા નિકળી પડે છે….
સુરતથી તમારી મારુતી કાર તમારી વતન પંહોચવાની તત્પરતા જોઇને અજય તમનેજ કાર ડ્રાઇવ કરવા દે છે…
હજુ આજે સવારેતો વતન -અમદાવાદથી બે દિવસ પપ્પા સાથે રહીને, તેમને થોડુ સારુ લાગતા તમે ઓફિસનુ કામ પતાવીને એકાદ દિવસમાં પાછા આવશો કહીને સવારે ૧૦ વાગેતો સુરત આવ્યા છો અને સાંજે ચાર વાગે તમારા બહેનનો આ ફોન આવે છે…
પાર્લે પોઇન્ટથી કામરેજ ચાર રસ્તા પંહોચતા સુધી તમે કે તમારો મિત્ર અજય એકદમ ચુપ બેસી રહ્યા છો…. પણ હાઇવે આવતા, તમારી મનોદશા ને વ્યાકુળતાને ઓળખી જઇ અજયે તમારી પાસેથી કાર ડ્રાઇવ કરવા લઇને તમને બેક સિટ પર બેસાડી દીધા.
બેક સિટ પર બેઠા બેઠા તમે બેક માં ખોવાઇ જાવ છો….
બે દિવસ પહેલાજ તમે પપ્પાની તબિયત બગડતા તેમની પાસે ગયા હતા…. ડોક્ટર્સની ટિમને તમે ઘરેજ બોલાવી લીધેલી અને પપ્પાની જરુરી સારવાર-દવા ઘરેજ ચાલુ કરાવી દીધા હતા…જેનાથી એકજ દિવસમાં તબિયતમાં ફેર પડ્યો હતો…. પપ્પાની સુધરેલી તબિયત જોતા અને હવે તેઓ લાંબુ નહીં ખેચે તેવુ લાગતા તમારા ભાઇએ તમારી બહેનોને પણ ઘરે બોલાવી લીધી હતી… જો કે તેનો ઇરાદો તો મિલકત માટે જ હતો… કે જે સહુની હાજરીમાં પપ્પા-મમ્મી યોગ્ય નિકાલ લાવી દે….
તમને તો તમારી આવડતથી મેળવેલી-કમાવેલી મિલકતથી પુરો સંતોષ હતો અને તમારા સ્વમાની સ્વભાવને લીધે પપ્પાની કોઇ મિલકતમાં રુચી નહોતી, પણ વડોદરા વાળુ ફાર્મ હજુ કાનુની વિવાદમાં અટવાયેલુ હોઇ કોઇને તેમાં રસ નહોતો અને તેની વિગતો પપ્પા પછી તમેજ જાણતા હોઇ તે મિલકત ત્રાહિત હાથમાં જાય તે કરતા તમારી પાસે રહે તેવી ભાવનાથી તે તમને મળે તેવી ઇચ્છા તમે બહુ પહેલા જતાવેલી ખરી. પણ પપ્પાએ હજુ સુધી તેનો નિકાલ સંયુક્ત મિલકત હોઇ કર્યો નહોતો.
અને પપ્પાની નાજુક તબિયત જોતા તમને ભાઇની મિલક્ત બાબતેની વાત જરાય ગમી નહોતી, છતાં તમે સહુની વચ્ચે જણાવેલુ કે તમારે કોઇ સ્થાવર-જંગમ મિલકત જોઇતી નથી.. બને તો અને સહુને યોગ્ય લાગે તો ફક્ત વડોદરાનુ ફાર્મ કે જેની કિંમત અન્ય મિલકતો કરતંા ઘણી ઓછી કહી શકાય અને ખરેખર તમારા હિસ્સે જે મિલકત આવવી જોઇએ તેના કરતાંય ત્રીજા ભાગની જ થાય છે, તે કાનુની વિવાદના કારણેજ જતી ના રહે તેથી તમારે જોઇએ છે.
જો કે આ મિલકત કાનુની વિવાદમાં જિત્યા પછી તમને મળે તે માટે તમારા પપ્પાએ જરુરી કાનુની દસ્તાવેજ -કાગળો તમારા નામે કરવા એક વસિયતનામુ કરવુ જરુરી હતુ. જે તમારી જાણ મુજબ આજસુધી તમારા પપ્પાએ કરેલુ નહોતુ. છતાં તમને તેનો કોઇ રંજ નહોતો,
તમને એક જાતનુ ગુમાન હતુ કે સ્વમહેનતે કરેલુ અને સ્વમાનથી મેળવેલુજ રાખવુ અને બીજા કોઇના તો શું પોતાના વારસાઇ હક્કની પણ ઇચ્છા ના રાખવી….અને તમે આ ખુમારી ફક્ત ૧૪ વરસમાં સિધ્ધ કરી બતાવી હતી.
“ચા પીવા રોકાઇશું?” ના સવાલે તમને જાણ થઇ કે પોર આવી ગયુ છે અને તમે “પોર” ની વાતો માંથી “વર્તમાન” માં આવી ગયા…..
તમે ચા પીવાની ના કહીને ઘરે ફોન કરીને પરિસ્થીતી જાણી લીધી.
“હવે સવા કલાકમાં તો આપણે ઘરે પંહોચી જઇશુ” કહી અજયે ફરી કાર હંકારી મુકી….
તમને તો બસ ક્યારે પપ્પા પાસે પંહોચી જવાય તેનીજ તાલાવેલી લાગી હતી…જેમ જેમ ઘર નજીક આવતુ ગયુ તેમ તેમ તાલાવેલી વધવા લાગી…. ઘર આવતાજ તમે કંપાઉન્ડનો દરવાજો કોઇ ખોલે તે પહેલા કારમાંથી છલાંગ મારીને કંપાઉન્ડ ગેટ કાર માટે ખોલ્યા સિવાય સીધા ઘરમાં જઇ પપ્પાના રુમ આગળ પંહોચી ગયા… આજુબાજુ ઘરમાં કોણ આવેલુ છે તેની પરવા સિવાય પપ્પાના બેડ પાસે પંહોચી ગયા…. અને દેખાય પણ ક્યાંથી…. આંખમાં ઝળઝળીયા જો આવી ગયા હતા…..પપ્પા જાણે તમારીજ રાહ જોઇ રહ્યા હોય તેમ ધીમેથી આંખો ખોલીને તમને આવકારી રહ્યા….તમે પપ્પાનો હાથ હાથમાં લઇને બાજુમાં બેઠા… આમેય તમને ખાત્રી હતીજ કે પપ્પા તેમની સહુથી વ્હાલી વ્યક્તિને -તમને – જોયા સિવાય આંખ મિંચવાના નહોતા….
ધ્રુજતા હાથે પપ્પાએ તમને એક બુક આપી -“કર્મનો સિધ્ધાંત” , જો કે આ બુક તો તમે બહુ પહેલા વાંચેલીજ હતી…પણ પપ્પાએ તે ચાર-પાંચ વાર તો ચોક્કસ વાંચી હશે…. કેમકે ઘણીવાર વાત વાતમાં તેના ક્વોટ પપ્પા કહેતા રહેતા…..અને તેમાંનુ એક ક્વોટ તમને તે વખતેય યાદ આવી ગયુ જે પપ્પાને બહુ ગમતુ…”નિર્ધારિત સમયેજ કર્મનુ ફળ મળે છે…..”
અને પપ્પાએ તે નિર્ધારિત સમયેજ કાયમ માટે આંખો મિચી દીધી…….
………. ૧૫ દિવસ મમ્મી પાસે રહ્યા પછી સુરત આવવા નીકળવાનુ હતુ…..નીકળતા સમયે કંઇક મુકીને જઇ રહ્યા છો તેવો અહેસાસ તમને થતો રહ્યો….અને તમને પપ્પએ છેલ્લે આપેલી પેલી “કર્મનો સિધ્ધાંત” બુક યાદ આવી… જે હજુય ટી.વી. પાસેજ જેવી તમે મુકી હતી તેવીજ પડી રહી હતી…. તે બુક તો તમે વાંચેલી અને ફરી વાંચવાની ઇચ્છા પણ નહોતી છતાં પપ્પાએ આપેલી હોઇ સાથે લઇ જવામાં વાંધો નહતો….
બુક સાથે-પપ્પાની યાદ સાથે તમે સુરત આવો છો… અને થોડા જ દિવસોમાં રુટિન કામે વળી જાવ છો….
એકાદ મહિનામાં જ વડોદરા ફાર્મનો કેસ નીકળે છે… જે તમે પોતેજ રેવન્યુ ના જાણકાર હોઇ કાયદાની આંટીઘુંટીથી વાકેફ રહી અને પોતાની વગના લીધે એકજ હિયરિંગમાં કેસ જીતી જાવ છો…. જે કામને તમે પપ્પાના આશિર્વાદ સમજો છો….
હવે જે થવાનુ હતુ તે જ થયુ…. જીતાયેલી મિલકત માં રહી રહીને વારસાઇ હક્ક ઉભા થયા… જેને આજસુધી કોઇ ગણકારતુ નહોતુ તેની ગણના થવા લાગી…..
ઘરના સહુને સમજાવ્યા કે તમે કોઇ મિલકતમાં ભાગ લીધો નથી…. કે લેવો પણ નથી…. પપ્પાની હયાતીમાં તમે ફક્ત આ મિલકતજ માંગી હતી અને એટલા માટે કે તે સમયે કેસ ચાલુ હતો જે તમારા સિવાય કોઇને શું કરવુ તેની જાણ નહોતી તે માટે જ….
પણ તમારા સ્વમાની સ્વભાવે તમે તમારો હક્ક જતો કરી દીધો અને પહેલી વાર પપ્પા પ્રત્યે થોડો અણગમો-ખીજ આવ્યા કે તે આ મિલકતનુ વસિયતનામુ નહોતુ કર્યુ….
આ વાતને બે વરસ થયા હશે….મમ્મી પણ પપ્પા પછી તેર મહિના બાદ તેમની પાસે જતા રહ્યા…. અને તમારા અમેરિકા આવવાની ફાઇલ નીકળતા તમે ઘર અને તમારો કારોબાર સમેટવા લાગ્યા…. વસ્તુઓના નિકાલમાં લાગેલા તમને પેલી “કર્મનો સિધ્ધાંત” બુક હાથ લાગી… પપ્પાની યાદ આવી ગઇ… તમે પહેલી વાર તેના પાના ઉથલાવા લાગ્યા……
………અને તેના પાનાની વચ્ચેથી તમને એક કાગળ મળ્યો….. જેમાં પપ્પની સહિ વાળો નોટરી થયેલુ લખાણ હતુ જે પપ્પાએ તેમના અવસાનના ત્રણ મહિના પહેલા લખેલુ હતુ…. જે મુજબ વડોદરાનુ ફાર્મ જો કેસ જીતાય તો તમનેજ મળે તેમ લખેલુ હતુ…..
આ અણધારી જીત-સફળતાથી તમે હવે બાઇજ્જત મિલકતનો કબજો લેવા અમદાવાદ જઇ રહ્યા હતા… રસ્તામાંજ વડોદરા આગળ ફાર્મ જોવા જવાની ઇચ્છાને રોકી ના શક્યા… અને તમે ફાર્મ પર પંહોચી બે વરસમાં માંડ બે-ત્રણ વાર ખુલેલા લોખંડી દરવાજા આગળ ઉભા રહ્યા…
તમે જોયુ કે સુકા ઝાંખરા વચ્ચે એક લીલો છોડ પોતાનુ અસ્તિત્વ બતાવતો મલકી રહ્યો હતો…
અને તમને પપ્પાનુ પ્રિય ક્વોટ યાદ આવી ગયુ…..
“નિર્ધારિત સમયેજ કર્મનુ ફળ મળે છે…..”
02/03/2016
ખોટા વખાણ મારા સ્વભાવમાં નથી. સાવ સાચો અભિપ્રાય આપીશ.
વિષયવસ્તુ જોરદાર 👌
લઘુકથાની દ્રષ્ટિએ અમુક વાક્યો અર્થહીન લાગ્યા. થોડું edit કરી ખૂબ સરસ રીતે મઠારી શકાય.
જોડણીની અઢળક ભૂલો… આંખને બૌ ખૂંચી, શું કરીએ?! “મુકેશ રાવલ” નામ આવે એટલે અપેક્ષાઓ પહાડી જ હોય…!!
LikeLike
લાગે છે કે તમે તમારુજ કામ વધારી રહ્યા છો…. હવે મારે વાર્તા પોસ્ટ કરતા પહેલા તમને પ્રુફ રિડીંગમાં આપવીજ પડશે….😀😀
સાચી વાત… હજુ નવો નિશાળીયો છું…. તમારા જેવા મિત્રો પાસેથી આ માટે ઘણુ શિખવાનુ છે મારે…. પણ તમારી ટકોર ગમી… હવેથી ધ્યાન રાખવુ પડશે….😀👍👍💐💐
LikeLiked by 1 person
👍
LikeLike
Heart touching story for me… read it few times already 🙏👍
LikeLike
Thanks a lot 👍👍💐💐
LikeLike