
મિસીસ કામિની મહેતા, તમને તો ક્યાંથી ખબર હોય એ વાતો…… કે તમારા પિતાજી અમુલખરાયને ભરયુવાનીએ ગાંધીજી નો રંગ લાગી ગયો હતો… ધીકતી જાહોજલાલી હોવા છતાં નખશીખ સાદાઇ અપનાવી લીધી હતી, એલિસબ્રિજ એરિયામાં ઇટાલિયન વ્હાઇટ માર્બલની વિલામાં રહીને તેવોજ વ્હાઇટ ખાદીનો પોષાક અપનાવી લીધો હતો, તેની અસર તેમના બાપ દાદાનો અંગ્રેજોના સમયથી ચાલી આવતો “ઉજાશ બ્રાન્ડ ગળી” બનાવવનો ધંધો પણ તેમની સફેદીને જ નહીં પરંતુ પુરા ભારતમાં ઉજાશ ફેલાવી રહ્યો હતો તેની પર પડી રહી હતી.
જે ગળી “સફેદી” ને વધારે ઉજાશ આપતી હતી તે જ ગળીની વટવામાં આવેલી કેમિકલ ફેક્ટરીને ધમધમતી રાખવા નવા કાયદા પ્રમાણે પોલ્યુશન સર્ટીફિકેટ મેળવવા અને બીજા કેમિકલના વપરાશ-નિકાલ કરવા માટે ફક્ત નિયમોનુ ગાંધીવાદી વિચારધારા સાથે ચુસ્ત પાલનજ કરવુ જરુરી નહોતુ પણ તેને પેપર પર માન્ય કરાવવા ઘણા ખરા ખોટા કામ મજબુરીએ પણ કરાવવા પડતા હતા. જેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપી રહ્યા હતા.
મજદુર સંઘે ફેક્ટરીમાં કામ કરતા મજુરોને ભડકાવીને ગળી થી ગળતા હાડકા નો ભય બતાવી મસમોટુ આરોગ્ય વિમા કવચની માંગણી કરાવી હડતાળ પડાવીને સમાધાનના નામે મોટી રકમ ખંખેરવા માંગતા હતા, પણ અમુલખ રાય પોતાની ફેક્ટરીના મજુરો માટે પહેલેથીજ ચિંતિત હોઇ પોતાના ખર્ચે જ હેલ્થ ચેકઅપ કરાવી દવા-સારવારની ઉચ્ચ સગવડ આપીજ રહ્યા હતા. અને મજદુર સંઘ આગળ નમવા તૈયાર નહોતા.
અધુરામાં પુરુ, હવે સાબુ અને સોડાની જગ્યા નવા પ્રકારના ડિટરજન્ટ લઇ રહ્યા હતા, જેની પણ અસર “ગળી ના ધંધા” ને ગળી રહી હતી.
અને આ બધાના પરિણામે “ઉજાશ બ્રાન્ડ ગળી” નો ઉજાશ ઝાંખો પડતો જતો હતો…
પણ કામિનીજી, તમને તો ભણવા સિવાય ઘરની બીજી કોઇ બાબતોમાં ઇન્વોલ્વ થવાજ નહોતા દીધા કે તેની ગંધ પણ નહોતી આવવા દીધી. સહુ તમને “ઉજાલા ગર્લ” તરીકે જાણતા હતા, ભારતના લગભગ ઘરોમાં તમારો વ્હાઇટ ફ્રોક સાથેનો એ મોડેલ તરીકેનો ફોટો ગળીના પેકેટ પર જાણીતો થઇ ગયો હતો.
ગાંધીવાદી બાપનુ એકમાત્ર સંતાન હોવા છતાં તે જ “એક માત્ર” ને લીધે તમારો ઉછેર પાશ્ચાત દેશના રંગઢંગ પ્રમાણે થતો રહેલો. કેમ કે અમુલખરાય પોતે વ્યક્તિ સ્વાતંત્ર્યમાં માનનારા હતા, પોતાના જેવુજ ગાંધીવાદી આચરણ પોતાના કુટુંબ પર થોપવા ને બદલે તેઓ માનતા કે સ્વેચ્છાએ જે આચરણ આવે તે જ ખરુ.
અને તે મુક્ત વિચારધારાને લીધે જ તમે જ્યારે લંડનમાં કોલેજ કરતા પરિચયમાં આવેલા અજય મહેતા સાથે લગ્ન કરવાનો વિચાર તમારા પિતાજી સમક્ષ મુક્યો ત્યારે અમુલખરાયે એકજ અઠવાડીયામાં “હા” માં જવાબ આપેલો.
આ અઠવાડીયાના સમયગાળામાં અમુલખરાયે અજય મહેતાનો પુરો પરિચય-ઇતિહાસ મેળવી લીધો હતો અને તમારી પસંદગી પર તેમને ગૌરવ હતુ કે અજય પણ કેમિકલ બિઝનેશ ફેમિલી માંથી છે.
જોકે તેમની ઇચ્છા તો તેમના જેવાજ ગાંધીવાદી મિત્ર ના અમદાવાદમાંજ કેમિકસ સાયન્સ ભણતા દિકરા વિજય સાથે તમને પરણાવવાની હતી.
અને થોડાજ સમયમાં તમે લગ્નગ્રંથી થી જોડાઇને કામિની વોરા માંથી કામિની મહેતા બની ગયા હતા.
અને એ પછીનો ઘટનાક્રમ તો તમે જાણો જ છો કે બંધ થવા આવેલી “ઉજાશ” કંપની, જેની માલિકી તમારા નામે હતી તે પણ મહેતા ગ્રુપની કંપની બની ગઇ હતી.
પણ હવે ત્યાં ગળી ને બદલે “ડાઇ” બનતી હતી, જે ફેક્ટરીમાં ચારે બાજુ વાદળી રંગ દેખાતો હતો ત્યાં આજે રેડોક્સ નો લાલ રંગ ઉડી રહ્યો હતો… જે પેકેટ પર તમારા ફોટા છપાતા હતા તેને બદલે હવે “મહેતા ગ્રુપ”નો સિમ્બોલ હતો…
આ રેડોક્સ બનાવનાર બહુ જુજ કંપનીમાં મહેતા ગ્રુપનુ નામ મોખરે હતુ, ટેક્ષટાઇલ બિઝનેશ અને પેઇન્ટ બિઝનેશમાં તેની ખુબ ડિમાન્ડ હતી. પણ આ “રેડોક્સ” જેટલુ ઇન્ડસ્ટ્રી માં કિંમતી હતુ તેટલુજ ખતરનાક પર્યાવરણ અને આરોગ્ય માટે હતુ. રેડોક્સથી દુષિત થયેલુ પાણી લાલ રંગ પકડ્યા પછી કોઇપણ પ્રોસેસથી રંગહિન થતુ નહીં. તે જમીનમાં ઉતરતુ તો પણ તેટલા ભાગને લાલ કરીજ દેતુ અને તેની લાલાશ ભૂતળના કે નવા વરસાદી પાણીને પણ લાલ કરીજ દેતા.
તેની ફેક્ટરીમાં કામ કરનારા ના લોહીનો રંગ પણ વધુ લાલાશ પકડતો.. ચામડી નો રંગ એવો થઇ જતો કે તેઓ નેટીવ અમેરિકન હોય તેવા રેડ દેખાતા.
આવા લોકો માટે એક ખાસ મેડિકલ ટ્રીટમેન્ટ રહેતી જે ચોક્કસ સમયગાળે લેવીજ પડે, જેનો ખર્ચ પણ ખુબ આવતો…. અને હવે અમુલખરાય નો હુકમ અહીં ચાલતો ના હોવાથી, આવા ખર્ચ બહુ કરાતા નહોતા, અને વર્કર લાલ લોહી સાથે “લાલ” થઇ જતા…
પેલુ મજદુર સંઘ એનુ એ જ હતુ, સરકારી નિયમો પણ કડક થયા હતા, પણ હવે તેઓને પોતાની “માંગ”સંતોષાતા, “ગળી ના વાદળી રંગને બદલે રેડોક્સનો લાલ રંગ” ક્રાંતિકારી લાગતો હતો…
પણ તમે હજુય, આ બધાથી પહેલાની જેમજ અજાણ હતા. તમે તો એ વાતથી પણ અજાણ છો જે આજે હું કરવા જઇ રહ્યો છું મિસીસ કામિની મહેતા.
જે અરસામાં “ઉજાશ”નો ઉજાશ હતો ત્યારે જ વિમલરાય મહેતા- અજય મહેતાના પિતાશ્રી અને તમારા શ્વસુર શ્રી- પોતાની નાની એવી ડાઇ પ્રિંટ ની કેમિકલ ફેક્ટરી અંકલેશ્વરમાં ધરાવતા હતા… જેમનુ વિઝન પોતાના બિઝનેશ પુરતુજ વિશાળ હતુ. ભારતમાં વિકસી રહેલા ટેક્ષટાઇલ માર્કેટને તેઓ જાણી ગયા હતા… અને તેથીજ તે માર્કેટની મુળ જરુરીયાત “ડાઇ”અને તેમાંય પાયાની જરુરીયાત જેવુ કેમિકલ “રેડોક્સ” ની “લાલાશ” માં તેમને “લીલા લહેર” દેખાઇ હતી. પણ રેડોક્સ બનાવવા માટે સરકારમાં ખુબ પૈસા આપવા છતાં જરુરી જગ્યા અને પરવાનગી મળવા મુશ્કેલ હતા, જેનો એક જ ઉપાય હતો કે કોઇ જુના યુનિટ માં જ તેઓ તેનુ પ્રોડ્કશન કરે… અને તે માટે શોધખોળ કરતા તમારુ “ઉજાલા” જ તેમને પસંદ આવેલુ, પણ અમુલખરાય એમ આસાનીથી તેમને યુનિટ વેચે તેમ નહોતા તેનીયે તેમને જાણ હતી…વિમલરાય ના બિઝનેશ માઇન્ડમાં ગડમથલ કરતા જાણવા મળ્યુ કે અમુલખરાયની વારસદાર “કામિની” એ પોતાના દિકરા સાથે જ લંડનમાં ભણી રહી છે.. અને અજય ને “ભણવા” કરતા તમને “ભોળવવા” માટે મનાવી લીધો.. આખરે તો અજય પણ વિમલરાયની જ “ડાઇ”હતો… અને તેમનો પ્લાન કામયાબ રહ્યો…..
તો મિસીસ કામિની મહેતા, હવે સમજાય છે ને કે લગ્ન પછી અજય કેમ બદલાયેલો લાગી રહ્યો છે… તેણે તો તમને “ગુલાબી” સપના બતાવી, “વાદળી” ને “લાલ” રંગ કરવાજ તમારી સાથે પ્રેમની “લીલા” આદરેલી.
પણ….. જો તે દિવસે અમુલખરાયે તમારી સ્વતંત્રતા પર જરા કાપ મુકીને તમારા લગ્ન અજય ને બદલે વિજય સાથેજ કરાવ્યા હોત તો તમારા જીવનમાંય રેડોક્સની કૃત્રિમ “લાલી” ને બદલે આજે તમારી “ઉજાશ” બ્રાન્ડ એવીજ ઉજાશ સાથે “જાલ” ડિટરજન્ટ સાથે મર્જ થઇને “ઉજાલા” બ્રાંડથી તમારાજ એ ફોટા સાથે માર્કેટમાં હોવા સાથે તમારા જીવનમાંય “ઉજાલા” હોત….. અને આ “કેમિકલ લોચો” ક્યાંય ના હોત-ના ફેક્ટરીમાં કે ના તમારા જીવનમાં.
હવે તમે કશુય કરી શકો તેમ નથી… કેમ કે તમે કામિની વોરા માંથી કામિની મહેતા છો, અને હવે તમે પેલી “ઉજાલા ગર્લ”નહીં પણ મિસીસ મહેતા જ છો.
03/28/2017
સરસ વાર્તા છે.
Mansukhlal Gandhi
Placentia, CA-92870
714-5150432
LikeLike
“આ અઠવાડીયાના સમયગાળામાં અમુલખરાયે અજય મહેતાનો પુરો પરિચય-ઇતિહાસ મેળવી લીધો હતો અને તમારી પસંદગી પર તેમને ગૌરવ હતુ કે અજય પણ કેમિકલ બિઝનેશ ફેમિલી માંથી છે.”
–
હું ભાષાનો જ્ઞાની તો જરાયે નથી પણ તેની સાથે પ્રેમથી જોડાયેલો છું એટલે જણાવું છું કે.. વાર્તાના વ્યક્તિઓ વચ્ચે ઘટતી ઘટનાઓ માટે તમે/તમારી/તેમને નું ઉદબોધન ગુજરાતીમાં થોડું અસમંજસ ફેલાવે છે.
આપ ઉંમર અને અનુભવમાં ચોક્કસ મારા કરતા વધુ વિદ્વાન હશો.. અને બની શકે કે તમે જે લખ્યું છે તે ભાષાકીય રીતે યોગ્ય હોય પણ મારી ટુંકી સમજ ન સ્વીકારતી હોય. આપ જે રીતે બે વ્યક્તિ વચ્ચેનું સંબોધન અહી કરો છો તે હિન્દી (ખાસ તો અલાહાબાદ/યુપી ની હિન્દી) માં ઘણું સામાન્ય છે પણ ગુજરાતીમાં તેનો ઉપયોગ અગાઉ ક્યારેય દેખ્યો નથી.
પણ.. આ વાર્તા મને ગમી.
LikeLike
આભાર… ક્ષતી બતાવવા બદલ💐 પણ મને હિન્દી ભાષાનો બહુ મહાવરો નથી… તેથી તેની અસર તો ના જ હોય.
અને આ વાર્તા એ વાર્તા નાયકને ઉદ્દેશીને કહેવાઇ છે, તેથી તે વ્યાકરણ માં “બીજો પુરુષ” હોઇ તેને માટે જે ઉદ્બોધન વપરાય તે વાપરવાની કાળજી રાખી છે.
છતાં… આપને યોગ્ય ના લાગ્યુ તે માટે દિલગીર છંુ.👍💐🙏
LikeLike