ગીતલી_કુંભારણ

gitali kumbharan

રમલો…. આમ તો કુંભાર જાતીનો, શાળા છોડીને સીમને પકડી, આખો દિવસ સીમમાં તેના ચારેક ગધેડા સાથે ભેંસને પણ ચરાવે… તેના બાપા કુંભારી કામ કરે, આવડત સારી, તેમના બનાવેલા માટલા બાજુના શહેરમાં ટ્રક ભરીને વેચાવા જાય… પ્રમાણમાં ખાધેપીધે સુખી કુટુંબ.
અને રમલો-રમેશ એકનો એક દિકરો એટલે લાડકોડથી વંઠી ગયેલો… માંડ માંડ પાંચ ચોપડી સુધી ભણ્યો. પછી બાપાના કામમાં જોડાઇ ગયો…સાંજ પડે એટલે ઠાકોરવાસમાં જઇ બે-ચાર ગ્લાસ દારુ પી આવે…

પણ બાપની આબરુ અને પૈસાને લીધે કહો કે, એ છોકરીના કોઇ લક્ષણના લીધે કહો…. રમલાના બાજુનાજ શહેરમાં ઉછરેલી રુપાળી શહેરી ગીતલી સાથે લગન ગોઠવાઇ ગયા…વેકેશનમાં જ લગ્ન હોઇ, હું પણ મોસાળમાં હતો, તો તેના લગનનો શિખંડ ખાઇ આવેલો અને જાન પાછી આવી ત્યારે વરઘોડીયુ મારા નાનીને પગે લાગવા ઘરે આવ્યુ ત્યારે મેં ય ગીતલી ને જોઇ હતી, રમલાની થોડી ઇર્ષા પણ થઇ હતી, રુપાળી ગીતલી જોઇને. જો કે રમલો મારાથી આઠ-નવ વરસ મોટો હતો તે હિસાબે ગીતલી મારાથી પાંચેક વરસ મોટી તો હશેજ.

પછી તો દર વેકેશને મોસાળ જતો ત્યારે અવારનવાર ગધેડા પર માટી લાવતી કે ડેરીએ દુધ ભરવા આવતી ગીતલી જોવા મળતી, ગામના છોકરા તેની સાથે બોલચાલમાં મજાક કરતા તો ગીતલી પણ હસતા હસતા સામે એવાજ જવાબો આપી સામી મજાક કરતી, કોઇ તેને અડકી લે તો પણ હસવામાં સહન કરી લેતી, અને તેય સામે નખરા તો કરતીજ. મને જુવે તો “આયા ભાણા ભાઇ…” કહી આવકાર આપતી.

ગામમાં થતી વાતો સાંભળતો કે રમલો હવે દારુ પીને પડ્યોજ રહેતો, ક્યારેક ગીતલીને ગાળો દઇને મારતો, કોઇ કામ કરતો નહીં, તેના બાપ પણ હવે પહેલા જેવુ કામ કરી શકતા નહોતા, પણ ગીતલીએ માટલા ઘડવાના, કોડિયા બનાવવાના અને સાથે સાથે ગામની પ્રાથમિક શાળામાં તેડાગર તરીકેનુ કામ કરતા કરતા લગ્નના પાંચ વરસમાં ચાર છોકરાની મા બની હતી. ઘરમાં સાસુ સસરા સાથે આઠ જણાનુ કુટુંબ ચલાવવાની અને રમલાને બે ટાઇમ દારુ પીવડાવવાની બધી જવાબદારી તે સંભાળતી હતી.
ગામમાં એવી વાતો પણ થતી કે ગીતલીએ ગામના જુવાનીયાઓને બગાડયા છે, તેમનેય પોતાના રુપ થી ખુશ કરી કમાણી કરી લેતી….

એકવાર હું રાયણા પાડવા બપોરે ખેતરમાં ગયો હતો, રાયણાના ઝાડ પર ચડીને રાયણા પાડવા જતો હતો ને બાજુની ડિઝલ પંપ મુકવા બનાવેલી પણ હવે અવાવરુ રહેતી છાપરા વગરની ઓરડીમાં રતિક્રિડા મગ્ન યુગલ જોયુ…અચાનકજ મેં બુમ પાડી… મારી બુમથી પેલો શખ્સ તો તરત કપડા પહેરીને ભાગ્યો, તેનો ચહેરોતો મેં જોઇ લીધો… પણ પેલી સ્ત્રી હજુય કપડુ ઓઢીને ત્યાંજ બેઠેલી રહી.. અને મારી સામે જોઇને કહે કે “ભાણા ભાઇ આવી જાવ નીચે….” ગીતલીને આમ અર્ધનગ્ન જોતાજ હું તો ફટાફટ નીચે ઉતર્યો અને પાડેલા રાયણા લીધા સિવાયજ ગભરાઇને ઘર બાજુ દોટ મુકી….
પણ આ પછી મને ગીતલી પ્રત્યે નફરત થઇ ગઇ… હું તેની નફરત તેના માટલાને પથ્થર મારીને ફોડીને કાઢતો ગયો… બે અઠવાડીયા મોસાળમાં રહ્યો હોઇશ પણ તે એક્કેય દિવસ એવો નહીં ગયો હોય કે મેં તેના નિભાડા આગળથી નીકળતા માટલુ ના ફોડ્યુ હોય…

જો કે આ પછી મારેય દુરના શહેરમાં રહેવા જવાનુ થતા અને મામા મામી સિવાય તેમના દિકરાઓ નજીકના શહેરમાં સેટ થઇ ગયા હતા તેથી મોસાળ જવાનુ બહુ ઓછુ થઇ ગયુ હતુ.
આ વાત ને બાર તેર વરસ થઇ ગયા… એક પ્રસંગથી મોસાળ જવાનુ બન્યુ… અને ત્યાં મામીને કોઇ કામથી મળવા ઘરે ગીતલી આવી… હંુ તો તેને ઓળખીજ ના શક્યો તેટલી તે બદલાઇ ગઇ હતી… એ તો મામી એ ગીતલીને ઓળખાણ આપી કે ભાણા ભાઇ આવ્યા છે… અને ગીતલી પણ ” ઓ મા… કેવા બદલાઇ ગયા ભાણા ભાઇ તો…. આવડા હતા ત્યારે જોયેલા…” અને તેણે હાથથી પોતાની કમર સુધી ની હાઇટ બતાવી મારી તરફ જોયુ…મને પેલો બાર તેર વરસ પહેલાનો પ્રસંગ યાદ આવી ગયો… હજુય નફરત ક્યાંક ઘર કરીને બેઠી હશે તે મોઢા પર આવી ગઇ… છતાં મેં અણગમો દબાવીને પુછ્યુ “શું કરે છે રમલો-રમેશ?” મામીએજ જવાબ આપ્યો… ” મરી ગયો રમલો તો…બિચારીને બહુ ત્રાસ આપતો હતો… ઢીંચીને પડ્યો રહેતો આખો દા’ડો…. એ તો ગીતલી વહુ હારી કે ગામના કામ કરીને ચારેય છોકરાને ભણાયા,પાકુ ઘર બનાયુ…ગામમાં ઘંટી કાઢીને છોકરાને ઠેકાણે પાડ્યા…. હાહુ હહરા ને જાતરા કરાવી, હહરાનુ બારમુ પતાયુ…. ને ડોહીને હજુય હાચવે છે… ને વરહ પેલા જ મોટાનુ વેવિશાળ કર્યુ છે…. નકર એય ગધાડા ચારતા હોત…”

મામીની વાત સાંભળી મને બધી પરિસ્થિતી સમજાઇ ગઇ… પેલી નફરતને બદલે કરુણા ભરાઇ ગઇ… મન ને સમજાવતો ગયો કે એક અલ્લડ યૌવન તેની ડિમાન્ડ ના સંતોષાય, જલસા કરવાની ઉંમરે જવાબદારીઓ ઘેરો ઘાલે, ત્યારે તે બધાથી ભાગવાને બદલે હાથવગો વ્યવહારુ ઉપાય અપનાવે તો તેમાં ગીતલીનો શું વાંક??? આખરે તો તેણેય સામાજીક કૌટુંબિક જવાબદારીઓ સારી રીતે નિભાવીજ છે ને!!!! જે કર્યુ તે પોતાને માટે જ નહીં પણ પુરા કુટુંબમાટે કર્યુ છે…. માટલા ઘડતા ઘડતા તેણે પોતાનુ કુટુંબનુ ઘડતર પણ કરી નાખ્યુ છે….

ગીતલી હજુય મારી સામુ જોઇ રહી હતી… ધીરેથી હસતા હસતા તે બોલી.. “ભાણા ભૈ ……. તમે મારા બૌ માટલા ફોડ્યા’તા.”

મેં તરત પાકીટ કાઢી તેને આપવા પૈસા ધર્યા… “લે આ માટલા ફોડ્યાની કિંમત તો નથી પણ તારા છોકરાને લગન વખતે મારો ચાંલ્લો છે…” બહુ આનાકાની પછી પણ તે ના માની… મામીએ વચલો રસ્તો કાઢ્યો… હાર.. પવલાને જ મોકલજે એનો ચાંલ્લો એના હાથમાં આલી દેજે..”
અને ગીતલી પણ બોલી ” હાર તાણ એનેજ મોકલીશ… ને આશીરવાદ આલજો કે તમારો જેવો બને…”

03/15/2017

4 Comments

  1. ખરેખર તો એક કરૂણાસભર વાર્તા કહેવાય…. પણ. મુળ તો ગરીબી અને ભણતર નહીં.. એટલે તો જાત વેચીને પણ છોકરાવને તો ભણાવ્યા…અને લાઈને પણ લગાડી દીધા….ભણતરની કિંમત છે…

    Like

    1. જ્યારે જવાબદારી આવે ને ત્યારે બસ જવાબદારીજ દેખાય… કોઇ શરમ નડતી નથી કુટુંબને આગળ લાવવા… પોતાની ક્ષમતા મુજબ માનવ પ્રયત્નો કરે જ છે😀👍

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s