
૧૬ વરસમાં એ પહેલી ધુળેટી હતી કે દિપાલી ને રંગ લગાવતા તમને રોમાંચ થયો હોય….
આમ તો ધુળેટીમાં સોસાયટીના સહુ નાના મોટા રમવા સામેલ થતા અને કોમન પ્લોટમાં સહુ એકબીજા સાથે રંગ અને પાણીથી રમતા, તો તમારા જેવા મુગ્ધાવસ્થામાંથી તરુણાવસ્થામાં જઇ રહેલા યુવાનીમાં કદમ માંડતા તમે અને મિત્રો પાણી ઢોળાવાથી થયેલ ભીની માટીના કાદવમાં હમઉમ્રના લોકોને રગદોળીને મજા લેતા…
સોસાયટીમાં રમીને થાકતા તમે ટોળી બન…ાવીને આજુબાજુની સોસાયટીમાં રહેતા મિત્રો સાથે રંગે રમવા નીકળી પડતા, બીજી સોસાયટીમાં પણ એટલીજ મજા માણતા. અને આ રંગે રમવાની, કાદવમાં એકબીજાને ઉંચકીને નાખવાની રમત યુવક કે યુવતી છે તે જોયા વગરજ નિર્દોષભાવે રમાતી. નિર્દોષ એટલા માટે કે આવુ તો તમે અને તેઓ ઘણા વરસોથી, નાના બાળક હતા ત્યારથી એકસાથે રમતા આવેલા. એટલે બધુ સાહજીક લાગતુ અને બાળક માંથી યુવક બનતા જતા દરેકને યુવાની સમયે પણ તે કાયમની જેમ સાહજીક લાગતુ. જાણે કે નિર્દોષ રમત.
પણ આ વખતે બાજુની સોસાયટીની દિપાલીને સંગે રંગે રમતા તમારો હાથ સહસા તેના વક્ષસ્થળે સ્પર્શ થતા તમને ત્યાં કંઇક ઉભાર જેવુ, કંઇક મુલાયમ અનુભવતા, ઠંડા પાણીથી પણ ધ્રુજારી નહોતી આવી તેવી ઠંડી ધ્રુજારી શરીરમાં વહેવા લાગે છે, અને જાણે ઠંડીથી થીજી ગયા હોય તેમ તમારા હાથ ત્યાં બે ક્ષણ માટે સ્થિર થઇ જાય છે.
ત્રીજી જ ક્ષણે તમે સચેત થઇ જતા, તરત ત્યાંથી નજર ચોરી ને તમે બીજા મિત્રો સાથે રમવા જતા રહો છો.
આમ તો તમારી સોસાયટીમાં અને બીજી સોસાયટીમાં ય ઘણી છોકરીઓ સાથે તમે કાયમ ધુળેટી, નવરાત્રીમાં ગરબા, ઉત્તરાયણ પર એકબીજા સાથે કે સામે પતંગ ચગાવવા, જાગરણ સમયે તો ખાસ યુવતીઓ સાથે પાનાની કે અન્ય રમતો રમવી કે અન્ય પ્રસંગોએ સાથે હળવા મળવાનુ બનતુજ હોય છે. તેથી તેમના સ્પર્શ તો ઠિક પણ તેમના હાથ પકડવા કે તેમને ઉંચકી લેવા કે શરીરના અન્ય ભાગો ને અનાયાસે અડી જવુ તે ખુબજ સાહજીક અને નિર્દોષ રહેતુ, જેની નોંધ પણ કોઇ લેતુ નહીં હોય.
પણ આ વખતે પહેલી વાર તમે દિપાલીની નોંધ લીધી હતી…
ભલે તમે બીજા મિત્રો સાથે રમી રહ્યા હતા પણ તમારુ મન હજુય દિપાલીનો તે સ્પર્શ યાદ કરી રહ્યુ હતુ…
તમે એ ભીડમાં ફરી દિપાલીને શોધો છો, પણ તે ત્યાં નજર આવતી નથી…. કદાચ ક્યાંક તે પણ રમતી હશે તેમ વિચારી તમે આજુબાજુ તેને શોધો છો…. પણ એટલામાંજ બીજી સોસાયટીના તમારા કરતા મોટા છોકરાઓ પાકા રંગ સાથે ત્યાં રમવા આવતા દેખાય છે અને તમે સહુ મિત્રોની સાથે ત્યાંથી મેઇન ગેટ તરફ ભાગો છો…. પણ હવે પકડાઇ જવાના ડરથી તમે પાછા સોસાયટી તરફ દોડો છો, આમ તો તમને રંગાવાનો કોઇ ડર નથી, પણ એ ટોળુ પાકા કલર વાપરતા હોઇ તેને શરીર પરથી કાઢતા બે દિવસ લાગે તેમ હોવાથીજ તમે ગભરાવ છો.
અચાનક જ તમારા પગ એક બંગલાના અધખુલા ગેટ તરફ વળે છે અને બમણા વેગે તમે તેમાં દોડીને જતા રહો છો. બમણા વેગે દોડવાનુ કારણ, તે દિપાલીનુ ઘર છે.
તમારા દોડવાના અવાજથી દિપાલીની મમ્મી બહાર આવે છે, જે પણ તમને ઓળખે છે…તમને જોઇને તે બુમ પાડે છે કે “અહીં અંદર નથી રમવાનુ…. બહાર જાવ… બહાર જાવ.. અહીં બધુ બગડશે….” પણ તમે સમજાવો છો કે “આન્ટી હું રમવા નથી આવ્યો… સંતાવા આવ્યો છું.” અને આન્ટી તમને ધાબે જતા દાદર તરફ ધકેલે છે… તમે ધાબે જાવ છો….
અને ધાબે જતાજ તમે સ્થિર થઇ જાવ છો… દિપાલી ધાબા પર જ હતી…. તે ધાબામાંથી તમારી સોસાયટી તરફ જોતી ઉભી હોય છે, કોઇ આવ્યુ જાણીને તે પાછુ ફરીને જુવે છે…. તમે તેની નજીક જાવ છો… આમાં નવુ કાંઇ હોતુ નથી, અગાઉ પણ તમે રમતા રમતા સાથે સાથે જ નહીં પણ અડોઅડ પણ બેઠેલા કે ઉભેલા રહ્યા છો જ…પણ આજ કંઇક જુદોજ અનુભવ થઇ રહ્યો હોય છે…… તેના મ્હો પર લાલ પીળા લીલા વાદળી રંગોના લપેડા છે…. તોય તમે જોઇ શકો છો કે તમને જોઇને તેના મ્હોં પર ગુલાબી છાઇ જાય છે. આજે તેની આંખોમાં પહેલી વાર શરમાળ પણુ જોવા મળે છે…
તો તમેય ક્યાં બાકી રહો છો!!!! કાયમ “હેય દિપડી..” કહેનારા તમે આજે “હાય” કહીને અટકી જાવ છો…એક ઝાટકે તેનો હાથ પકડી લેવાને બદલે આજ તમારા હાથ ધ્રુજી રહ્યા છે…. તેની આંખોમાં આંખો નાખીનેજ નહીં પણ એકબીજાની આંખો અડકે તેટલા પાસે જઇ વાત કરી શકનારા તમે વારંવાર તેની નજર મળતા આંખો નમાવી લો છો…. કેટલીયે વાર તેને કેડેથી પકડીને ઉંચકી હશે પણ આજે તેની લગોલગ ઉભા રહેતાય તમે ધ્રુજારી અનુભવો છો….
અને ત્યાંજ… “આ કલર તારી આંખમાં જશે” કહેતાજ તેણે પોતાના ભીના દુપટ્ટાથી તમારુ કપાળ, આંખ અને ચહેરો લુછી આપ્યા…
શું બોલવુ તે ના સુઝતા તમે “સોરી.. મારે તને “એવી રીતે” નહોતી રંગવાની…” બોલો છો… બોલતા બોલતાજ તમને એ ઘટના ફરી યાદ આવે છે….
“અરે શું થયુ? શેની સોરી? કેવી રીતે નહોતી રંગવાની?” તે ગંભીર મુખ સાથે તમારી સામે જોતા બોલે છે…
આગળ શું બોલવુ તે તમને સમજાતુ નથી…
“આજે નીચે રમતા રમતા જે થયુ તે….” હજુય તમે જે કામ તમને રોમાંચ આપી ગયુ હતુ તેનાજ માટે હવે તમે ખેદ વ્યક્ત કરી રહ્યા છો…
“હા, મનેય ના ગમ્યુ”
બસ આટલુજ સાંભળી તમારુ મન ગિલ્ટી અનુભવતા તમે નીચે ઉતરવા દાદર તરફ ભાગો છો… નીચેથી રમનારાનો અને કોઇકે ચાલુ કરેલા મોટા મ્યુઝીકનો અવાજ આવી રહ્યો છે…. અને તમારા મન માંથી “કંઇક ખોટુ થયુ” નો અવાજ આવી રહ્યો છે…..
પણ….. ક્યારેક મન ના અવાજ કરતા દિલનો અવાજ સાંભળવો જરુરી હોય છે…
જો તે દિવસે તમે પાછુ વળીને જોયુ હોતતો દિપાલીની આંખોમાં આવેલી શરારત જોઇને તમારો નિર્ણય બદલી શક્યા હોત….કે મ્યુઝીકના ઘોંઘાટમાંય જરા ધ્યાનથી સાંભળ્યુ હોત તો જરુર આગળનુ સંભળાતે ” હા, મનેય ના ગમ્યુ…. તે ભીડમાં ક્ષણ બે ક્ષણ નુ તારુ અડવુ… અહીં કોઇ નથી.. હવે મન ભરીને સ્પર્શી લે…. મારુ દિલ આજે તને જ પોકારી રહ્યુ છે….”
03/12/2017
સરસ ચાંસ ગુમાવ્યો..
LikeLike
નસીબ અપના અપના…..
LikeLiked by 1 person