
સતત બોયઝ સ્કુલમાં ભણીને એવા ટેવાઇ ગયેલા કે કોઇ છોકરી સાથે કેવી રીતે વર્તવુ કે તેની લાગણીઓને કેવી રીતે સમજવી તે શીખ્યાજ નહીં… જોકે ઘરમાં, સોસાયટીમાં, કુટુંબમાં છોકરીઓ સાથે બોલવાનુ થતુ પણ તે એક મર્યાદિત રીતે, બાકી સ્કુલમાં છોકરીઓ સાથે બોલવુ અને અન્ય જ્ગ્યાએ બહાર બોલવુ તેમાં બહુ ફરક હોય છે.
બસ આવોજ ફરક મારામાં હતો… સ્કુલમાં છોકરીઓ જોઇને સામાન્ય રીતે જે શિસ્ત આવે છે, ભણવાનુ સુધરે છે (હોંશિયારી બતાવવામાં ય), તેમને નોટ-એસાઇનમેન્ટ આપીને કે હોમવર્કમાં મદદ કરીને જે સહાનુભુતી પ્રગટે છે તે બધી લાક્ષણિકતા નો મારામાં દસમા ધોરણ સુધી અભાવ હતો…
જો કે તે “અભાવ” ને લીધેજ હું સતત ટોપ થ્રી માં આવતો હોઇશ…
પણ અગિયારમાં ધોરણથી સ્કુલ બદલાઇ… જેમાં બોયઝ એન્ડ ગર્લ્સ સ્કુલ હતી…..
મારો પહેલોજ દિવસ તે સ્કુલમાં… હું એકદમ નવો અને મારા માટે બધાજ નવા… મેં નોટીશબોર્ડમાં મારો ક્લાસરુમ જોઇને પ્યુન ને મારો કલાસરુમ ક્યાં આવ્યો તે પુછ્યુ…તેણે ઉપરની બાજુના ફ્લોર પર મોકલ્યો… ત્યાં જઇને જોયુ તો ચાર ખુણામાં ચાર ક્લાસ.. ત્યાંજ છોકરીઓનુ ટોળુ ઉભુ હતુ… જે રીતે વાતો કરતી હતી તેનાથી તે પહેલેથીજ આ સ્કુલની લાગતી હતી… તેમને પુછ્યુ કે ૧૮ નંબરનો ક્લાસ ક્યાં આવ્યો? તેઓ સમજી ગઇ કે હું સ્કુલમાં નવો છું… અને તરત એક છોકરીએ મને હાથના ઇશારા સાથે “ઉપર” કહ્યુ… હું Thanks કહીને, જરા શરમાઇને ઉપર તરફ ગયો… તો ત્યાં તો એકજ રુમ હતો અને તે કોમન ગર્લ્સ રુમ હતો… એકલી છોકરીઓજ… અને ત્યાં ફક્ત એ જ એક રુમ હોઇ, મને ઉપર ચડતા બીજા સ્ટુડન્ટ પણ જોઇ રહ્યા હતા તેની મને હવે જાણ થઇ…. હું છોભીલો પડીને કંઇક છેતરાવાની તો કંઇક શરમની લાગણી સાથે પાછો નીચે આવ્યો… પેલુ ટોળુ મારા તરફ જોયા વગર હસી રહ્યુ હતુ…. અને હિંમત કરીને ફરી હું તે જ છોકરી પાસે ગયો… હજુ હું કાંઇ બોલુ તે પહેલાજ તેણે મને એક ક્લાસરુમ બતાવી, ત્યાં જવા કહ્યુ, હું Thanks કહ્યા વગર મારા ઓરિજીનલ ક્લાસમાં જતો રહ્યો….
ક્લાસ શરુ થવાનો બેલ વાગતાજ મેં જોયુ કે પેલી છોકરી બીજી છોકરીઓ સાથે મારાજ ક્લાસમાં આવી રહી હતી…
ગોરી ને નમણી, પાતળીને ઉંચી, સ્ટાઇલિશ વ્હાઇટ શર્ટ અને સહેજ ટુંકુ સ્કર્ટ પહેરેલા.. ખભા સુધીના વાળ… આંગળી પર ગોળ ગોળ ફરતી કિ ચેઇન કહી રહી હતી કે તેની પાસે કોઇ વ્હિકલ છે… બહાર શરમથી હું તેની સામે જોઇ શકતો નહોતો તેથી આવુ જોવાનુ રહી ગયેલુ.
તે બારણા તરફની આગલી બેન્ચ પર બેઠી… હું નવો હોઇ એકલોજ છેક પાછળની બેન્ચ પર બેઠો હતો…
ટિચર આવ્યા… સહુએ ઉભા થઇ ગુડ મોર્નિંગ કર્યુ…. તેમણે મસ્ટરરોલ માં બધાની પ્રેઝન્ટ નામ બોલીને લેવાનુ શરુ કર્યુ… મસ્ટરમાં બધાના નામ સરનેઇમના આલ્ફાબેટીક ઓર્ડરમાં હતા. મારુ તો એકજ નામ જાણવાની ઇચ્છા હતી… આખરે ટિચર બોલ્યા… “રાજપુત હિના” અને ઘંટડી રણકે તેવો એજ “ઉપર” જેવો અવાજ સંભળાયો .. “પ્રેઝન્ટ સર…” હજુ આ માદક અવાજને બરાબર મમળાવી લઉ તે પહેલાજ “રાવલ મુકેશ” સાંભળતાજ જુની ટેવ મુજબ “યસ સર” બોલાઇ ગયુ.. અને તરત ૪૫ સ્ટુન્ટ્સ અને એક ટિચર ની એમ ૯૨ આંખો મારા તરફ ફરી…. ટિચરે પણ મારી નોંધ લીધી.. અને મારા પછીના ચાર પાંચ નામ બોલીને તેમનુ કામ પુરુ કર્યુ… મને અને સહુને ખ્યાલ આવી ગયોકે હું જ એક નવો છું.
પણ મને એક વાત બહુ ગમી કે મારો અને પેલીનો નંબર સાથેજ છે.
પછી તો એકાદ મહિનામાં જ મારી વાક્પટુતા ને હોંશિયારીને લીધે બધા સ્ટુડન્ટ્સ અને ટિચર્સ મને ઓળખતા ગયા… ફ્રેન્ડ સર્કલ બનતુ ગયુ… પાછલી બેન્ચ પરથી બીજા જ મહિને આગલી બેન્ચ પર આવી ગયો…પણ આ બધા વચ્ચે હું હિના ને હેરાન કરીને બદલો લેવાના એક પણ મોકા ચુકતો નહીં… તેની કોઇ આન્સર આપવામાં ભુલ હોય તો આર્ગ્યુમેન્ટ કરી હું જ તેના આન્સર સુધારવાને બહાને તેને ક્રોસ કરતો રહેતો… સાયન્સ પ્રેકટિકલ માટે સાથે નંબર હોઇ એકજ ગ્રુપમાં અમે સાથે આવતા… અને અમારા ચારના ગ્રુપ માં સહુથી પહેલા પ્રેકટિકલ પતાવવાની હું સતત કાળજી રાખતો… છેવટે તેના કરતા તો પહેલા પતાવીજ દેતો… જો કે તે પણ હતી તો સ્માર્ટ.
તે લ્યુના લઇને આવતી… તો તેના લ્યુનાના સાયલેન્સરમાં બટાકો ભરાવી દેતો અને તેને સ્ટાર્ટ કરવામાં પેડલ મારીને થાકી જતી જોઇ અમે ફ્રેન્ડ્સ ખુશ થતા…. ઉંમર ના હોવા છતાં મારી જેમ ઘણા ફ્રેન્ડ બાઇક લઇને આવતા…. ક્યારેક મારુ યામાહ તેના લ્યુનાની પાછળ એ રીતે મુકતો કે તેને લ્યુના કાઢવા માટે મારી રાહ જોવી પડે… તો રુમમાં તેની નજીક રહેલા વોલ ફેન ને તેની બાજુ ગોઠવી ફુલ સ્પિડ પર મુકી દેતો…. તો ક્યારેક બાયોલોજી લેબમાંથી જીવતા દેડકા પકડી લાવીને તેની બેન્ચના કંપાર્ટમેન્ટમાં મુકી ને દેડકાની સાથે તેનેય કુદાવતો….
એક બે વાર તેણે મને ચિમકી પણ આપેલી કે હવે આવુ કાંઇ કરશે તો પ્રિન્સીપાલને કંમ્પલેન કરશે… અને હું બેફિકર રહી અટ્ટ હાસ્ય કરતા સાંભળી લેતો…
આવુ દિવાળી વેકેશન પછી પણ ચાલુ રહ્યુ… તે પણ સમજી ગઇ કે આ મને હેરાન કરી રહ્યો છે… પણ હવે તો મારુ પણ સારુ એવુ ગ્રુપ બની ગયુ હતુ… ટિચર સ્ટાફમાં પણ મારુ નામ બ્રિલીયન્ટ સ્ટુડન્ટ તરીકે જાણીતુ થઇ ગયુ હતુ… અને હવે તો હું કે તે પણ એકબીજાને નામથી બોલાવતા થઇ ગયા હતા… ક્યારેક ગ્રુપ વાઇઝ પ્રેકટિકલ આવતા તો અમે એકબીજાને હેલ્પ પણ કરતા… કોઇ ક્લાસ એટેન્ડ કરવાનો રહી જાય તો એકબીજાની નોટ, જર્નલ લઇને કોપિ પણ કરી લેતા…
આમ એક વરસ પુરુ થવા આવ્યુ… એન્યુઅલ એકઝામ આવી… અહીં પણ નિયમાનુસાર હું ટોપ થ્રીમાં આવ્યો… સમર વેકેશન પહેલા ના સ્કુલ ફંકશન માટે મેં સારો એવો ભોગ આપ્યો… હવે તો પ્રિન્સીપાલ સાથે લગભગ સ્કુલના બધા સ્ટુડન્ટ-પણ મને સારી રીતે જાણતા થઇ ગયા…
નવા વરસમાં 12th ચાલુ થયુ… હવે મજાક મસ્તી ઓછા અને ભણવા તરફજ બધા ધ્યાન આપવા લાગ્યા… તોય હું હિના ને યેન કેન રીતે હેરાન કરવાનુ ચુકતો નહીં… કેમેસ્ટ્રી લેબમાં, એક મોટી જારમાં AgNO3 લિકવિડ ભરાતુ… તેમાંથી વહેલા જઇને કોઇ જાણે નહીં તેમ હું બીજા એક નાના જારમાં તે કાઢી લેતો અને બાકીનુ ઢોળીને તેમાં પાણી ભરી દેતો… બાકીના બીજા ગ્રુપને પેલુ અસલ લિકવીડ આપતો, જ્યારે હિનાને ભાગે પેલુ પાણી આવતુ અને તેને કોઇ રિઝલ્ટ મળતુ નહીં… છેવટે તેણે મારી જર્નલમાંથી રિડીંગ કોપી કરવા પડતા…
આમ કરતા કરતાપહેલુ સેમેસ્ટર પુરુ થવા આવ્યુ… દિવાળી વેકેશન પહેલા દિવાળીના ગ્રિટીંગ્સ મોકલવાના બહાને ક્લાસમાંથી સહુના એડ્રેસની આપ લે થઇ… મારે તો એકજ એડ્રેસ જાણવુ હતુ.
વેેકેશન પુરુ થતા બધા ફ્રેશ થઇને આવી રહ્યા હતા…મારો ઘરથી સ્કુલ, અને સ્કુલથી ઘરે આવવાનો રસ્તો બદલાઇ ને જરા લાંબો થઇ ગયો.. “વાયા હિના રાજપુતની સોસાયટી”.
તે લ્યુના પર આવતી હું યામાહ પર… આમ તો યામાહ મેં સ્પિડની મઝા માણવા માટેજ લીધુ હતુ પણ તોય તે હવે લ્યુનાની સ્પિડે ચાલતુ થઇ ગયુ હતુ. બિચ્ચારુ યામાહ…
સ્કુલમાં પણ હવે યામાહ લ્યુનાની પાછળને બદલે બાજુમાં પાર્ક થતુ, લેબના દેડકા હવે લેબમાંજ રહેવા લાગ્યા…. વોલ ફેન પણ શાંત થઇને હવે કોઇ એકને બદલે બધાને હવા પિરસતો થઇ ગયો હતો… અરે મારા પ્રેકટિકલ પણ “બીજા નંબરે” પુરા થવા લાગ્યા…
ખબર નહીં ક્યારે બદલાની ભાવના કુણી પડીને બદલાઇ ગઇ… નફરતના કાંટાને બદલે લાગણીની કુંપળો ફુટવા લાગી… પ્રિન્સીપાલને કંમ્પ્લેન કરવાને બદલે ટિચર્સ ની આંખોથી, વાતો કરતા ના પકડાવાય તેની કોશિષ થવા લાગી… અધુરી નોટ ને બદલે બંને નોટ કોઇ એકથી જ લખાવા લાગી… બાર બોર્ડની તૈયારી પુરજોશમાં ચાલુ થઇ ગઇ હતી…
હવે તો સ્કુલ ફ્રેન્ડ પણ અમારી મજાક કરી લેતા.
પણ જેમ જેમ એકઝામ નજીક આવતી ગઇ તેમ તેમ આકર્ષણનુ ઝનુન અને પરિક્ષાનુ ઝનુન ..બેય વધતા રહ્યા… મળવાનુ ઓછુ થતુ રહ્યુ….
બંનેના નંબર એકજ સ્કુલમાં આવવાની આશા હતી પણ તેણે સેન્ટર બદલાવી નાખેલુ…
પરિક્ષા પણ પુરી થઇ ગઇ… છેલ્લા બે મહિનાથી મળાયુ નહોતુ એટલે નક્કી કરીજ લીધુ કે તેના ઘરેજ જવુ છે… એટલે એક તેની ફ્રેન્ડ, કે જેને હું બહુ સતાવતો હતો, ” કિટ્ટી”, તેનીજ મદદ લીધી… પરીક્ષા પુરી થયાના ત્રીજાજ દિવસે કોઇ પ્લાનીંગ વગર તેના ઘરે ગયા… કંઇક રોમાંચ-કંઇક ગભરાટ સાથે ડોરબેલ વગાડ્યો… કોણ ડોર ખોલશે તો શું કહેવુ તેની કોઇ તૈયારી નહોતી… પડશે તેવા દેવાશે ની જ નિતી રાખી…
અને બીજા જ ડોરબેલ પર બારણુ ખુલ્યુ…. એક પડછંદ યુવાને બારણુ ખોલી પુછ્યુ “કોનુ કામ છે?” મને તો કાંઇ સુઝે તે પહેલાજ કિટ્ટી બોલી “હિના ને મળવુ છે” , પેલાએ ત્યાં ઉભા ઉભાજ જવાબ આપ્યો “એ તો જયપુર ગઇ છે”, “ક્યારે ગઇ?” પુછવાનો સવાલ નહોતો કેમ કે ત્રણ દિવસ પહેલા તો એકઝામ પુરી થયેલી એટલે આ ત્રણ દિવસમાંજ ગઇ હોય ને!!! એટલે “ક્યારે આવશે?” મારાથી પુછાઇ ગયુ… પેલો હિનાના ભાઇ જેવો લાગતો મારી સામે જોઇ રહ્યો ને બોલ્યો… “એ તો એના ઘેર ગઇ….” અમારી આંખોમાં એક વધારે આશ્ચર્ય સાથે પ્રશ્ન આવ્યો, તે પેલો જાણી ગયો… પણ હવે તેય જરા ફ્રેન્ડલી બન્યો… અમને ઘરમાં બોલાવી બેસાડ્યા…અમે હિના સાથે એકજ સ્કુલમાં હતા તેની જાણ કરી, અને ક્લાસના બધાએ ફેરવેલ સેરીમની રાખેલ હોઇ તેને જાણ કરવા આવ્યા છીએ નુ ખોટુ બહાનુ ધર્યુ… પણ પછી જાણવા મળ્યુ કે આ તો હિનાના ફોઇનુ ઘર હતુ, તેના પપ્પા એરફોર્સમાં હતા, તેમની ટ્રાન્સફર એક વરસ પહેલા જ જયપુર થઇ હતી, પણ હિનાને સ્કુલ ચાલુ હોઇ તે તેના ફોઇ સાથે રહેવા આવી હતી, એકઝામ પુરી થતા તે પણ જયપુર જતી રહી….
હું તો પહેલેથીજ નર્વસ હતો… તેમાં આ જાણીને વધારે નર્વસ થઇ ગયો… અને હવે એકજ આશા રહી કે તે રિઝલ્ટ લેવા આવે ત્યારે મળે….. અને વધારે કાંઇ પુછ્યા વિના અમે ત્યાંથી બહાર નીકળી ગયા… કિટ્ટીએ તો પોતે હવે ચાલતી ઘરે જતી રહેશે તેમ કહીને ચાલવા માંડ્યુ… હું ય તેને ફોર્માલિટી માટેય રાઇડ આપવાનુ ના કહી શક્યો….
બે ત્રણ દિવસ ગમગિનીમાં વિતાવ્યા બાદ હું પણ ફ્રેન્ડ્સ સાથે ફરવા નીકળી ગયો….
અને એક શરુ થયા વગરની અધુરી વાર્તા, કે જેને કોઇ નામ પણ અપાય તેમ નહોતુ, તેનો ત્યાંજ અંત આવી ગયો…
03/20/2017
ઓહ….., “વાર્તા” અધુરીજ રહી ગઈ…….? આને કમનસીબી ન કહેવાય..બીજું શું…..??
LikeLike
બની શકે કે એ વાર્તા અધુરી રહી એટલેજ આ વાર્તા લખાઇ હોય!!!😀😀
LikeLiked by 1 person