
ન્યુઝ પેપરમાં ઘણીવાર (કાયમ)સમાચાર ને એ રીતે કવરેજ અપાય છે કે મુળ વાત એકજ લીટીની હોય તોય ત્રણ કોલમ બાય ૧૦લીટીમાં વર્ણવાય….. ખરેખર તો ન્યુઝના હેડિંગજમાં જ બધુ આવી ગયુ હોય…
અમદાવાદમાં કુતરીએ એકસાથે ચાર બચ્ચાને જન્મ આપ્યો…
અમારા ખબરપત્રી દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદના પશ્ચિમ ભાગમાં સાબરમતીના સરદારબ્રિજ ના એનઆઇટી તરફના છેડે એક કુતરીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે.…
સત્તાવાર સમચાર મુજબ આજરોજ રસ્તે ચાલતા રાહદરીઓએ એક ઝાડ નીચે શંકાસ્પદ હાલતમાં એક કુતરાને જોયુ હતુ… જે માટીના ઢગલામાં બેસીને ઘુરકી રહ્યુ હતુ… થોડીજ વારમાં તેણે એકસાથે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો… મળતી છેલ્લી માહિતી મુજબ તે કુતરી હતી.
આજ સવારે દસ ના સુમારે અમારા કાર્યાલયની કચેરીએ અચાનક ઉપરાઉપરી ફોન રીંગ વાગતા, ફોન પર સામે છેડેથી એક ઇસમે જણાવ્યુ હતુ કે સંસ્કારભવન પાસે એક કુતરીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે.
અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ સંસ્કારભવન અને ટાગોરહોલ વચ્ચેની ખુલ્લી જગ્યાએ એક ઝાડ નીચે કાળી કુતરીએ ચાર સ્વસ્થ બચ્ચાને હેમખેમ જન્મ આપ્યો હતો.
સ્થાનીક લોકોના જણાવ્યા મુજબ બે દિવસથી આ કુતરી સ્કુટર પાછળ દોડવાનુ છોડી દેતા લોકને તેના વર્તન પ્રત્યે શંકા જાગી હતી, પણ આજ સવારે મોર્નિંગવોક કરવા જતા લોકોએ જણાવ્યુ હતુ કે ઝાડ નીચે માટીના ઢગલા માં ખાડો કરી કુતરી કાંઇક કરી રહી હોવાનુ જણાતા લોકોનુ ટોળુ ભેગુ થઇ ગયુ હતુ, અને સહુના આશ્ચર્ય વચ્ચે લાલ કુતરીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો.
આ સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી, આજુબાજુ ના મકાનમાં રહેતા લોકોએ કુતરી અને તેના ચાર બચ્ચાઓ માટે શિરો બનાવીને ખવડાવ્યો હતો… અમારા ખબરપત્રીએ જણાવ્યા અનુસાર તેમાં ચોખ્ખુ ઘી અને ડાલડા ઘી મિક્ષ હતુ જ્યારે કોઇએ ગોળનો શિરો તો કોઇએ ખાંડનો બનાવેલો હતો. ખબરપત્રીને ડાયાબિટીશ હોઇ ખાંડના શિરાની વધારે માહિતી મળી શકી નથી.
મોડેથી જાણ થઇ હતી કે કુતરી કાળી નહીં પણ લાલ રંગની હતી.
અમદાવાદ કોર્પોરેશન આ વખતે પણ ત્વરીત પગલા લેવામાં ઉણુ ઉતર્યુ છે. જયારે લોકલ પોલિસ સ્ટેશને આ કૃત્ય ની એફ આર આઇ નોંધાઇ છે.
આવા ગંભીર કૃત્યો માટે કોણ જવાબદાર હોઇ શકે તેની ચર્ચાએ જોર પકડ્યુ છે.
પણ જાણકારોના કહેવા મુજબ આમાં સ્થાનિક રાજકારણ રમાઇ રહ્યુ છે.
03/03/2017