
પ્યાલા બઇણી…………..યે….
આ અવાજ કોને યાદ ના હોય!!!… ભર બપોરે સંભળાતો આ આવાજ સાંભળીને ઘર-સોસાયટી-પોળ ની સ્ત્રીઓ ભર ઉંઘમાંથી પણ જાગી જતી…. પોતે પહેરેલા કપડા પણ ફટાફટ બદલીને નવા પહેરી લેતી… છોકરાઓના પેન્ટ કાઢીને ચડ્ડીઓ પહેરાવી દેતી…. માળિયા-કબાટમાંથી કપડાના પોટલા બહાર આવી જતા… કોઇ કોઇ તો પોતા પણ ધોઇ ને ઇસ્ત્રિ કરીને સુકવી દેતાને પોટલામાં વચ્ચે ભરાવી દેતા…
પેલી પ્યાલા-બરણી વાળીને પોતાના ઘરે બોલાવી ચા નુ પુછીને પાણી પાઈ દેતા… તેને મસ્કા મારવા લાગી જતા… રખેને તે પહેલા કોઇના ઘરે પંહોચી ગઈને સારી વસ્તુ જતી રહી તો?… પહેલાતો તેની પાસે શું છે તે જાણિ લેવામાં વધારે રસ… પેલી પણ ઉસ્તાદ… સારી વસ્તુ હોય તો
” ના હોં.. એ તો ફલાણી બેને જઈ વખતે મંગાઇ’તી… એની હાડી પણ એડવાન્સમાં આલી છે… નવિ નક્કોર…” એટલે પછી રકઝક ચાલુ થાય… ખાસ તો દેખાદેખી ને ગૌરવનો સવાલ થઈ પડે…
” લે હાર.. હુ એનાથી ભારે હાડી આલુ… પણ એ તો જોઇએ મારેજ… કે’તી હોય તો બે લુગડા વધારે આલીશ..”
અને પછી ચાલે શેરબજારમાંય ના થતા હેવા સોદા….. છેવટે ભાવતાલ નક્કી થાય…. “નવી” કહેવાતી સાડી આપે, ઉપરથી જે “બે લુગડા વધારે” નુ નક્કી થયેલુ તેમાં બે ફાટેલી ચડ્ડી આપે… પાછી ખેંચમખેંચ ચાલે… પેલી બે નવા પેન્ટ માંગે…
“ના અત્તારે તો એ નથી” ના જવાબમાં પેલી તાર પર સુકાતા નવા પેન્ટ બતાવે…
“લે… એતો તારા ભૈ હજુય ઓફિસે પે’રી જાય છે…. ના હોં, એ ના મળે… પછી એ પે’રે શું?” છેવટે એ જ “ભૈ ના પેન્ટ” માં સોદો પતે…. પેલી લેનારી ખુશ થાય કે નવા બે પેન્ટ લીધા.. ને પેલી આપનારી ખુશ થાય કે કામવાળાના બે પેન્ટ આલ્યા…
સામે વાસણોમાંય એવુજ…
“આ કથરૉટ આલ.. છોડિના લગન લેવાના સે તો કરિયાવરમાં અલાય…”…..
“હોવે… આ બે ચાદરોમાં કથરોટ થોડિ આવે?”..
” અલી આ ચાદરો દેખાયસ… લેટેસ્ટ ડીઝાઇનની સાડીઓ છે…. તારા ભૈ ગયા મહિનેજ રતનપોળમાંથી લઈ આયા’તા… બળ્યુ મને નવી ડિઝાઇન ના ફાવે તેમાં તને આલી…”
ક્યારેકતો બાજુવાળાના સુકાતા કપડાનો સોદોય થઈ જાય….
અમારા એક પાડોશી હતા… ખાધે પીધે ખુબ સુખી.. તોય અમુકકપડા દિલ્હીદરવાજા બહારના પ્યાલા-બરણી વાળા માર્કેટમાંથી ખરીદી લાવે… પુછીએ તો હોંશભેર કહે પણ ખરા.. “આ કપડાજ પ્યાલા બરણી વાળીને આપવાના..!!!!”
ખરેખર.. આવા લોકોજ ઘેરબેઠા ઇકોનોમીના પાઠ ભણાવી શકે…
12/03/2014
બીઝનેસ મેનેજમેન્ટ અને હોમ મેનેજમેન્ટ કરતી દરેક સ્ત્રીઓ ને નોમીક્સ વિશે અદ્દભુત નોલેજ હોય જ છે 😀😀
LikeLike
હા…. આપણા દેશની સંસ્કૃતી અને સમાજ વ્યવસ્થાજ એવા છે કે દરેકને બિઝનેશ ટ્રિક ગળથુથીમાંથી જ મળી રહે છે….👍👍
LikeLiked by 1 person