
વડોદરા રહેતો હતો ત્યારે અમારીજ સોસાયટીમાં રહેતો મારો એક મિત્ર (હાલમાં વડોદરામાં પ્રખ્યાત જ્વેલર્સ છે.) ને અમારી સોસાયટીની નજીકની સોસાયટીમાં રહેતી એક છોકરી-જ્યોતી સાથે “નજરનો પ્રેમ” થઇ ગયો…. ધીમે ધીમે તે છોકરીના સ્કુલ જવાનો અને આવવાનો ટાઇમ, તે દાંડીયાબજાર એક ટયુશન ક્લાસીસ માં જતી ત્યાં જવા આવવાનો ટાઇમ, તે કદાચ શાકભાજી લેવા કે બહાર ફરવા નીકળે તો તે ટાઇમ…. તે ઘરની બહાર હિંચકામાં બેસે તે ટાઇમ… આવા તો ઘણા ટાઇમ પેલા મિત્રને મોઢે સોરી “દિલે” થઇ ગયા હતા…. પણ તેની સાથે વાત કરવાનો મોકો કે હિંમત નહોતા મળતા… અમે બંને રોજ પ્લાન બનાવીએ કે હવે શું કરવુ????
હવે, અમારીજ સોસાયટીમાં રહેતી એક છોકરી-પારુલ, જયોતીની બહેનપણી નીકળી….પણ ખાટલે મોટી ખોડ સોરી “પ્રેમ માં પંકચર” ત્યાં નીકળ્યુ કે પારુલને અમારીજ સોસાયટીમાં રહેતા અમારા બીજા એક મિત્ર-કિરણ સાથે આવો જ “આંખોનો પ્રેમ” થઇ ગયેલો તેની અમને જાણ થઈ ગઇ….
એટલે પહેલાતો જયોતી વાળુ પ્રકરણ આગળ ચલાવવા જ તેને પડતુ મુકયુ અને પારુલ-કિરણ નુ પ્રકરણ આગળ વધારવા અમે નિ:સ્વાર્થ ભાવે મિત્ર તરીકેની ફરજ બજાવવા લાગી ગયા… કિરણને વાત કરી કે પારુલ તને લવ કરે છે!!!!!!!!
જોયુ!!! પોતાના માટે હિંમત નહોતી પણ બીજા માટે “જાન હાજીર હૈ”.
હવે કિરણ આડો ફાટ્યો…. તે કહે મને તો એવુ કંઇ છે જ નહીં…. અને બીજુ કે કિરણના મોટાભાઇને ખબર પડે તો કિરણનુ આવી બને, એટલે ભાઇની ધાકે પ્રેમનુ બલિદાન ચડતુ લાગ્યુ… એય પાછા બે બે પ્રેમ….
અમે કિરણને સમજાવ્યો કે તારા ભાઇને જાણજ નહીં થાય… તોય માને નહીં…
હવે એવામાં એક મિત્ર “જાન માં જાન” આવે એવા સમાચાર લાવ્યો કે કિરણના મોટાભાઇ, તેમની બેંકમાંજ કામ કરતી છોકરી સાથે ચાલુ છે…. એટલે કિરણના માં “નૈતિક હિંમત” આવી… તેના છુપા પ્રેમે અચાનક ઉછાળો માર્યો…. તે પારુલ સાથે “પ્રેમ કરવા” તૈયાર થયો… હવે આમ જોવા જઇએ તો અમને કિરણ-પારુલ ની લવ સ્ટોરીમાં કોઇ ઇન્ટરેસ્ટ નહોતો જેટલો પેલા મિત્ર-જ્યોતી ની લવસ્ટોરીમાં…. You know … just “PYAADU”…
અરે યાર…. દિલના મામલામાં બધુજ ચાલે…..
પારુલ સાથે શરત નક્કી થઇ કે તેણે જ્યોતીને “કન્વિન્સ” કરવાની….
પારુલ તો જાણે તેના સગા ભાઇના મેરેજ હોય તેમ “જી-જાન” થી કામે લાગી પડી… જ્યોતીને પોતાના ઘરે બોલાવે ત્યારે અમે પેલા મિત્ર સાથે પ્લાનીંગ મુજબ ત્યાં હાજર હોઇએ…. પછી તો આવુ બે-ત્રણ વાર ચાલ્યુ… અને પેલા મિત્ર ને અમે બધાએ લેટર લખીને આપવા જણાવ્યુ…. લેટરમાં શું લખવુ તેનીયે મિટીંગો ભરાઇ…. ડ્રાફ્ટીંગ તૈયાર થયુ…. હવે પેલી પારુલ ખરા તાકડે આડી ફાટી…. એ કહે કિરણ તો મારી સાથે હજુ વાતજ નથી કરતો…
એકબાજુ પ્રેમનો દાવાનળ ભભુકે ને બીજી બાજુ પ્રેમની શિતળતા……
એટલે વળી પાછા કિરણ તરફ વળ્યા…. એને કહ્યુ કે તુ પણ લેટર લખ ને પારુલને આપ…. અમને તો ચિંતા નહોતી કેમ કે લેટરનુ ડ્રાફટીંગ તો તૈયારજ હતુ… ખાલી નામ જ બદલવાના હતા….
હાળુ માસ કોમ્યુનીટી વર્ક નો બેનિફીટ મને તે વખતેજ સમજાઇ ગયો હતો…
પાછી તકલીફ થઇ…. કિરણ કુમાર “વિલન” નીકળ્યા…. તે કહે “ના, એકજ સોસાયટીમાં આવુ થાય તો બધાને તરત ખબર પડી જાય…”
સામે અમે તેને “એક સમાજ” ના ફાયદા બતાવ્યા કે “એક સોસાયટી, અને તેય સામ સામે હોય તો ઉલટાનુ કોઇ જાણે જ નહીં… બધુ નોર્મલ જ લાગે…”
પણ કિરણ બધી વાત સમજી ગયો કે આ બધા મને “બલીનો બકરો” સોરી “પ્રેમ નો પોપટ” જ બનાવે છે… એટલે તે જરા ગુસ્સે થઇને મને કહે “મુકલા, તુ જ પારુલ સાથે ચાલુ થઇ જા ને!!!!”
મારે માથે “આભ તુટી પડયુ”. “ધરમ કરતા ધાડ પડી” જેવુ થયુ…. મનોમન એકવાર પારુલ સાથે મારી જોડીની કલ્પના પણ કરી લીધી…. પણ બીજી જ ક્ષણે મારો અંતરાત્મા પોકારી ઉઠયો…
“નહીં….. કદાપી નહીં…. ભાભી માની હોય તેની સામે નજરજ કેમ ઉઠાવાય????”
“પ્રેમના બલિદાન એળે નહીં જ જવા દેવાય… અમારી મહેનત નુ શું???”
એટલે “પ્રેમ કરાવે પાપ” ના હિસાબે નવો પ્લાન રમાયો…. મેં જ કિરણના નામે લેટર લખી નાખ્યો… પારુલને પંહોચતો પણ કરી દીધો…. પારુલના એક તરફી પ્રેમે માઝા મુકી….. કિરણ દેખાય એટલે પારુલને “બાગો મેં બહાર હૈ….” શરુ થઇ જાય… સામે કિરણ ભાઇ “વિશ્વામિત્ર” નેય ટપી જાય તેવુ વર્તન કરે… અને અમારે- ખાસ તો મારે બેય પર “વોચ” રાખવી પડે કે ક્યાંક “આમને સામને” ના થઇ જાય…. ચાર પાંચ દિવસ આવુ ચાલ્યુ…..
હાળુ બહુ ગિલ્ટી ફિલ થતી’તી હોં…. બહારથી “ભેગા” કરાવવાનુ નાટક ને અંદરથી “દુર” રહે ની દુઆ….
હવે, પારુલ ફરી તૈયાર થઇ મધ્યસ્થી બની કામ કરવા…
નક્કી થયા મુજબ પારુલ અને જયોતીએ શોપિંગ સેન્ટરના પાછળના ભાગે આવવાનુ… ત્યાં હું, મારો મિત્ર અને કિરણે જવાનુ… લેટરની અદલાબદલી કરવાની….
છેવટે “કયામત કી ઘડી” આવીજ ગઇ.. પેલા ત્રણના મનમાં શું ચાલતુ હશે તે તો રામ જાણે…. પણ “હવે શું થશે?” ની ચિંતા મને થવા લાગી…. કેમકે કિરણનુ તો ખાલી નામજ હતુ… તેતો આવવાનોય નહોતો કે તેને આવી કોઇ “કાવતરાની ગંધ” પણ નહોતી…
છેવટે “કર ભલા તો હોગા ભલા” અને “યા હોમ કરીને પડો ફતેહ છે આગે” જેવા વાક્યોને યાદ કરીને હિંમત ભેગી કરીને ગયા…..
નક્કી કરેલી જગ્યાએ રોજ કરતા વધારે અવર જવર લાગી…. ગરમીનુ પ્રમાણ પણ ત્યારેજ વધેલુ લાગ્યુ…. બધા અમને જ જોતા હોય તેવુ મહેસુસ કર્યુ….
આવા કટોકટીના શંકાસ્પદ વાતાવરણમાં અમે એકબીજાને દુરથી જોયા… ચારેય જણા જાણે ચોરી કરીને આવ્યા હોય તેમ એકબીજાને જોવાને બદલે આજુબાજુ જોવા લાગ્યા… “પાગલના પગલાઓ” નુ કાઉન્ટડાઉન શરુ થયુ….
ચાર…ત્રણ…બે….દોઢ..સવા…એક…. અડધો… અને શુન્ય થાય તે પહેલા ફટાફટ ખિસ્સામાંથી લેટર કાઢીને એકબીજાને અપાઇ ગયા…. હું અને પારુલ તો ત્યાંજ ઉભા રહ્યા… પણ પેલા બેય જુદી જુદી દિશામાં રવાના થઇ ગયા…
જોયુ તમારા મનમાં “પાપ” ના હોય તો અચાનક પરિસ્થિતીનો સામનો કરવાની હિંમત આવીજ જાય….
“કિરણ નથી “આવ્યા”??” આ “આવ્યો” નુ “આવ્યા” થવુ જ ઘણુ બધુ કહી જતુ હતુ…
“ના, એના મોટાભાઇ એ લેશન કરવા બેસાડ્યો છે”
પારુલ નુ મ્હોં રડવા જેવુ થઇ ગયુ….. મને લાગ્યુ કે પારુલનેય પોતાનુ બાકીનુ “લેશન” યાદ આવ્યુ હશે..
“ડોન્ટ વરી…. (તડપવામાં) આમાંજ મઝા છે..” કૌંસના શબ્દો હું બોલી ના શક્યો….
“હા.. સારુ થયુ ના આવ્યા તે… મારી મમ્મીને ડાઉટ આવી ગયો છે.. તે મને પુછતા હતા… પેલો લેટર મમ્મીએ જોઇ લીધો છે….”
હવે મને મારા પગ નીચેથી ધરતી સરતી લાગી… એકજ સેકન્ડમાં સેંકડો વિચાર આવી ગયા… જો લેટરની વાત કિરણના ઘરે પંહોચે તો??? તો કિરણ તો છુટી જશે પણ ભરવાશે કોણ? અને મારે કિરણના “કારસ્તાન” માંથી છુટ્યા નો આનંદ માણવો, કે પારુલના “પ્રેમભગ્ન” નો વિલાપ કરવો કે મુકેશ નો “મરો થવાનો” ની મુંઝવણ કરવી, તેના મિશ્રીત ભાવ સાથે ઘરે આવી ગયો…
પ્રણય ના ત્રિકોણ ને ચતુષ્કોણ તો ફિલ્મોમાં બહુ જોયેલા…. પણ આતો પંચકોણ રચાવાનો હતો…. અને વગર મફતનો “પંચ” મને વાગવાનો હતો…
રાત સુધી ઘરમાં જ બેસીને કિરણ અને પારુલના ઘર તરફ જોતો રહ્યો કે “હવે શું થશે????”
રાતે બધા સોસાયટીના નાકે આવેલા બસ સ્ટેન્ડ પર ભેગા થતા, ત્યાં ગયો, પેલો મિત્ર તો ત્યાં હાજરજ હતો…
મને જોઇને લગભગ ચીસ જેવા અવાજે કહે…. “મુકા…..” પછી મને બાજુમાં લઇ ગયો… આ દરમ્યાન મારા ધબકારા પણ વધી ગયા હતા… મને કહે “મુકલા… ખરુ થયુ…. જ્યોતુ ને આપવાનો લેટર તો મારા ખિસ્સામાં જ રહી ગયો….” (વાહ !! જ્યોતી નુ જ્યોતુ!!!)
“ના હોય!!!!! તો તે શું આપેલુ તેના હાથમાં? મેં જોયુ હતુને!!!!”
“અરે યાર…. લેટરને બદલે ભુલથી વીસ ની નોટ આપી દીધી.. મમ્મીએ શાકભાજી લાવવા આપેલી, મારા ખિસ્સામાં જ હતી, તે લેટરને બદલે અપાઇ ગઇ…. જો લેટર તો આ રહ્યો…”
મને હસવુ કે રડવુ તેની ખબર ના પડી….
કેવુ છે કુદરતનુ કામ!!! જેને (પારુલને) લેટર નહોતો આપવાનો તોય અપાઇ ગયો…. અને જેને (જયોતીને) આપવાનો હતો તોય ના અપાયો….
અને પછી અમે બધી વાતો કરતા બેઠા કે પારુલને ત્યાં શું થયુ હતુ… અને હવે પારુલ ને ત્યાં શું થશે? કિરણને ત્યાં શું થશે? મારે ત્યાં શું થશે? ઉપરાંત નવુ… જ્યોતી નુ વીસ રુપિયા સાથે શું થશે??
આ બધુ જાણીને પેલો મિત્ર પણ ગભરાયો… તેણે તરત બીજા ખિસ્સામાંથી જ્યોતી સોરી “જ્યોતુ” નો લેટર કાઢી મને આપ્યો… કહે “લે આ તુ રાખ, મારા ઘરે કોઇ પકડી પાડે તો!!!” અને મેં લેટર વાંચ્યા વગર મારા ખિસ્સામાં મુકી દીધો….
રાતે હસતા-રડતા, રડતા-હસતા સુઇ ગયા…. બીજી સવારે સહુથી વધારે ટેન્શન સાથે હું જાગ્યો…. અત્યાર સુધી જ્યોતી અને પછી પારુલ-કિરણની વોચ રાખતા હતા, તે હવે હું પારુલની મમ્મી પર વોચ રાખવા લાગ્યો… તે દિવસે સ્કુલે પણ ના ગયો…
બપોરે મમ્મી કહે “આજે ઘરે છે તો બપોરે ડેરી પરથી દુધની કોથળી લઇ આવજે..”
ડેરી પર ગયો…. ત્યાં જઇને ખ્યાલ આવ્યો કે પૈસા તો લીધા વગરજ દુધ લેવા આવ્યો છું….પણ “જે થાય તે ભલા માટે થાય છે” તેમ જાણે મને મમ્મીએ નહીં પણ ભગવાનેજ મોકલયો હોય તેવુ લાગ્યુ…. જ્યોતી પણ ત્યાં દુધ લેવા આવી હતી, તેણે જ મને જોતા કહ્યુ…”મને સમજે છે શું એ??? હું “એવી” નથી કે મને પૈસા આપે….. લે આ વીસ રુપિયા… આપી દેજે એને… એને કહેજે મારો લેટર પાછો આપી દે……અને હવે મારુ નામ ના લે…” મેં એ વીસ રુપિયા ખિસ્સામાં રહેલા “જ્યોતુ” ના લેટર સાથે મુકી દીધા…
અને એ વીસ રુપીયામાંથી મેં દુધની કોથળીઓ લીધી…
પછી તો પારુલની મમ્મી પણ “સમજદાર” જ હતા તે વાતને આગળ ચલાવીજ નહીં…પારુલે પણ “પહેલા પ્યારને પવિત્ર” માની પ્રકરણ પર પડદો પાડી દીધો… પેલો મિત્ર પણ સમજદાર થઇ ગયેલો, તે પોતાના જ્વેલર્સના શો રુમ પર કામે લાગી ગયો… કિરણ કહ્યાગરો બનીને પોતાના ભાઇના લફરાને લગ્ન સુધી લઇ ગયો… જ્યોતી માટે સાંભળેલુ કે તેના પપ્પા ગુજરાતી ફિલ્મો બનાવતા હતા તેમાં ક્યાંક સેટ થઇ ગઇ હતી.
02/22/2017