સળગતો ડામર

ઉનાળાનો સખત તાપ…. અને તેવા તાપમાંય હોટમિક્ષ પ્લાન્ટ માં કામ કરતા મજુરો,
હોટમિક્ષ પ્લાન્ટ એટલે – ડામર રોડ બનાવવા ડામર અને કપચિ મિક્ષ કરવાનો પ્લાન્ટ, જેમાં ડામર ને કાળી કપચિ સાથે ૩૦૦ થી ૪૦૦-૪૫૦ ફેરનહિટ ડિગ્રી જેટલો ઉકાળવામાં આવે… લગભગ ડામર સળગતો જ હોય, આ ટેમ્પરેચર પ્લાન્ટથી પ્રોજેક્ટ સાઇટ કેટલી દુર છે, ત્યાં પંહોચાડતા કેટલો સમય લાગશે, કેવુ વાતાવરણ છે, વગેરે મુજબ બદલાતુ રહે…
આવા ઉકળતા-સળગતા ડામર કપચિ સાથે ડમ્પર ભરાય…. જે ખુલ્લુ જ હોય… અને તેને વર્ક સાઇટ-જ્યાં રોડ બનતો હોય ત્યાં લઇ જવાય… લગભગ તો સાઇટથી ૩૦ -૪૦ કિમી ના અંતરમાં જ આવા પ્લાન્ટ હોય…
મારા મિત્ર-બિલ્લા ને આવા પ્લાન્ટ … તેની સાથે હું પણ આવુ બધુ જોવા-જાણવાના શોખથી ફર્યા કરુ… ખાસ તો તેની જાવા મોટર સાયકલ ચલાવવા મળે એટલેજ… હું મારુ યામાહ તેને આપુ ને તેનુ જાવા હું ચલાવુ… પણ સાથે જ જવાનુ હોય તો બંને જણા જાવા પર જ જતા અને હું જ ચલાવી લેતો..ઘણી વાર તેના સાઇટના કામ પણ હું એકલો સંભાળી લેતો…
એકવાર બપોરના ધોમ ધખતા તાપમાં આવા પ્લાન્ટ પર મારે એકલાએ કોન્ટ્રાક્ટરને મજુરીના પૈસા આપવા જવાનુ હતુ ….. એ દિવસે શુક્રવાર હતો અને બીજા દિવસે શનિ રવીની રજા હોઇ પ્લાન્ટ બંધ રાખવાનો હતો…આમ તો ત્યાં કામ કરતા મજુરોને પ્લાન્ટ પર રહેવા માટે કામચલાઉ ઓરડીઓ મળેલીજ હતી… પણ બે રજા હોઇ નજીક રહેતા મજુરીયા બધા કાયમની જેમ કમાણીના પૈસા ઘરે આપવા અને તે બહાને ઘરે જઇ આવતા….
મારુ કામ તો કલાક માં પુરુ થઇ ગયુ… વળતા મારી સાથે જરુરી કાગળો અને ચોપડાનો થેલો લઇ જવાનો હતો… તેથી ઘરે જવા તૈયાર થયેલા મજુરો માંથી એક છોકરો જે કેબિન પર બેઠો હતો તેને બોલાવીને મેં થેલો લઇને બાઇક પર બેસી જવા કહ્યુ અને તેનુ ગામ રસ્તામાં જ આવતુ હોઇ ત્યાં ઉતારી દઇશ તેમ કહી સાથે લીધો… તેના મા – બાપ અને ઘરવાળી બીજા મજુરો સાથે છેલ્લા ડમ્પરીયુ ડામર નાખવા જતુ હતુ તેના કેબિન ઉપર કાયમની જેમ બેસી ગયા….
હું પેલા છોકરા સાથે બાઇક પર પહેલા નીકળી ગયો… પેલાનુ ગામ આવતા તેને ત્યાં ઉતારીને થેલાને પાછળ કેરિયર સાથે બાંધીને હું ઘરે આવી ગયો…. ચોપડાનો થેલો બિલ્લાના ઘરે આપી આવ્યો… અને પછી રોજની જેમ બીજા કામોમાં રોકાઇ ગયો..

 

એકાદ બે કલાકમાં બિલ્લાનો ભત્રીજો મને શોધતો આવ્યો… મને જે વાત કરી તે સાંભળીને હું ડઘાઇ જ ગયો… જે છેલ્લુ ડમ્પર નીકળેલુ તે રસ્તામાં ઉંધુ વળી ગયુ હતુ…..
હું અને બિલ્લો જાવા પર ત્યાં જવા નીકળ્યા… બિલ્લો નર્વસ હતો એટલે જાવા મેં ચલાવી લીધુ….
ઘટનાસ્થળે પંહોચ્યા ત્યારે તો ડ્રાયવર અને તેની સાથે કેબિનમાં બેસેલા ત્રણ મજુરો સખત દાઝી ગયા હતા જેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા…
કેબિન પર બેઠેલા પંાચ મજુરો ગરમ ડામરમાં દબાઇ ગયા હતા… ફાયર બ્રિગેડ વાળા તેમની લાશ બહાર કાઢી રહ્યા હતા…લાશ નહીં હાડપિંજર જ… ઉકળતા ડામરમાં બોડી કેવી હોય!!!
પેલો છોકરો જેને હું મારી સાથે બેસાડી લાવ્યો હતો તે ટોળા સાથે ત્યાં રડારોળ કરી રહ્યો હતો… મને આવેલો જોઇને મારા તરફ ધસી આવ્યો…. મારો શર્ટ ખેંચીને રડતા રડતા કહે “મને શું કરવા તમારી સાથે લાવેલા????” હું જવાબ આપવા અસમર્થ હતો..
રિટર્નમાં બિલ્લો નર્વસ હોવા છતાં તેને જાવા ચલાવવા આપ્યુ…
બાકીના સમાચાર બીજા દિવસે પેપર વાંચીને જાણ્યા હતા…
એ પછી ક્યારેય તેના કોઇ હોટમિક્ષ પ્લાન્ટ પર જતો નહીં…. એ ઘટના પછી ચાર પાંચ વાર વડોદરાથી પાવાગઢ કારમાં ગયો છું… ત્યારે રસ્તામાં જ તે ઘટનાસ્થળ આવતુ… તે સ્થળ આવતાજ એસી કારમાં ય ડામરની ગરમી મને દઝાડી જતી…

04/04/2017

1 Comment

  1. Jeevan na kharab prasango keva negatively maan ma ghar kari jaay chhe.. story vaachta evu laagyu ke aa satya gatna chhe 👍.. nice one..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s