કારભાર

ભાગ-૧

ગ્રિષ્મની એક ચૈત્રી મધ્યાને, કોકીલ સરવાણી ની જાણે સ્પર્ધા રચાઇ હોય તેમ આમ્ર વાટિકા ની કુંજ કુંજ એક રંગમંચ બની રહી હતી. મધ્યાને આવીને જગતને પ્રજવલ્ીત કરનાર સુરજ પણ વૈસારિકા નગરીના નગરજનોને વામકુક્ષી માં રત જોઇને વિરામ કરવા રોકાતા હોય તેમ નિરભ્ર આકાશમાં સ્થિર થઇ ગયો હતો.

પુર્મિ સરીતા પરથી વળ ખાઇને આવતા વાયુ મહારાજ પણ સુખમાં વધારો કરતા હોય તેમ વૈસારિકા નગર પર શિતળતા પાથરી રહ્યા હતા..
આ અવસરે એક યુવાન શ્વેત અશ્વ પર આરુઢ થઇને નગરના રાજમાર્ગ પર વિહ્વળ નજરે વિચરી રહ્યો હતો.

તેની ખુલ્લી ભુજાઓ ના કસાયેલા સ્નાયુ પર બાંધેલા સુવર્ણ બાજુબંધ, તેના મલમલી પહેરવેશ, તેના સાફાની બાંધણી અને ભાલ તિલકથી તે ઉત્તરી રાજ્ય નો અમીર બ્રાહ્મણ યુવાન લાગી રહ્યો હતો.
તેને ત્રણ ચાર વાર આમ વિચરતો જોઇને એક નગર રક્ષકે વિનયથી તેને તેના આગમનનુ કારણ પુછયુ. “હે વિપ્રવર્ય,આપ આ નગરમાં પ્રથમ વાર આવતા લાગો છો…અને આપ કોઇને શોધી રહ્યા હોય તેમ જણાઇ રહ્યુ છે… આપ ઇચ્છો તો વૈસારિકા રાજમાર્ગ રક્ષક કશ્યપરાજ આપને સહાય કરવા તત્પર છે.” 
બહુ વિનમ્ર અને કુશળતાથી પણ પડછંદ અવાજે કશ્યપરાજે પોતાની ઓળખાણ આપવા સાથે તે આગંતુકને જવાબ આપવા વિવશ કરે તેમ પુછી લીધુ. 

“જય કાશી વિશ્વનાથ, કશ્યપરાજ, લાગે છે કે વૈસારિકા ને મધ્યાન પ્રહરે અતિથી આવકાર્ય નથી લાગતા….”
કશ્યપરાજ કાશી વિશ્વનાથ નુ અભિવાદન સાંભળતાજ સતેજ થઇ ગયા, આગંતુક વટનગરી થી આવી રહ્યાનુ તેનુ અનુમાન સાચુ હતુ. અને તેના કટાક્ષભર્યા નિવેદનથી લાગતુ હતુ કે તે વિપ્ર સામાન્ય કામથી અહીં નથીજ આવ્યા. 

“જે નગરીને વટનગરી જેવા મિત્ર હોય તેની આગતા સ્વાગતામાં કોઇ ક્ષતિ ના જ હોય, પણ વિરામ પળોમાં કામ કરવાનો મોહ વૈસારિકાની શાખને કલંક લગાડી શકે છે.” કશ્યપરાજે પણ વટનગરીના આગંતુક નુ માન વધે તેમ તેની મિત્રતાની પ્રશસ્તિ કરવા સાથે વૈસારિકીની સમૃધ્ધીના ગુણગાન ગાઇજ નાખ્યા… અને તરત વાતને વધારે ના લંબાવતા, પોતાની વિચક્ષણતા બતાવતા સીધુજ પુછી લીધુ “હે વટનગરી વિપ્ર દેવ, આપ વહિવટ ભવન જવાનો માર્ગ શોધી રહ્યા હોય તેમ જણાય છે…. ચાલો આપને ત્યંા સુધી સંગાથ આપવાનુ સૌભાગ્ય મેળવવા દો… હું આપને ભૂદેવથી સંબોધી શકુ?” બહુજ ચાલાકીથી કશ્યપરાજે તે આગંતુકની ઓળખાણ મેળવી લીધી, ને હવે નામ પણ જાણવાની કોશિષ કરી.

“મુક્તરાજ, કશ્યપરાજ, આપ મને મુકતરાજ કહી શકો છો.”

મુક્તરાજ નામ સાંભળતાજ કશ્યપરાજની આંખોમાં ચમક આવી ગઇ…આ નામની ઘણી કથા તેણે વટનગરીથી આવતા રક્ષકો પાસેથી સાંભળી હતી… તેની સામે એક વિચક્ષણ, રાજનિતી અને ન્યાયનિતીના પ્રખર વિદ્વાન, આખાબોલા છતાં નમ્ર અને રંગીલા બ્રાહ્મણ મંત્રી ઉભા હતા ની જાણ થતાજ તે સંયમમાં આવી ગયો અને મુક્તરાજ ને વહિવટભવન તરફ દોરી ગયો…

મુક્તરાજ વહિવટભવન તરફ જતા રાજમાર્ગ ની બંને તરફ ના સદનો, હાટ ને નિરખતા રહ્યા…સામાન્ય રીતે વહિવટ ભવન એ દરબાર ભવનના પરિસરમાંજ હોય છે, પરંતુ વૈસારિકા માં તે રાજમહેલના પરિસરની બાજુમાં હતુ… અને તેથીજ તેમને તે શોધવામાં કષ્ટ થયુ હતુ.
વહિવટભવન ના દ્વારપાળ ને કંઇક સુચના આપી. સુચના સાંભળતાજ બે અંગરક્ષકો શિઘ્ર પગલે વહીવટભવન તરફ દોડી ગયા….. 

કશ્યપરાજે મુકતરાજને “જય કાશી વિશ્વનાથ” કહી પરત જવા અનુમતી માંગતા હોય તેમ નતમસ્ત ઉભા રહ્યા.. મુકતરાજે જમણો હાથ આશિર્વાદની મુદ્રામાં બતાવી અનુમતી આપી.
દ્વારપાલ સ્વયં મુક્તરાજને કાર્યકારી વહિવટી મંત્રીની બેઠક સુધી દોરી ગયો. ત્યાં એક બાજોઠ પર તેમને બિરાજમાન થવા વિનંતી કરી. 

વહિવટી ભવનમાં વાયુવેગે સંદેશો પ્રસરી રહ્યો અને સહુ કાર્યકારી ગણ, સેનાપતિ, નગરશેઠ, વાણીજ્ય મંત્રી, ન્યાય મંત્રી,સ્થાપત્ય મંત્રી, કૃષી મંત્રી,શુલ્ક મંત્રી અને મહાજન થોડીજ વારમાં સહુ વહિવટીભવનના સભાગૃહમાં ગોઠવાઇ ગયા… 

કાર્યકારી મહામંત્રી પદ જે રાજપુરોહિત સંભાળી રહ્યા હતા તે સ્વયં મુકતરાજ સમક્ષ ઉપસ્થિત થયા અને બે હાથ જોડી “જય સોમેશ્વર” કહી અભિવાદન કર્યુ… પ્રત્યુત્તરમાં તેમણે “જય કાશી વિશ્વનાથ” સાંભળવાની અપેક્ષા રાખી હતી, તેને બદલે “જય સોમેશ્વર” સંભળાયુ, અને રાજપુરોહિત વિમલશંકર અડધા જીતાઇ ગયા.
“આપના આગમનની જાણ કરી હોત તો અમને પુરા સ્વાગતની તૈયારી કરવાનો અવસર રહેતે”. અહીં અચાનક આવતા પડેલી વિટંબણા અને તેનાથી થયેલી ત્વરાના લીધે કોઇ મુશ્કેલી પડી હોય તો તે બદલ ક્ષમાયાચના માંગવાના સુર માં વિમલશંકરે પુન: હાથ જોડ્યા.
“હું અહીં રાજઅતિથી નહીં પણ રાજઅધિકારી ની રુએ આવુ છું, મારે એવા માનપાન ના શોભે.” સામે હાથ જોડતા મુકતરાજે રાજમંત્રીના સત્તાવાહી અવાજે પરંતુ વિનમ્રતાથી જવાબ આપ્યો..અને બંને વિદ્વાન બ્રાહ્મણોએ સભાગૃહ તરફ જવા કદમ માંડ્યા….

સભાગૃહ ભરચક હોવા છતાં બંને ભુદેવોના આગમન થતાજ ત્યાં નિરવ શાંતિ જળવાઇ રહી…અને સહુએ એકસાથે ઉભા થઇ બંને વિદ્વાનોનુ અભિવાદન કર્યુ.

વિમલશંકરે ઉપસ્થિત સહુને મુક્તરાજ સાથે ઓળખવિધી કરાવી. સહુના ચહેરા પર એક પ્રકારની ગંભીરતા છવાઇ રહી હતી. પ્રાથમિક ઔપચારિકતા બાદ વિમલશંકરે પોતાની પાસે રાખલો રાજમહોર વાળો અધિકારપત્ર મુક્તરાજને સુપ્રત કર્યો…..ત્યારે સુર્યદેવ પણ જાણે પોતાની જવાબદારી મુક્તરાજને આપીને મુક્ત થતા હોય તેમ આથમણી બાજુ હળવેથી ઢળી રહ્યા હતા….
વૈસારિકા એ વટનગરીના પ્રશાસન હેઠળ આવતુ દક્ષિણ તરફનુ મહત્વનુ નગર હતુ. જે નગરના રાજા ચંદ્રેશ્વર સિંહ હતા પણ તેમનુ રાજશાસન નહોતુ. તે નામના જ રાજા હતા, તેમના માન મર્યાદા જળવાઇ રહેતા હતા, પણ શાસન વટનગરીથી નિયુક્ત થતા મહામંત્રીના હાથમાં રહેતુ.
(ક્રમશ:)

ભાગ-૨

ગોધૂલી પુર્વે વહિવટભવન નો વહિવટ આદાનપ્રદાન કરીને બંને વિપ્ર વિમલશંકરની હવેલીએ પ્રસ્થાન માટે પગપાળાજ નીકળ્યા. મુક્તરાજના અશ્વને અશ્વશાળામાં મોકલી આપ્યો.
વિમલશંકરની વિનવણી સહર્ષ સ્વીકારીને મુક્તરાજ તેમના આવાસે આજની રાત વિરામ  કરવા સંમત થયા.. અન્યથા તેઓ રાજ અતિથી ગૃહમાં રાતવાસા માટે જવાના હતા.
રાજપુરોહિત ની હવેલી બ્રહ્મપોળ મધ્યે આવેલી હતી. 
બેઠાઘાટની ત્રિસ્તરીય હવેલી સાગ કાષ્ટમાંથી બનેલી હતી. જેમાં ડાબી તરફના બે વિશાળ કક્ષ અતિથીગૃહ હતા. હવેલીમાં પ્રવેશતાજ બીજા માળના ઝરુખામાંથી મોર ટહુકે તેવા સ્વરે અવાજ આવ્યો…”પિતાજી…. જય સોમેશ્વર….” અને વિમલશંકર ના કાને તે અવાજ પંહોચે તે પહેલા મુક્તરાજની આંખો અવાજની દિશામાં પંહોચી ગઇ.

ઝરુખામાં દિપ પ્રગટાવીને ઉભેલી, જાણે દિપ જ્યોત માંથી પ્રગટી હોય તેવી, આરસ મુર્તિ સમી, ભરાવદાર છુટા કેશ રાખેલી અપ્સરા સરીખી કન્યાને મુક્તરાજ માણી રહ્યા… વિમલશંકરથી આ ક્ષણ અજાણી ના રહી, અને તેમણે પિતા વાત્સલ્યથી પ્રતિસાદે કહીજ દીધુ …”મધુ…. જય સોમેશ્વર દિકરા..”

અને મુકતરાજ “મધુ” નામ ગણગણતા અતિથીગૃહ તરફ સોપાન ચડી રહ્યા. તેમણે મનોમન એ પણ અનુમાની લીધુકે વિમલશંકર પોતાની દિકરી મધુને ખુબજ લાલનપાલન થી રાખતા હશે…એટલેતો “દિકરા” સંબોધન કર્યુ.

વટનગરીની યાત્રાનો થાક ઉષ્ણ જલ સ્નાન સાથેજ દુર થઇ ગયો. અતિથીગૃહનો અનુચર રેશમી અબોટિયુ અને ઉપ વસ્ત્ર મુકી ગયો હતો તે ધારણ કરી, પશ્ચિમ તરફના ગોખ માં આવીને પુર્મિ સરીતાના નીરમાં ડુબકી મારતા સુર્યની છેલ્લી કોરને જોઇને સ્નાન સમયે કરાતી સંધ્યા પૂજા ત્યાંજ ઝરુખામાં રહીને આદરી. ત્યાંજ સોમેશ્વર મહાદેવની સંધ્યા આરતીનો ઘંટારવ શરુ થયો…મુક્તરાજે જોયુ કે ઘંટારવ પુર્વ તરફથી, મંદિરમાંથી આવી રહ્યો હતો પણ આરતીના સ્વરો પશ્ચિમ તરફની હવેલીમાંથી આવી રહ્યા હતા. એ અવાજને ઓળખતા વાર ના લાગી. મધુનો મધુરવ તેમને શિવની સ્તુતી કરતાય વધારે પ્રિય લાગ્યો.તેઓ મુગ્ધ મને આરતી સાંભળતા ત્યાં ઝરુખેજ ઉભા રહ્યા.
આરતી પુરી થયાનો શંખનાદ થયો… છતાં મુક્તરાજ પેલા ઝરુખા માં જોતા ઉભા રહ્યા… તેમની આંખો કોઇને શોધી રહી હતી. હવે તો શિવ સ્તુતી પણ સમાપ્ત થઇ અને છેલ્લો શિવનાદ પણ ઘોષિત થઇ ગયો. ત્યાંજ પાછળ કાષ્ટ દરવાજે સાંકળ ખખડી. મુક્તરાજ ધ્યાનભંગ થતા અંદર આવીને દ્વાર ખોલવા ગયા. દ્વાર ખોલતાજ જેની પ્રતિક્ષા બહાર ઝરુખામાં કરી રહ્યા હતા તે સાક્ષાત મુર્તિ સમક્ષ થઇ. “જય સોમેશ્વર… શિવજી નો પ્રસાદ અને ગરમ દુધ…” અંદર આવીને એક કાષ્ટ પિઠ પર મુકતા મધુ બોલી. પણ મુક્તરાજ તો અંદર પ્રવેશેલી રજનીગંધાની માદક સુવાસને જ માણી રહ્યા હતા. ના તો તેમણે “જય સોમેશ્વર” કહ્યુ કે ના કોઇ પ્રત્યુત્તર આપ્યો…અને જે રીતે મધુ આવી હતી તે જ ત્વરાથી પરત ગઇ. મુક્તરાજ ટોડલે પ્રગટાવેલા દિપકના અજવાળે તેની લાંબી થતી જતી પ્રતિછાયા જોઇ રહ્યા.
શિવ પ્રસાદને મસ્તકે ચડાવી માન આપ્યુ અને ગરમ દુધ પીવા લાગ્યા.
તેમને વૈસારિકાની ઘેનુ નુ દુધ મિઠુ લાગ્યુ. શૈયામાં પડ્યા પડ્યા કાલે પ્રથમ કામ શું કરવુ તે વિચારવા લાગ્યા…પણ તેમને લાગ્યુ કે તેમનુ મન ક્યારેય નહીં ને આજે જ કંઇક જુદુ વિચારવા મથી રહ્યુ હતુ. વિચારો અને થાક થી તેમની આંખો ઘેરાઇ રહી હતી. ખુલ્લા ઝરુખામાંથી પુર્મિ ના શિતળ પવન વાઇ રહ્યા હતા…ચૈત્રની ચાંદની ઝરુખામાંથી પ્રવેશી કક્ષમાં ફેલાતી જતી હતી… ગોખમાં મુકેલા દિવડા ની રોશની ધીમી પડી રહી હતી. મુક્તરાજ નુ સુષુપ્ત મન શમણામાં વિહરી રહ્યુ હતુ. તે સમયે બહાર રાત્રીનો ત્રીજો પ્રહર સમાપ્ત થયાના ડંકા ગાજી રહ્યા હતા. સમસ્ત વૈસારિકા નિંદ્રાદેવીને આધિન હતુ.

પણ આ સમયે નગરકોટથી વિરાઘાટ તરફ જતા માર્ગ પર એક ઓળો ચાંદનીથી બચીને નદી તરફ આગળ વધી રહ્યો હતો… થોડી થોડી વારે તે રોકાઇને આજુબાજુ જોઇ લેતો હતો. કોટની બારીએ લગાવેલી ભુંગળ ખોલીને તે ત્વરાથી પાછો ફરી ગયો અને સોમેશ્વર મંદિર ના પ્રાંગણ બાજુ જતા વડલાના અંધકારમાં ઓગળી ગયો… કોટની ખુલેલી બારી માંથી બે ઓળા અંદર પ્રવેશ્યા… અને ઘરની દિવાલોના સહારે લપાતા છુપાતા બ્રહ્મપોળ તરફ આગળ વધ્યા.

નદી તરફથી શિયાળની લારી સંભળાઇ રહી હતી… તો ક્યાંક ચિબરી ઢળતી રાતને વધારે બિહામણી બનાવતી બોલી રહી હતી. ચંદ્ર પણ ગભરાઇને અસ્ત થઇ રહ્યો હતો.
(ક્રમશ:) 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s