હું અમદાવાદ રહેતો ત્યારે, અવાર નવાર અમારુ ગામ નજીક એટલે ત્યાં જતો અને વેકેશનમાંય ત્યાં જવાનુ થતુ….આ વાત હું ૮ થી ૧૧ વરસનો હતો ત્યારની છે…
અમારા ગામમાં અમારુ ઘર બરાબર ગામની વચ્ચે આવે… ગામના મુખ્ય રસ્તા પર જ ઘર… એટલે જતા આવતા બધાય ને જોઇ શકાય… ગામમાં છેડે પગીવાડો આવે… અમારે પગી સાથેય સારી ઓળખાણ અને બધા અમનેય ઓળખે… એક પગી નો દિકરો સ્ત્રૈણ લક્ષણ ધરાવે… કદાચ તેના ઘરમાં તેને કોઇ બહેન ના હોવાથી,પોતાની માં ને ઘરકામમાં બધી મદદ કરતો અને ગામની અને પોતાના ફળીયાની દિકરી-વહુઆરુ સાથે ગામના કુવેથી પાણી પણ ભરી આવે… કપડા ધોવા જાય… ખેતરે કામ કરવા જાય તોય સ્ત્રી સાથેજ… હવે સ્ત્રી સાથે રહીને સ્ત્રૈણ બની ગયો કે સ્ત્રૈણ હોવાથી સ્ત્રી જેવો બની ગયો… પણ તેના હાવભાવ.. બોલચાલ… બધુ સ્ત્રી જેવુ થઇ ગયુ અને જતે દિવસેતો મેં તેને ઓઢણી પહેરીને નવરાત્રીના દિવસોમાં દરબારગઢમાં ગરબા ગાતો પણ જોયો હતો… જેવી કુદરતની ઇચ્છા….
…………… ઘણા દિવસો બાદ……..
હું અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે આવેલી સ્કુલથી લાલદરવાજા આગળથી સાયકલ પર ઘરે આવી રહ્યો હતો અને કોઇ કારણથી મને સિટી બસની ટક્કર વાગી બરાબર જુની ટ્ેઝરી ઓફિસ સામેના વળાંક આગળ…. અને હું રસ્તાની બાજુએ પડી ગયો… લગભગ બેભાન જેવોજ થઇ ગયો હતો…. બસ-ડ્રાઇવર ને કદાચ ખબર નહીંં હોય કે જે કારણ હોય તે… પણ કોઇ આજુબાજુ જુવે છતાં મને મદદ કરે નહીં… મારાથી ઉભા થવાય નહીં….હું, સ્કુલ બેગ, ખાલી લંચબોક્ષ, અને તુટેલી સાયકલ…. ચારેય જણા ચારે દિશામાં નિ:સહાય પડેલા…કોઇ મરદનો બચ્ચો મદદ માટેય ના આવ્યો… કદાચ બધાને સાંજે વહેલા ઘરે પંહોચવાની ઉતાવળ હશે….. ઉતાવળતો મારેય હતી છેક પાલડી ઘરે પંહોચવાની…..
ત્યાં જેવી કુદરતની ઇચ્છા…. કે ચાર પાંચ વ્યંઢળનુ ટોળુ ત્યાંથી નીકળ્યુ અને મને પડેલો જોઇને મારી પાસે આવ્યા…. નજીક આવતાજ, એમાંથી એકે જોરથી બુમ મારી….”એલા આતો અમારા ગોરબાપા….” મેં રડતા ચહેરે તેની સામે જોયુ… અરે!!! આ તો અમારા ગામનો પેલો ધનિયો…..જે હવે વ્યંઢળ બની ગયો હતો… તેને જોઇને મારા મ્હોં પર રડતા રડતા પણ ચમક આવી ગઇ…
હવે વ્યંઢળોનુ ટોળુ જોઇને પેલી ઘરે જવાની ઉતાવળ કરતી પબ્લિકને કોઇ “તમાશો” થવાનો હોય તેમ જોવા-ઉભા રહેવામાં મઝા આવવા લાગી….પણ પેલા ધનિયાએ મને ઉભો કર્યો… મારી સ્કુલ બેગ, લંચબોક્ષ તુટેલી સાયકલને ભેગા કર્યા…તેની પહેરેલી સાડી-ચુંદડીથી મારુ મ્હોં લુછ્યુ… મને મારુ સરનામુ પુછ્યુ….એક રિક્ષા બોલાવીને જરુરી સુચના આપી બધુ રિક્ષામાં મુક્યુ ને મને પણ રિક્ષામાં બેસાડીને, રિક્ષા વાળાને ધનિયાએ ભાડાના એડવાન્સ પૈસા આપ્યા અને કહ્યુ “જો જે બરાબર પોગાડજે… ગોરબાપા છે….”
અને મને ત્યાંથી જતા જતા પેલા તમાશો જોતા ટોળામાં એકજ મરદ દેખાયો ….”મર્દ વ્યંઢળ- ધનિયો….”
05/01/2017
સરસ લેખ
LikeLike
💐👍
LikeLike