એન્ડ્રીનને સખત ઉંઘ આવી રહી હતી….. તેની આંખોના પોપચા પ્રયત્ન કરવા છતાં ભારે બનીને ખુલી શકતા નહોતા…. થોડીવારમાં તો તે ઘેરાયેલી આંખે સપનુ જોવા લાગ્યો… તે કારમાં મિત્રો સાથે સિયેરાના માઉન્ટેન પર કેમ્પિંગ માટે જઇ રહ્યો છે,બાલ્દીનના જંગલોમાં સિયેરા માઉન્ટેન પર સિલ્વર લેકના કાંઠે કેમ્પિંગ કરવાનુ તેનુ એક સ્વપ્ન હતુ, જે આજે સાચુ થવા જઇ રહ્યુ હોઇ તે ખુશ હતો. પર્વત પર ખતરનાક વળંાકો વાળા રસ્તા પર કાર ડ્રાઇવ કરતા કરતા તે મિત્રોને ડરાવી રહ્યો હતો કે જંગલમાં આ રસ્તાના એપલવેલી જંકશન આગળ સહુથી વધારે એક્સિડેન્ટ થયેલા છે, જેમાં ઘણાના ત્યાંજ મૃત્યુ પણ થયા છે…અને તેમના આત્મા હજુય ત્યાં ફરી રહ્યા છે…. જે ત્યાંથી પસાર થનારને ઘણીવાર જોવા મળેલા છે… તેવી વાતો ન્યુઝ પેપર અને ટીવી મિડીયામાં પણ અવારનવાર આવેલી છે, અને તેના ડરથી પણ ત્યાં અકસ્માત થતા રહેતા હોય છે.
જંગલના સુમસામ પહાડી રસ્તા પર સાંજના સમયે આવી વાતો સાંભળીને, ડરીને, તેનો એક મિત્ર મોર્ગન તેને આવી વાતો બંધ કરવા કહે છે અને ખતરનાક વળાંકો હોઇ, કારની સ્પિડ ઓછી કરવા જણાવે છે. જ્યારે બીજા બે મિત્રો એન્ડ્રીનની વાતોમાં મજા લઇ તેને ચાનક ચડાવે છે અને “જુવો પેલી ઝાડીમાં કોઇ ઉભુ છે…” “અરે કોઇ લેડી લિફ્ટ માંગી રહી છે…”
“એ પેલો ખડક ગબડીને કાર તરફ આવી રહ્યો છે…” એવી વાતો કહી ક્રુર આનંદ લઇ રહ્યા છે…
એવામાં, એપલવેલી અને એરો હેડનુ જંકશન આવતા જ ફુલ સ્પિડમાં ટર્ન લેતાજ….. ટાયરો નો કર્કશ અવાજ અને…
“ધડામ્મ….”
એન્ડ્રીનને પરસેવો વળી ગયો….માથાના પાછળના ભાગે તેને ભીનાશ લાગી…. તેની આંખો ખુલી ગઇ….. બેડમાંથી ઉભા થઇ તે એર કંડિશન નુ થર્મોસ્ટેટ જોવા ગયો, જેને બંધ જોતા જ તેણે બુમ મારી …”ઓહ…કોણ આને અડ્યુ??? કેટલી વાર ના પાડી છે કે મારા બેડરુમના એસી ને કોઇએ ટચ પણ કરવુ નહીં”. …… તેને ખબર હતી કે દર વખતની જેમ ઘરના બધા જવાબ આપતા ગભરાતા હોઇ, કોઇ બોલવાનુ નથી…
લિવીંગરુમમાં આવી તેણે જોયુ કે ત્યાં કોઇ નથી, એટલે મમ્મી-પપ્પા હજુ તેમના બેડરુમમાં સુતા હશે તેમ વિચારી અવાજ ના થાય તેમ ઘર બહાર નીકળી, રોજની ટેવ મુજબ તે નજીકમાં આવેલા ફોરેસ્ટ લેન પાર્કમાં આવ્યો…. વહેલી સવારની ઠંડક તેને આહલાદ્ક લાગતી હતી,હજુ સુર્યોદય થયો નહોતો, પાર્કમાં તે આમતેમ ફરવા લાગ્યો…. તેણે જોયુકે તેની જેમ બીજા લોકો પણ પાર્કમાં ફરી રહ્યા હતા… પણ આજે તેણે જોયુ કે અમુક નવા ચહેરા પણ ત્યાં હતા, જે તેને હાય હેલ્લો કરી વિશ કરી રહ્યા હતા… અને રોજ વોકિંગ કરવા આવતા જાણીતા દેખાતા લોકો પણ હતા જે તેની સામે જોતા પણ નહોતા, તેણે એક ઓળખીતા લાગતા અને રોજ દોડવા આવતા મેરવિન ને બુમ મારી ગુડ મોર્નિંગ કહ્યુ, પણ મેરવિન તેની સામે જોયા વગરજ દોડતો રહ્યો… પણ તેના કાનમાં લગાવેલા ઇયરફોન ના કારણે સાંભળી નહીં શક્યો હોય તેમ લાગ્યુ. તેણે આજુબાજુ જોતા વોકિંગ ચાલુજ રાખ્યુ….તેને કંઇક વિચિત્ર લાગી રહ્યુ હતુ….કંઇક અમંગળ થવાનો અણસાર આવી રહ્યો હતો… તેણે જોયુ કે આજે પાર્કમાં રોજ કરતા વધારે ભીડ હતી… નવા ચહેરાઓ દેખાઇ રહ્યા હતા…અને તે નવા ચહેરાજ તેની સામે રહસ્યમય રીતે મુસ્કરાઇ રહ્યા હતા…
એન્ડ્રીનને ગુંગળામણ થવા લાગી, તેના શરીરને કોઇ બાંધી રહ્યુ હોય તેવી વેદના થવા લાગી…
તે પબ્લિક ટોઇલેટ તરફ વળ્યો… સવાર સવારમાં ત્યાં થોડી વધારે ભીડ હતી… એક બાંકડા પર જઇને તે બેઠો… પણ કોઇને તેના તરફ જોવાની ફુરસદ નહોતી.
ત્યાંજ એક ગ્રે કલરની બંધ વાન પાર્કમાં દાખલ થઇ, તેની સ્પિડ સામાન્ય કરતા વધારે હતી..તેનો ડ્રાઇવર પણ જરાક વિચિત્ર લાગતો હતો… તે વાન જ્યાં સિટીંગ એરિયા હતો, કે જ્યાં અવર જવર વધારે હતી ત્યાં આવેલા પાર્કીંગમાં જઇને ઉભી રહી…
એન્ડ્રીન કુતુહલવશ અને કંઇક શંકા સાથે તે વાનની નજીક ગયો, હજુ ડ્રાઇવરનુ ધ્યાન તેની તરફ નહોતુ, એન્ડ્રીને કાળા ગ્લાસમાંથી વાનમાં જોવાનો પ્રયત્ન કર્યો… અને તે ચોંકી ગયો…તેમાં વિસ્ફોટક જેવુ ભરેલુ હતુ અને પ્લાસ્ટીકના ડબા જેવા કન્ટેનર ને ઇલેકટ્રીક વાયરોથી બેટરીની જેમ જોડેલા દેખાતા હતા… અને તેની બાજુમાં એક વ્યક્તિ માસ્ક પહેરીને બેઠેલી હતી…થોડીજ વારમાં ત્યાં બે બાઇક સવાર આવ્યા અને પેલો વાન ડ્રાયવર અને માસ્ક પહેરેલી વ્યક્તી બંને બાઇક પર બેસીને જવા લાગ્યા… હજુ કોઇએ એન્ડ્રીન તરફ જોયુ નહોતુ… એન્ડ્રીનને તરતજ ખ્યાલ આવી ગયો કે થોડીજ વારમાં ભયંકર ઘટના બનવાની છે… તે તરત વાનથી દુર દોડ્યો…અને લોકોને ચેતવવા બુમો પાડવા લાગ્યો… પણ તેના મ્હોં માંથી અવાજ જ ના નીકળી શક્યો…તે હાથથી ઇશારા કરવા લાગ્યો… પણ અમુક લોકો તેને જોઇને હસતા રહ્યા… એન્ડ્રીને માર્ક કર્યુ કે તેની સામે જોઇ હસતા રહેતા લોકો તેના માટે તદ્ન અજાણ્યા હતા… જ્યારે અમુક લોકો તેના તરફ ધ્યાન આપ્યા સિવાય પોતાના કામમાં મશગુલ હતા..
ત્યાંજ એન્ડ્રીને મોર્ગનને જોયો… મોર્ગન પણ તેની તરફજ આવી રહ્યો હતો… એન્ડ્રીને તેને બુમ મારે તે પહેલા મોર્ગન તેની પાસે આવી ગયો… એન્ડ્રીને તરત તેને પેલી વાન તરફ ઇશારો કરીને બધી વાત કરી.. મોર્ગન પણ તેની સામે જોઇ વાત સાંભળતો હસતો રહ્યો…એન્ડ્રીને તેને ગુસ્સે થઇ લોકોને ભયંકર વિસ્ફોટથી બચાવી લેવા મદદ કરવા કહ્યુ…ત્યાંજ પાછળ મોટો ધડાકો થયો..
“ધડામ્મ”..
એન્ડ્રીને જોયુ કે તે ધડાકો થતાજ આજુબાજુ બેઠેલા અને ચાલતા દોડતા લગભગ ૪૦-૫૦ લોકોને અસર થઇ અને તેમના શરીર હવામાં ફંગોળાઇને ચારે બાજુ લોહી માંસ વિખેરાઇ ગયુ…વાનની આજુબાજુ પાર્ક થયેલી કારો પણ ધડાકા સાથે સળગી ઉઠી… બે ચાર ક્ષણમાં જ ત્યાં આગ લાગી અને ઘાયલ લોકોની ચીસાચીસ થવા લાગી, દુર રહેલા માં ભાગદોડ મચી ગઇ…
એન્ડ્રીન બુમો પાડતો રહ્યો… પણ લોકોની નાસભાગમાં કોઇ તેના તરફ ધ્યાન આપતા નહોતા…
કોઇએ પોલીસને જાણ કરતાજ થોડીજ મિનીટમાં પોલીસનો કાફલો,ફાયર બ્રિગેડની ટ્રકો, એમ્બ્યુલન્સ વગેરે આવી ગયા…સહુ પોતપોતાના કામે લાગી ગયા… એન્ડ્ીને ત્યાં થોડે દુર પેલી વાનના ડ્રાયવરને આ તમાશો જોતા ઉભેલો જોયો, એન્ડ્રીન દોડીને એક પોલીસઓફિસર તરફ ગયો, અને પોલીસ ઓફિસરને કહેવા લાગ્યો કે “પેલી વ્યક્તી જ આ વાન લઇને આવી હતી, આ ધડાકા અને જાનહાની માટે તે વ્યક્તીજ જવાબદાર છે”….. પણ પોલીસ ઓફિસર તેની તરફ ધ્યાન આપ્યા સિવાય લોકોને સલામત સ્થળે ખસેડવા દોડી ગયો….
ટીવી ન્યુઝ વાન પણ ત્યાં આવી ગઇ અને લાઇવ કવરેજ કરવા લાગી…
એન્ડ્રીને પોલીસકાર પર હાથ પછાડીને ગુસ્સો વ્યક્ત કર્યો… ત્યાં જ મોર્ગન તેની પાસે આવ્યો, તે એન્ડ્રીનને પકડીને પાર્કમાં પબ્લિક માટે લગાવેલા ટીવી પાસે લઇ ગયો… જેમાં લાઇવ ન્યુઝ ચાલતા હતા…
“ફોરેસ્ટ લેન પાર્કમાં આતંકી હુમલો.. લગભગ ૫૦ ના મોત, ૨૮ ઘાયલ…”
અને તરત બીજા ન્યુઝ આવ્યા…
“બાલ્દીન જંગલમાં સિયેરા માઉન્ટેન પર એપલવેલી જંકશન આગળ ફરી ભેદી કાર અકસ્માત, કાર ડ્રાયવર એન્ડ્રીન અને બીજા ચાર પેસેન્જરના સ્થળ પર જ કરુણ મોત..” અને આ સમાચાર સાથેજ એન્ડ્રીને જોયુ કે તેનીજ લાશને એમ્બ્યુલન્સમાં મુકી રહેલા બતાવતા હતા, જેમાં તેના માથાની પાછળનો ભાગ લોહી વાળો હતો. અને બીજી લાશ તેના મિત્ર મોર્ગનની હતી જેના શરીરના બે ટુકડા થઇ ગયા હતા.
એન્ડ્રીન અવાચક બની મોર્ગન સામે જોતો રહ્યો. મોર્ગન તેને બીજા બે મિત્રોને દુરથી બતાવતો હતો.
એન્ડ્રીન પોતાના ઘર તરફ દોડ્યો… જ્યાં બહાર એમ્બ્યુલન્સ ઉભી હતી અને તેની માતા તેની ડેડ બોડી જોઇને રડી રહી હતી.
05/24/2017
Nice
LikeLike
Thanks 💐
LikeLike
Great story Mukesh 👍👌💐..
LikeLike