થપ્પો

એ તેના મામાના ઘરે રહી ભણવા આવી હતી… આમ તો નાના ગામમાં કોઇ મહેમાન કે અજાણ્યુ રહેવા આવે તોય બે ત્રણ દિવસમાં જ બધાને તેના આગમનની ખબર પડી જતી… જ્યારે આ તો હસતી કુદતી નટખટ છોકરી…અને એય મોસાળમાં…. એટલે ભાણીબાનો ભારે ભપકો…
ગામની ઘણી છોકરીઓ રુપાળી જ હતી… પણ એકના એક ચહેરા રોજે રોજ જોઇને, અને બધા એકબીજાને ઓળખતા હોઇ કોઇ આગળ રોફ મારી મારી નેય કેટલો મારવાનો!!!!  
એટલે પેલી નવી આવેલી છોકરી પર નવેસરથી રોફ જમાવી તેના કોરી પાટી જેવા મગજ પર છવાઇ જવાની ઇચ્છા જોર ના પકડે તો જ નવાઇ….
નસીબ પણ બળીકુ કે ગામની નિશાળમાં એકજ ધોરણમાં તે સાથે આવી… 
ગણિતના પિરીયડમાં ભગવાનભાઇ સાહેબને કપાસના ખેતરમાં આંટો દેવા જવાનુ થયુ અને ક્લાસની જવાબદારી મને સોંપી હતી…
માંડ પાંચ ચોપડીએ ગ્રેજ્યુયેટ થયા જોટલો હરખ માનતા મોટી ઉંમરના છોકરાઓને કાબુમાં રાખવા ઘડીયા બોલવવાની યુક્તિ મનેય ફાવી ગયેલી, એટલે બધાને વારાફરતી એક એકુ એક થી એક એક ઘડીયા બોલવા ઉભા કર્યા… ક્લાસમાં શાંતિ પથરાઇ ગઇ… કયો ઘડિયો પોતાના ભાગે બોલવાનો આવશે તેની ગણતરીમાં બધા પડી ગયા… પણ એમ તેમને જીતવા દે તો મારી હોંશિયારી શું કામની??? એટલે ક્રમમાં ઉભા કરવાને બદલે આડા અવળા ઉભા કરી ઘડીયા બોલવાનુ કહેતાજ ક્લાસમાં સોપો પડી ગયો… 

જો કે મારા મનમાં તો આવુ કરી બધાની ગણતરી ઉંધી પાડીને બીજીજ ગણતરી કામ કરતી હતી… કોઇને ઘડિયા આવડે નહીં તેથી તે નબળા તો ગણાયજ પણ હું હોંશિયારમાં ગણાઇ જતો હતો… પણ આજે એક વધારાની ગણતરી પણ હતી… પેલીને ઘડીયા બોલવા ઉભી નહીં કરીને તેના મનમાં મારા માટે આભારની લાગણી પેદા કરવી…!!!!!
અને તીર નિશાના પર લાગીજ ગયુ… સાહેબ કપાસ સંભાળી શકે છે તો હું ક્લાસ સંભાળી શકુ છું…

કોઇનેય બરાબર ઘડિયા બોલતાના આવડે તો તેના ભુલ સુધારી શકવા જેટલો હોંશિયાર તો હું જ છું…..

તેને ઘડિયા બોલવા ઉભી ના કરીને તેની હાજરીની નોંધ તો મેં લઇજ લીધી પણ તેની આબરુ જાળવી લીધી…
એક સુંદર સ્મિત બે લાલ ચટક હોઠ વચ્ચેથી સફેદ દાંત અડધા દેખાય તેમ આપી દીધુ…. અને મેં આંખોથી તેને સ્વીકારી પણ લીધુ…. તે સાથે જ તેની આંખો શરમથી ઢળી ગઇ… 
આહ!!!!!! તે જ સિન આટલા વરસો પછી પણ યાદ રહી ગયો છે…એટલે તો આ લખાયુ…
બસ….. પછી તો એ સાંજે ગામના પાદરે શિવજીના મંદિરે ગામના છોકરા-છોકરી આરતી માટે ભેગા થતા, ત્યાં તે દિવસે તેના મામા તરફથી પ્રસાદ હતો… તે વંહેચવાની જવાબદારી “ભાણી” ઉપર હતી… બધાને બે બે રેવડી આપતા મારો વારો આવ્યો અને મારો નાનો ખોબો પ્રસાદથી છલકાઇ ગયો…. એ દિવસે જાણ્યુ કે પ્રેમ કેવી રીતે છલકાતો હશે!!!!!
એ દિવસે મારુ સપનુ પુરુ થાય તે પહેલા બીજો દિવસ શરુ થઇ ગયો….
બીજા દિવસે સ્કુલમાં વહેલા જવાનુ મન થયુ… ગુજરાતીનુ ઘરકામ સ્કુલે વહેલા જઇને ત્યાં પતાવવાનુ રાખ્યુ… અને ઘરકામમાં કવિતા તો લખવાની હતી… 
કદાચ નાના ગામમાં વિચારો પણ જલદી ફરી વળતા હોવા જોઇએ… એ પણ વહેલી આવી ગઇ હતી… અને મારી કવિતા તેને જોતા જોતા…. ચોપડી જોયા વગર લખાઇ ગઇ…
“એક ઝાડ માથે ઝુમખડું

ઝુમખડે રાતા ફૂલ રે,

ભમ્મર રે રંગ ડોલરિયો…..”
“બોરા ખાવા છે?”

“હા, મનેય બહુ ભાવે…”

“મામી સીમમાંથી વળતા લેતા આવ્યા હતા.”

“તને ગુંદા ભાવે?”

અને તેના જવાબની રાહ જોયા વગરજ હું નિશાળની બહાર તળાવ કિનારે આવેલી ગુંદી પરથી ઢગલો ગુંદા ખંખેરી લાવ્યો હતો….

“લે…. છે ને તારા બોરા જેવાજ મિઠા…” 

અને તેના બોરા મેં ખાધા તો મારા ગુંદા તેણે પતાવ્યા…

એ વખતે તો બોરા-ગુંદાના વ્યવહારમાં નામ પુછવાનુ રહી ગયુ… પણ એ દિવસે સવજી સાહેબ નહોતા આવ્યા.. તાલુકે ગયા હશે… તો હાજરી પુરવાની જવાબદારી મારે લેવી પડી… અને હાજરી પત્રક ખોલતાજ…પહેલુ નામ જોવાને બદલે છેલ્લુ નામ પહેલા જોયુ… “કોમલ” …

ફોઇ નામ પણ વ્યક્તિ જોઇનેજ પાડતા હશે ને!!!! એવુ ત્યારે લાગ્યુ.
હાજરી પુરતા પુરતા ક્યારે છેલ્લુ નામ બોલુ તેમ જ થયા કર્યુ… પણ જેવુ તે નામ આવ્યુ કે મારો અવાજ જ કોમળ થઇ ગયો… નામ ના બદલે તેની સામે જોઇને “તુ” જ બોલાયુ… આંખોથી હાજરીની નોંધ લેવાઇ ગઇ…. 

“આજેય ભગવાનભાઇ સાહેબ ના આવે તો સારુ” તેમ મનમાં પ્રાર્થના કરવા લાગ્યો…

પણ ભગવાને કે ભગવાનભાઇ સાહેબે મારી પ્રાર્થના ના સાંભળી…
ભગવાનભાઇ સાહેબે તો બધાને ઘડીયા બોલવા ઉભા કર્યા… ના આવડે તેણે વગર બોલાવ્યે હાથ ધરવાનો… તેમાં સાહેબની ફુટપટ્ટી પડતી… હું તો બચી ગયો… પણ હવે કોમલ ના કોમળ હાથનુ શું થશે તે વિચારે પરસેવો છુટી ગયો… ત્યાંજ કાને કોમળ શબ્દો પડ્યા “સોળ એકા સોળ…. સોળ દુ બત્રી… સોળ તરી અડતાળી…” અને “સોળ દાન એકહોહાંઠ” સાંભળતા જ હાશ થઇ ગઇ મને…. પણ બીજી જ ક્ષણે ગભરાહટ થઇ ગઇ કે હવે કોઇક ઘડીયા બોલવામાં મારી બરાબરી કરવા આવી ગયુ છે…” લે…આને તો બરાબર આવડે છે”.

ઘડિયા પુરા કરતાજ એક વિજયી સ્મિત ફરી મારી તરફ ફેંકાયુ… એય આંખના ઉલાળા સાથે… અને તેનુ મોહક સ્મિત હતુ તોય મારાથી ફિકકુ સ્મિત જ અપાયુ…. કાલે પ્રસાદના ખોબામાંથી ઉભરાતો પ્રેમ આજે ઘડિયા બોલાતા ધડબડાટી બોલાવી ગયો….
પછી તો હરિફના વિચારોમાં ક્યારે સ્કુલ છુટવાનો બેલ વાગ્યો તેય યાદ ના રહ્યુ…
એ સાંજે આરતી પુરી થતા તે મારી પાસે આવી… “ઇતિહાસની નોટ આપજે ને… મારે આગલુ બાકી ઘરકામ લખવુ છે…”

“સારુ ઘરે આવીને લઇ જા”

“પેલુ ઉંચી ડેલી વાળુ જ ઘર ને!!!”

“હા”

અને જલદીથી હું ઘરે આવી ગયો… મા એ વાળુ કરવા બેસવા કહ્યુ તોય જવાબ આપ્યા વગર દફતર ખોલીને ઇતિહાસની નોટ કાઢી… તેનુ છાપાનુ કવર સારુ હતુ તોય કાઢી નાખીને નિબંધની નોટનુ ખાખી કવર ચડાવી દીધુ… ક્યાંય કંઇ બાકી નથી રહેતુ તે ફરી જોઇ લીધુ… ત્યાંજ ડેલીની સાંકળ ખખડી… ફટાફટ જઇને ડેલી ખોલી… સામે જ તેના મામા સાથે તે ઉભી હતી… બાપુએ તેમને જોતાજ આવકાર આપ્યો… બેય વડિલો ખાટલે વાતો કરતા બેઠા… અને હું તેની સામે તૈયાર રાખેલી નોટ ધરીને ઉભો રહ્યો… “લે આ રહી ઇતિહાસની નોટ…”

“ના, મારે હવે આ નોટ નથ જો’તી… નિબંધની નોટ આપ…”

અને ફરી મને આજનો સ્કુલનો ઇતિહાસ ઉખેળાતો લાગ્યો… પુંઠા-કવર વગરની નિબંધની નોટ આપવી પડી…
હવે બોરા-ગુંદાનો વ્યવહાર નોટ સુધી વધી ગયો હતો….
બીજા દિવસે નિશાળમાં તેણે નોટ પાછી આપી ત્યારે અચુક નોટના બધા પાના ફેંદી કાઢ્યા …એ આશાએ કે નિબંધની નોટમાં પ્રેમ કથા જેવુ કંઇક લખાયેલુ હોય…..
જરા નિરાશા સાથે કહ્યુ “લખી લીધા બધા નિબંધ?”

“ના.. મારે તો ખાલી મથાળાજ જોવા હતા કે કોના કોના પર નિબંધ લખવાના હતા.. હવે હું મારી જાતે લખી લઇશ….”
“ઓહ!!!! આ તો રોજ આઘાત ઉપર આઘાત જ આપે છે….” મન પોકારી ઉઠ્યુ… મારી સાથે પહેલો નંબર લેવામાં હરિફાઇ તો આ જ કરશે… પણ એમ કાંઇ પહેલો નંબર જવા દેવાય??? અને મેં ભણવામાં મહેનત વધારી દીધી… પણ તોય દિલ તો હારવા જ માંગતુ હતુ… 
આજ સુધી વાર્તા માં જ પ્રેમ કથા સાંભળી હતી… હવે તે વાર્તાના પાત્ર બનવા દિલ તરસી રહ્યુ…પણ આ કંઇ એકપાત્ર અભિનય થોડો કરવાનો હતો???
એક દિવસ રવિવારે રમવાના બહાને તેના મામાના ઘરે પંહોચીજ ગયો… તેના મામા મારા માટે એક ગામના હોઇ કાકા હતા… તેમના ફળિયાની બીજી છોકરીઓ પણ ત્યાં પાંચિકા રમી રહી હતી…. હું અને તેના મામાનો દિકરો બેય બેઠા બેઠા તેમની રમત જોતા હતા… છેવટે અમે બેયએ થપ્પો રમવાનુ જાહેર કરતા બધી છોકરીઓ સંમત થઇ… અમે બધાએ એકબીજાના હાથ પર હાથ મુકી “કાચા-પાકા” કર્યા.. અમે તો પાકી ગયા અને કાચા થનારે દાવ આપવાનો થતા અમે સંતાવા લાગ્યા… આખરે હું અને તે એક સાથે થઇ ગયા અને તેના મામાના ઘોડાના તબેલામાં જઇ સંતાઇ ગયા…દિલની ધડકન અચાનકજ વધવા લાગી….ઘોડો અમને જોઇ હણહણ્યો અને જરા ગભરાઇને બાજુએ થઇ ગયો…અમે એકબીજા સાથે લપાઇને ગમાણમાં સંતાઇ ગયા… એવી લાગણી થઇ કે ક્યારેય કોઇ અમને શોધીના શકે…. અમારા એકબીજાના શ્વાસ અમે અનુભવી શકતા હતા… કદાચ ત્યારે એ કંઇક વધારે ગરમ અને જોરથી ચાલતા લાગ્યા… અમે બસ એમ જ એકબીજાને વળગીને -સંતાઇને એકબીજાને જોતા બેસી રહ્યા…. ઘણો સમય વિતી ગયો હશે… બહારથી અમે બંને નહીં મળતા કચવાટભર્યો અવાજ આવી રહ્યો હતો, જ્યારે અંદરથી અમે ગભરાટભર્યો આનંદ અનુભવી રહ્યા હતા… કદાચ બહાર બીજો દાવ પણ બદલાયો હોય કે નહીં પણ અમારા મન બદલાતા જતા હોવાનો અહેસાસ થઇ રહ્યો હતો…. હું તેને જકડીને મન માં પેલી સાંભળેલી વાર્તાનુ પાત્ર બનવાની કોશિષ કરી રહ્યો હતો… તો તે પણ હું કંઇક કરુની અધીરાઇમાં નીચી પણ અનિમેષ નજરે મને જોઇ રહી હતી… પણ આગળ કેવી રીતે વધવુ તેની સુઝ નહોતી… અને…… કદાચ પશુ બનવાનીજ ઘડી હતી… કદાચ ઘોડો પણ ઘટવાની ઘટનાને સમજી ગયો હશે…. કે પછી તેનેય ઇર્ષા થઇ હશે … અને પશુ જેવા ઘોડાએ હણહણાટીને લાત ઉગામી ….જોકે કોઇને લાત વાગી નહીં પણ અમે ગભરાઇ ગયા અને બંને એ સાથે ચીસ પાડી….. બંને તબેલામાંથી બહાર ભાગ્યા…એ સાથેજ બહાર દાવ આપનારે અમારા બંનેનો “થપ્પો” કરી દીધો… !!!!!!!
દિવસો પછી સમજાયુ કે “થપ્પો” માં છુપાઇ જવા કરતા પકડાઇ જવામાં જ મજા હોય છે.. પકડાઇ જાવ તો જ રમત આગળ ચાલે છે…..
બસ તે પછી અમે બંનેએ ક્યારેય એવુ સંતાવવા જેવુ કામ ના કર્યુ કે ના તો તેવો અમને એવો મોકો મળ્યો કે “લાત” ખાવી પડે…. 
 

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s