ચા ની લારી

આઈ આઈ એમ માં અધ્તન કેન્ટિન હોવા છતાં તેના સ્ટુડન્ટ અને પ્રોફેસરોને બહાર, દરવાજાની સામે મંગાની લારીની ચા જ “માફક” આવે છે.

મંગો ઘાસલેટથી ચાલતા અને મોટો અવાજ કરતા સ્ટવ પર લાકડાના હેન્ડલ વાળુ તપેલુ ચડાવે છે, હેન્ડલના લાકડાનો રંગ કાળો છે કે મેલથી કાળુ લાગે છે તેના પર હજુ સુધી કોઇએ સંશોધન નથી કર્યુ.

તપેલામાં બાજુમાં રહેલા વાદળી રંગના પ્લાસ્ટિકના કેરબામાંથી સ્ટીલના જગ વડે પાણી નાખે છે, સ્ટીલનો જગ બહારથી સ્ટીલનો લાગે છે પણ અંદરથી પીળો પડી ગયો છે, પુછનારને સંતોષકારક જવાબ મળીજ રહે છે કે તેમાં ચા પણ ભરાય છે તેથી ચાનો રંગ લાગી ગયો છે, અને એ જ પ્રમાણ છે કે ચા “અસ્સલ” છે.

તેના તપેલામાં કાયમ પાંચ જ કપ ચા એકસાથે બને છે, કેમકે મંગો અભણ છે પણ પાંચ કપ ચા માટે કેટલુ પાણી લેવુ અને કેટલુ દુધ લેવુ તેની તેને વગર મેઝર કપે સુઝ છે, સ્ટીલના હેન્ડલના જોઇન્ટ પર પડેલા કાંણા સુધી પાણી લેવાનુ અને તપેલામાં કાયમી અંકાઇ ગયેલી ભુખરી લાઇન સુધી બાકીનુ દુધ લેવાનુ…… અને માપમાં ભુલ ના પડે એટલેજ તે લાઇન ધોવાઇને નીકળી ના જાય તેની ખાસ કાળજી અજાણપણે પણ લેવાય છે.

બે મોટા ને એક નાનુ ડબલુ છે, મોટા એક ડબલામાં ચા અને બીજામાં બુરુ રહે છે. કોઇ પુછે કે ખાંડ ને બદલે બુરુ કેમ? તો બુરુ માટે પણ તેની દલિલ છે “સા’બ, ખાંડ કરતા બુરુ જલદી ઓગળે એટલે તમારા જેવા મોટા સા’બને ચા માટે વધારે રાહ ના જોવી પડે”, મોટા સા’બ બનાયા એટલે તરત તેની વાત તેની ચા ની જેમ જ ગળે ઉતરી જાય છે. નાના ડબલા માં તપખિરીયા રંગનો સફેદ “મસાલો” છે જેની ફોર્મ્યુલા તે “પેશિયલ મસાલો” કહીને કોઇને કહેતો નથી, અને બિઝનેશ મેનેજમેન્ટ વાળા તેને “ટ્રેડ સિક્રેટ” કહે છે. એક છાબડીમાં આદુના નાના કાપેલા કટકા રાખે છે, દરેક કટકાનુ પણ માપ છે, પાંચ કપ માં ત્રણ કટકા જ હોય… એક જાડુ કપડુ છે, જેનો અસલ રંગ તો તેનેય ખબર નહીં હોય, કદાચ તેની ઘરવાળી જાણતી હશે, કેમ કે લેંઘાના બાકીના કપડામાંથી તેણે થેલી બનાવેલી છે.

બાકીના સામાનમાં એક કિટલી, ડઝનેક કપ રકાબી, એક બરણી કે જેમાં તે ક્વોલિટીનો આગ્રહી હોવાથી પારલે-જી બિસ્કીટ- પણ પેકેટમાં નહીં એવા છુટા ભરી રાખે છે, કોઇને આખુ પેકેટના જોઇતુ હોય તો!!!!

આ સિવાય તેની પાસે લારીની આસપાસ બેસવાના શણની લાકડીના ચાર “મુંડા” છે, જે તુટેલા છે તોય બેસનારને મજા આવે તેવા છે.

મંગો જ્યારે ચા બનાવે ત્યારે તપેલામાં જે ચા ની ભુકી નાખે તે બે “ઘાણ” સુધી તો ચાલે જ…. યુ નો… કસ કાઢી નાખે…. આઈ આઈ એમ વાળા તેને હંડ્રેડ પરસન્ટ રિટર્ન બિઝનેશ સાથે સરખાવે છે.

તપેલામાં પાણી સાથે ચા ની ભુકીને બરાબર ઉકાળે, બે મોટા ઉભરા આવવા દે, પછી તેમાં ત્રણ ટુકડા આદુને સાણસીથી દબાવીને નાખે… તરત તેમાં પેલો “પેશિયલ મસાલો” બે મોટી ચમચી ભરીને નાખે…. ચા માં “ટેશ” લાવવા અને “રગડા” જેવી બનાવવાની ફરમાઇશ પુરી કરવા પારલે-જી પણ બે એક નાખી દે…. ત્રીજો ઉભરો આવે એટલે “બુરુ” નાખે… મોટા સાત ચમચા ભરીને…. બીજા બે ઉભરામાં તેની ચાસણી ના બને તેવી ચિવટ રાખીને પેલી વણધોવાયેલી લાઇનના માર્કા સુધી દુધ ઉમેરે…. અને બીજા બે ઉભરામાં ચા તૈયાર… “કડક અને મિઠી” માટે એક ચમચો બુરુ અને એક એકસ્ટ્રા ઉભરો…. અને સ્ટવ ને રાહત આપવા દબાણ ઓછુ કરી અવાજને ૪૦ ડિબી પર થી ૫ ડિબી પર લઇ આવે…

બસ પછી પેલી કિટલીનુ ઢાંકણ ખુલે…. પેલુ જાડુ કપડુ તેના મોઢા પર ગોઠવાય…. ઉકળતી ચા તેમાં ઠલવાય….. ફરી સાણસીનો ઉપયોગ થાય…. પેલા કપડાને ફાંસો આપતો હોય તેમ સાણસીના બે પાંખિયામાં દબાવીને રીતસર નીચોવી નાખે …. કપડામાં રહેલો કુચો ગરમ હોવા છતાં લગભગ કોરા જેવો બની જાય…

જોનારનેય મજા પડે… ” વાહ …. બરાબરનો કસ કાઢી નાખ્યો… છેલ્લી બુંદ સુધી આહ્લાદક… મિઠાસ તો આની જ…” જેવા પ્રસંશાત્મક વાક્યો ચા પીધા પહેલાજ સરી પડે…. જોનારના મતે ભલે પુરો “કસ” નીકળી ગયો…. મંગા ને મન તો અડધોજ. એટલે જ એ કપડાની પોટલી સાચવીને બાજુમાં મુકેલા પેલા તપેલામાંજ ખાલી થઇ જાય….બીજા “ઘાણ” માટે.

હવે કિટલીને એક હાથે બને તેટલી અધ્ધર ઉંચકે અને ત્યાંથી ચા ની ધાર સીધી પેલા કપમાં પડે….સહેજેય આઘી પાછી થયા વગર સીધી કપ માંજ… જોનારાના મ્હોં માંથી ફરી “વાહ” નીકળીજ જાય…. તોય હજુ છેલ્લી વારનુ “વાહ” બાકી જ છે.

મંગો “અમદાવાદી” નથી એટલે “અડધી” નુ ગણિત નથી આવડતુ… ચા પિનારે આખી જ ચા લેવાની… આને પણ પેલા બિઝનેશ મેનેજમેન્ટ વાળા “સેલ્સ ટેકનોલોજી” કહે છે. ચા પિનારે બાકીની અડધી માટે પોતાનો પાર્ટનર લઇને જ આવવાનુ, જાતે અડધી કરી લેવાની.

કોઇને બિસ્કીટ જોઇતા હોય તોય પાંચ ના ગુણાંકમાં જ લેવાના…. કદાચ મંગાને પાંચ નો “ઘડિયો” જ આવડતો હશે….. એના પૈસા જુદા ગણાય.

ચા પી લો એટલે મંગાનો “નોકર” જેનુ યુનિવર્સલ નામ “છોટુ” , એ કપ રકાબી લઇ જાય, એક ડોલમાં ભરેલા પાણીમાં બોળીને કાઢી લે…. “વાસણ ને બગડ્યા પછી તરત ધોઇ નાખો તો બહુ ઘસવા ના પડે” ….. સવારે તે ડોલમાં ભરેલુ ચોખ્ખુ પાણી સાંજે લારી બંધ કરવાના સમયે લગભગ ચા જેવુ જ રંગીન થઇ ગયુ હોય.

હજુ એક બાબત પર ધ્યાન દોરવાનુ રહી ગયુ…. મંગાની લારી પર એક સફેદ કલરના પાટીયા પર પીળા રંગથી “જય માં કાલી ચા સેન્ટર” લખેલા મથાળા નીચે લખેલુ છે… એક કપ ચા નો ભાવ…. પેશિયલ ચા નો ભાવ (જેમાં પેલી કપડા વાળી ચા ને બદલે નવી ચા ની ભુકી અને રગડા માટે બિસ્કીટ ઉમેરાય)પાંચ બિસ્કીટ નો ભાવ લખેલા છે. અને નીચે લખેલુ છે “હમારે ત્યાં ગાયના દુધની ચા મળશે.”

ચા ની લારીની બાજુમાં ઝાડ નીચે એક બકરી બાંધેલી છે. પણ ભણેલાને તો અર્જુનને જેમ માછલીની આંખ જ દેખાય તેમ બોર્ડ પર “ગાય” લખેલુજ દેખાય છે, બાંધેલી “બકરી” નહીં…

બકરી માટે કોઇ પુછે તો, “અમાર કુળદેવી નુ વાહન છે, તેને આ ચા ના કુચા ખાવા રાખી છે.” વાળો જવાબ શ્રધ્ધાથી વંદનીય લાગે છે, અને છેલ્લી વાર, ચા પીધા પછી બોલાઇ જવાય છે “વાહ”.

7 Comments

  1. સાચી વાત છે, ચા નો ખરો ટેસ્ટ તો કીટલી પર જ આવે.
    હવે એક વાર તો આ કીટલીની મુલાકાત લેવી જ પડશે.
    ખુબ જીણવટ પૂર્વક એની ચા ની પ્રોસેસ લખી. મજા આવી ગઈ…

    Liked by 1 person

  2. घणां समय पहेलां आ पोस्ट वीधी अने वीनयपुर्वक वांचेल. स्वाद रही गयो हतो ते आजे आहीं कोमेन्ट करी मुकेल छे अने फेसबुक तथा मारा ब्लोग उपर आ पोस्टनी लीन्क मुकेल छे…

    Like

  3. आ पोस्ट उपर कोमेंन्ट लखवानुं रही गयुं अने चा नो स्वाद अहा हा…. फरी आजे मुलाकात लई कोमेन्ट मुकी एने लींन्क साथे फेसबुक अने ब्लोग उपर मुकेल छे…

    Like

  4. મંગાની ‘ચા’થી ચાર ચાસણી વધે એવું ચા બનાવનાર અને ચાની લારીનું વર્ણન!! અવલોકન કરનાર નજરને સલામ..

    Like

Leave a comment