મમ્મીનો પોપટ

સવારે સ્કુલે જવા છ વાગે ઉઠી જવું પડતુ.. જ્યારે બધા ઠંડી સવારની છેલ્લી ઉંઘ માણતા હોય… તેમની ઉંઘ તુટે નહીં તેથી કોઇજાતનો અવાજ-ઘોંઘાટ ના થાય તેની બને તેટલી કાળજી રાખવાની… સવારે બ્રશ કરતા, ન્હાવા જતા, સ્કુલ યુનિફોર્મ પહેરતા, બુટ-મોજા પહેરતા, સ્કુલબેગ તૈયાર કરતા કે મમ્મી પાસે બેસી નાસ્તો કરતા … સહેજેય બાળ સહજ તોફાન કર્યા વગર, તોફાની હરકતોને મન માં દબાવી રાખીને બધુ કરવું પડતું… આ ઉપરાંત રીક્ષાવાળો આવીને મને લીધા વગર જતો ના રહે તેનુય ધ્યાન રાખીને કંપાઉન્ડના હિંચકે બેસીને રાહ જોવાની…

સાડા બાર ની આસપાસતો સ્કુલથી ઘરે આવી જતો.. અને જેવો કંપાઉન્ડમાં દાખલ થઉં કે તરતજ પેલી સવારની દબાવી રાખેલી તોફાની હરકતો ઉછાળા સાથે બહાર આવતી… સ્કુલબેગ ને બહાર હિંચકા પરજ પછાડીને મુકી દેતો… ઘરમાં જતા જતા જ એક બુટ બહાર પડતું તો બીજુ ક્યાંક ઘરમાં…. અને મમ્મી પણ જાણી જોઇને જ બારણું ખુલ્લું રાખતી કે જેથી ડોરબેલનુ બટન સતત દબાવેલુ રાખવાની મારે જરુર ના પડે અને ડોરબેલ બગડે નહી….. અને તોય તે આગલા રુમમાં તો હાજરજ ના હોય… જાણે કે તેનેય દરરોજ મારી ચીસાચીસ સાથે “મમ્મુડી… એય મમ્મુડી.. “ સાંભળવાની આદત પડી ગયેલી તે એય બેડરુમમાં હોય કે પછી કિચનમાં….

અને પછી તેય મારી બુમ સાંભળીને જ જાણે આવતી હોય તેમ “આવી ગયો મારો તોફાની પોપટ…” કહીને જાણે સરપ્રાઇઝ થતી હોય તેમ બહાર આવતી …

પણ તેના મોઢા પર ની અધીરાઇ જોઇને મારુ બાળમન પણ સમજી જતુ કે તે મારી રાહ તો પોણા દસે ભાઇ બહેનો સ્કુલે જાય ત્યારથી જોતી હશે અને પછી સાડા દસે પપ્પા ઓફિસે જાય તે પછી તો મારી જ રાહ જોતી, જમ્યા વગર બેસી રહેતી હશે… તેનેય થતું હશે કે સવારે જે લાડ નથી લડાવ્યા તે બપોરે બમણા વેગથી લડાવી લઇશ…. અને ભેટીને સાત આઠ પપ્પી તો આખા મોઢા પર કરીજ લેતી.

બસ પછી તો સવારે જાતે પહેરેલા મોજા પણ મને કાઢતા ના આવડતું હોય તેમ તે મને સોફા પર બેસાડીને કાઢી આપતી… તેને ખબરજ હોય કે સ્કુલ યુનિફોર્મ જાતે નહીંજ કાઢે, તોય જાણી જોઇને કહેતી “કપડા બદલીને હાથ પગ ધોઇ લે… ત્યાં સુધી થાળી તૈયાર કરી દઉ… “ અને હું ય રોજની આદત મુજબ કપડા કાઢવાને બદલે બસ મુક્તપણે ઘરમાં આમ તેમ દોડાદોડી કરીને ઘર ગજવતો… ત્યાં સુધી મમ્મી મારી બહાર પડેલી સ્કુલબેગ, આડાઅવળા પડેલા બુટ લઇને તેની જગ્યાએ મુકતી, અને ખબરજ હોય કે કપડા જાતે નહી જ બદલે તેમ મારા કપડા બદલાવતી…સવારે નવડાવી ના શકી હોય તેનો બદલો મારા હાથપગ ધોઇને લેતી હોય તેમ રમાડતા રમાડતા ધોવરાવતી, અને જાતે જ લુછી આપતી… અને હાથપગ લુછતા લુછતા પણ જાણે મન ના ભરાયું હોય તેમ ફરી ચાર પાંચ પપ્પી કરી દેતી.. અને અચાનક મારી સામે તાકી રહેતી… હું પણ તેના આ અચાનક તાકી રહેવાનો અર્થ સમજી જતો અને જોરથી ચીસ પાડીને કહેતો… “હેય.. મારુ ધોયેલુ મોઢું પપ્પી કરીને બગાડી નાખ્યુ…” અને જાણે આની જ રાહ જોતી હોય તેમ હસીને પછી ટુવાલને એકબાજુ ફેંકીને પોતાની સાડી વડે મારુ મ્હો ફરી લુછી લેતી….

જમવાનુ ગરમ કરી ને, તેનેય જમવાનુ બાકી હોવા છતાં તે એકજ થાળી પિરસતી… ડાઇનીંગ ટેબલ પર બેસાડી ને પોતાના હાથે જ કોળીયા મને ખવડાવતી… હું પણ ખાવામાં નખરા કરતા કરતા કંઇકને કંઇક ખાવામાંથી બહાર કઢાવતો… મિઠા લીમડાના પાન કે કોકમ કે છેવટે કોથમિર અને તેય ના હોય તો રાઇના દાણા… તે લાડથી બધુ કાઢી આપતી…. અને છેવટે આજે સ્કુલમાં શું શું કર્યુ નો રોજનો સવાલ પુછતી.. તો હું ય જાણે તેનીજ રાહ જોતો હોય તેમ સહુથી પહેલા બોલી ઉઠતો.. “ધમાલ…..” “એ તો મને ખબર જ છે….” કહીને તે પ્રેમથી ગાલે ચિંટીયો ભરતી…

અને જમતા જમતા જ મારી સ્કુલચર્યા મારે સંભળાવવી પડતી….

મારુ જમવાનુ પુરુ થતા તે થાળી માં જ તે જમી લેતી…. આ જોઇને મને ક્યારેક ના ગમતુ અને કહેતો … “તારે કયાં વાસણો ધોવા છે? લે ને બીજી થાળી… “ તોય તે હસીને તેમાં જ જમી લેતી… તો ક્યારેક સામે પ્રશ્ન કરતી કે “કેવુ લાગ્યુ જમવાનુ?” અને હું પોપટની જેમ જ જવાબ આપતો “તારા જેવુ જ મિઠુ મિઠુ..” અને હસીને તરત તે મને મારા સવાલનો જવાબ આપતી “તો એ મિઠુ મિઠુ જમવાનુ આ એંઠી થાળીમાં વધારે મિઠુ બની ગયુ….”

એ કિચનમાં કામ કરે ત્યાં સુધી હું એકલો એકલો ઘરમાં રમી લેતો.. અને મમ્મીના આવવાની રાહ જોતો… કામવાળી આવતાજ મમ્મી થોડીવારમાં જ કિચનમાંથી બહાર આવી જતી… મને હોમવર્ક કરાવતી… ઘણીવાર તો તે મને હોમવર્ક કરાવવા, જાતે જ મારી બુક્સ લઇને મને બરાબર શિખવાડવા પોતે હોમવર્ક કરતી કે ક્યારેક મોટા ભાઇ બહેનને પણ પુછી લઇને મને શિખવાડવા તૈયાર રહેતી…. બસ આ જ એક એવો સમય રહેતો કે તે મને મોટા અવાજે ખીજવાતી પણ હતી અને ક્યારેક મારીપણ લેતી…

એકવાર મમ્મી મને મોટીબહેને જાતે બનાવેલા દાખલા માથી ચક્રવૃદ્ધી વ્યાજના દાખલા શિખવાડતી હતી ને મારી વારંવાર ભુલ પડતી હતી… તો અકળાઇને મને લાફો મારી દીધો… હું ઘણુ રડ્યો… રડતા રડતા જ બપોરે સુઇ ગયો… બે એક કલાક પછી જાગ્યો તોય મમ્મીને ગુસ્સો દેખાઇ આવતો હતો… હું ચુપચાપ બહાર લખોટીઓ રમવા જતો રહ્યો… સાંજે મોટીબહેન ઘરે આવી, થોડીવારમાં જ તે મને રમતો હતો ત્યાં બોલાવવા આવી “ચલ મમ્મી બોલાવે છે…”

“નથી આવવું…” હું પણ ગુસ્સામાં જ હતો..

“મમ્મી હજુય રડે છે” બહેન મારી એકદમ પાસે આવીને રડમસ અવાજે બોલી…

અને હું લખોટીઓ લીધા વગર ઝળઝળી આંખે દોડ્યો…

મને ઘરમાં આવતો જોઇ મમ્મી પણ લગભગ સામે દોડી… મને વળગીને રડવા લાગી… જે ગાલે લાફો માર્યો હતો તે ગાલે પપ્પી કરવા લાગી… હું પણ જરા હેબતાઈ ને રડમસ થઇ ગયો…. અને મમ્મી બોલી “બેટા મને માફ કરી દે… ભુલ મારી હતી.. દાખલા મા તારો જવાબ સાચો જ હતો… મને ગણવામાં ભુલ પડેલી…” પણ મમ્મી, હું અને મોટી બહેન ત્રણેય રડતાજ રહ્યા… અમને ત્રણને રડતા જોઇ બીજા ભાઇ બહેન પણ રડવા લાગ્યા…. મમ્મીએ જાત સંભાળીને બધાને છાના રાખ્યા… પપ્પા પણ ત્યાં સુધી તો ઘરે આવી ગયા હતા… તેમણે બધી હકિકત જાણી કે દાખલામાં મારો જવાબ તો સાચો જ હતો પણ મમ્મીની ભુલ પડી હતી અને તેને મારો જવાબ ખોટો લાગતો હતો.. એ તો સાંજે બહેને આવીને ગણતરી કરીને સાચો જવાબ મમ્મીને બતાવ્યો ત્યારે ખબર પડી…

પપ્પાએ હસતા હસતા મમ્મીને કહ્યુ “તારે તો રડવાને બદલે ખુશ થવું જોઇએ કે તારો પોપટ વ્યાજ ગણવામાં પાવરધો છે…”

અને બધા હસી પડ્યા… પણ મને ખબર હતી કે મમ્મી કેમ રડતા હતા….

02/22/2018

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s