ચકલીનો માળો

અમારા ગામ ના ઘરે ફળિયામાં બોગનવેલ નો મોટો માંડવો બનાવેલો… વેકેશનમાં અમે અમદાવાદથી વતનમાં રહેવા જઇએ તો ઉનાળાની ગરમીના લીધે એ માંડવા નીચે જ બધા ખાટલા ઢાળીને સુઇ જતા… અને વહેલી સવારે તો એ જ માંડવામાં માળા બનાવીને રહેતી ચકલીઓ અમને તેમની “ચીં ચીં” થી જગાડી પણ દેતી….

એવી જ એક ઉનાળાની રાતે અમે સુતા હતા અને અચાનકજ ચકલીઓ ચીં ચીં કરવા લાગી.. અમારી આંખ ખુલી ગઇ કે, શું આટલી જલદી સવાર થઇ ગઇ!!! પણ કાકા ના દિકરાએ અમને બધાને માંડવા નીચેથી જગાડીને ઓસરીમાં બોલાવી લીધા… પછી ખબર પડી કે ચકલીના માળા જોઇને સાપ ત્યાં આવેલો અને એક ચકલીને પકડી લીધી હતી…

અમે નાના છોકરા સાપ જોઇને ગભરાઇ ગયેલા અને માંડવા નીચે સુવા પછી કોઇ તૈયાર ના થાય.. અને ઓસરી બધાને સુવા માટે નાની પડે… ઘરમાં સુતા તાપ લાગે… અને હજુ તો બે અઠવાડીયા કાઢવાના હતા…

તે સવાર પછી અમે બધા નાના છોકરા એ વેલામાં રહેલા માળા તરફ જોઇ રહેતા અને તેમાં રહેતી વીસ પચ્ચીસ ચકલી-ચકલાંને પણ જોઇને અનુમાન કરતા કે પેલો સાપ ચકલી ને ખાઇ ગયો હશે કે ચકલા ને????

જો ચકલીને ખાઇ ગયો હશે તો તેના ચકલો ગમગીન હશે અને ચકલાને ખાઇ ગયો હશે તો ચકલી ને રડવું આવતુ હશે.. અને અમે જોડી ગણતા કે કોણ એકલું છે? ચકલો કે ચકલી?

અને તેમના માળા જોઇને થતુ કે તેમના માળાને પણ આપણા ઘર જેવા બારણા હોત તો તેઓ બચી ગયા હોત!!!!!

બસ આખો દિવસ રમવાનું છોડીને આની જ ચર્ચાઓ ચાલ્યા કરતી….

છેવટે મને ઉપાય સુઝ્યો કે ભલેને તેમના માળાને બારણા ના હોય!!! આપણા ઘરને તો બારણા છે જ ને!! તો તેમના માળાને આપણા ઘરમાં લાવી દેવા જોઇએ, તેમના માળાની પણ અમદાવાદમાં આપણા ઘરની સોસાયટી છે તેવી સોસાયટી બનાવવી જોઇએ…

બધા છોકરા તૈયાર થઇ ગયા…પણ હવે ઘરમાં કઇ જગ્યાએ માળાની સોસાયટી બનાવવી તે જગ્યાની શોધ શરુ કરી… કોઇએ સિલીગ પંખાની ઉપર, તો કોઇએ ફોટાઓની પાછળ, તો કોઇએ અભરાઇપર પડેલા વાસણોની અંદર, તો કોઇએ કબાટ ઉપર, કોઇએ માળીયામાં, કોઇએ રસોડામાં એમ જુદી જુદી જગ્યા બતાવવા માંડી… પણ ક્યાંક જગ્યા નાની લાગે, ક્યાંક જગ્યા અમને ઉંચે લાગે, તો ક્યાંક કોઇ સહેલાઇથી પંહોચી જાય.. એવા તર્ક થવા લાગ્યા….

એક કારણ એવુય આવ્યુ કે આપણો આઇડીયા ઘરમાં મોટાને ના પણ ગમે….એટલે જે કરવું તે છાનામાના કરવાનુ…. એમ જ દિવસ પુરો થયો… બીજો દિવસ પણ એવીજ વાતોથી શરુ થયો…. છેવટે નક્કી થયુ કે અનાજ ભરવાનો રુમ છે ત્યાં બે ખીંટી ઉપર એક પાટિયું મુકવુ અને તેના પર બધા માળા લાઇનમાં મુકી દેવા…

બધા કામે લાગી ગયા… એવુ લાંબુ પાટિયું પણ મળી ગયુ…. બે ખીંટી દુર હતી તો વચ્ચે એક ખીલો પણ ઠોકી દીધો…. પાટિયું માંડ માંડ ત્યાં મુકાયું…..

હવે બસ માળાઓ વેલા પરથી ત્યાં લાવી દઇએ એટલી જ વાર!!!!!

પણ વેલા પર ચડવું કેવી રીતે? તે તો એકદમ પાતળા ને ઉંચાઇ પર પણ ખરા… એવુ કોઇ ટેબલ કે સીડી પણ ના મળે…

ત્યાં અમારી ગાયો ચરાવતા ભરવાડના દિકરાએ આઇડીયા આપ્યો કે વેલાને કાપી નાખીએ!!!!!!! એટલે બધા માળા નીચે આવી જશે!!!!! એ તો ધારીયુ પણ લઇ આવ્યો કે ચલો હું કાપી નાખુ!!!!

અમને તો આ આઇડીયા પહેલા ગમી ગયો… કે હાશ!!! માળા આપો આપ નીચે આવી જશે અને બીજુ એ કે વેલો જ નહી રહે તો સાપ પણ નહી આવે… ને ત્રીજુ એ કે મારા કાકાની દિકરીને વેલાના પડતા -ઉડતા ફુલ પાંદડા ઓસરીમાંથી વાળવાનું કામ પણ ઓછુ થઇ જશે…ચોથું એ કે ગિલ્લી દંડા રમતા ગિલ્લી હવે વેલામાં નહી ભરાય!!!!!

બસ બધી બાજુથી ફાયદા જ ફાયદા દેખાવા લાગ્યા…. એટલે વેલો કાપવાનુ ફાઇનલ થઇ ગયુ.. પણ હવે આજે નહી કાલે કાપીશુ.. એમ નક્કી થયુ….

એ રાત્રે બધા ઓસરીમાં સુતા સુતા જાણે વેલાને છેલ્લી વાર જોવાનો હોય તેમ તેની બાજુ જ જોઇ રહ્યા…. કાકાનો મોટો દિકરો બોલ્યો કે આ વેલો તે નાનપણથી જોતો આવ્યો છે… (એટલે કે તેના જન્મ પહેલાથી છે…. ) કાકાની દિકરી બોલી કે તે બોગનવેલના ગુલાબી ફુલની માળા બનાવતી હતી અને રમતી હતી… તો પેલી મોટી દિકરી બોલી કે જેને ઓસરી વાળવી પડતી હતી.. તે કહે કે બપોરે ઓસરી વાળવાનું કામ ઓછુ થશે તો સામે બીજુ કામ વધી જશે… ઓસરી વાળવી તો તેને ગમે છે….. તો કાકાના નાના દિકરાને બીક લાગી અને બોલ્યો કે વેલો કપાતા પેલી તેમાં ભરાયેલી ગિલ્લીઓ મળશે તો પોતાના બાકીના દાવ (ગિલ્લી ગુમ થતા રહી ગયેલા દાવ) તે નહી આપે…..મનેય થયુ કે જો અરજણીયો (ગાયો ચરાવતા ભરવાડનો દિકરો) વેલો કાપશે તો તેના લાકડા તે લઇ જશે…. તો દાદી ખિજાશે….. બસ આમ ચિંતા માં જ સુઇ ગયા….

ત્રીજા દિવસે બધા કંઇક ભારે ઉદાસી સાથે જાગ્યા…. બપોરના જમવા સુધી તો કોઇ કાંઇ બોલ્યું નહી… બસ એમ જ વેલો, ચકલીઓ, માળા, પાટિયું વગેરે જોતા આમ તેમ રમતા રહ્યા…

પણ અમારી આવી વર્તણુકની નોંધ લેવાઇ ગઇ હતી…. બપોરે જમ્યા બાદ કાકાએ એલાન કર્યુ કે બધાએ ધોળકા મામા (કાકીના ભાઇ) ના ઘરે જવાનુ છે….

કાકા એવુ સમજ્યા કે અમે પેલા દિવસે સાપ જોઇને ગભરાઇ ગયા છીએ… તો જરા ફેરવી લાવું તો મન માથી તે વાત નીકળે….

અમે તો તૈયાર થઇ ગયા ધોળકા જવા…. પેલી બધી વાતો થોડીવાર માટે ભુલાઇ ગઇ…

ધોળકા જઇને અમે તો મામાના છોકરાઓ સાથે ધમાલ કરવા લાગ્યા ..અને પેલી સાપ વાળી વાત કહી… પછી તો ચકલીની સોસાયટી વાળી પણ બધી વાત કરી… મામાનો છોકરો અમને તેના ઘરમાં લઇ ગયો … અને ત્યાં માળા બતાવ્યા કે ઘરમાં માળા હોય તો ચકલીઓને બહાર જવા માટે બારી કે એવુ કાંઇ ખુલ્લું રાખવું પડે… એટલે જો સાપ ને આવવુ હોય તો તેવી બારી માંથી પણ આવી શકે….!!!!

અમે તો પાછા ગભરાયા…. કે આ તો સાપ ઘરમાં પણ આવવા લાગે….

એટલે કાકાના ત્રણેય દિકરા એક થઇને મને કહે “તું તો અમદાવાદ જતો રહીશ..પછી ઘરમાં સાપ આવે તો અમારે બિક રાખવાની…એના કરતા વેલો ભલે રહેતો, ને માળા પણ ભલે ત્યાં રહેતા…”

પણ મને આ નિર્ણય પાછળ પેલી ગઇ રાતે બતાવેલી શક્યતાઓ વધારે કામ કરતી લાગી…

હવે ચકલીના માળા ની સોસાયટી બાબતે હું એકલો પડી ગયો…

પણ મેંય મન મનાવી લીધું કે સોસાયટી તો ગામડા કરતા શહેરમાં જ સારી લાગે… તો આપણે અમદાવાદ ઘરે જઇને તે પ્લાન અમલમાં મૂકવો…

બે દિવસ ધોળકા રહીને ગામ પાછા આવ્યા…

સાંજે પેલો અરજણીયો ગાયોને મુકવા આવ્યો.. અમને જોઇને ખિજાયો… કે તમે બધાએ વેલો કાપવાનુ કહેલું તો તે વેલો કાપવા આવેલો પણ દાદી જોઇ જતા તેને ધમકાવ્યો હતો… અને બે ધોલ પણ મારેલી…

અમને તો તેનુ રડમસ અને ગુસ્સા વાળુ મોઢું જોઇને હસવું આવી ગયુ…

દાદી પાછળ ઉભા રહી આ સાંભળતા હતા… તે ય હસી પડ્યા… અને દાદી અરજણીયાને કહે “મુવા ભુંડો લાગસ આમ છોડીયુ ની ઘોડે રડે સે તો… જા ચકલીએ જઇ મો ધોઇ આવ…”

અને અમને ફરી પેલી ચકલીઓ યાદ આવી ગઇ… પણ હજુય કઇ ચકલી કે ચકલો ઉદાસ છે તે ખબર નહોતી પડી… બધી ચકલી ચીં ચીં ચીં કરતી કોઇ બીક વગર એ જ માળાઓ મા કલ્લોલ કરતી ભરાઇ ગઇ….

03/20/2018

2 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s