પશ્ચાતાપનો ઉપવાસ

શ્રાવણ મહિનાની એ રાત…. અને તેમાંય વરસાદ…. એ રાતને વધારે ભેંકાર બનાવી રહ્યા છે….. ક્યારેક ક્યારેક કાળા ડિબાંગ વાદળા માંથી ચંદ્ર ડોકીયા કરી લે છે….એવી રાતે મુખ્ય સડક પર હિરા બા એક થેલી અને એક ભારે ડબો લઇને એસ.ટી. બસમાંથી ઉતરે છે. બસમાં જ બે ચાર પેસેન્જર હતા, તો આવી વેરાન જગ્યાએ તો બીજુ કોણ તેમની સાથે ઉતરે? થેલીને વરસાદથી ભીંજાતી બચાવવા સાડલા નીચે ઢાંકીને જીવ કરતાય વધારે સાચવી રાખે છે…એક હાથે માથે ભારે ડબો મુક્યો છે તેને પકડી રાખ્યો છે…

ખંભાતના ખારાપાટમાં આવેલુ નાનુ એવુ ખુણાનુ ગામ… જ્યાં હજુ પણ પુરા ગામમાં વિજળી ના પહોંચી હોય ત્યાં રસ્તા પર તો લાઇટ ક્યાંથી હોય!!!

મુખ્ય સડકથી ગામ તો હજુ ચાર ગાંઉ દુર છે…અને ત્યાં પંહોચવા કાચી સડકજ છે… જે વરસાદમાં કાદવ કાદવ થઇ ગઇ છે.. રસ્તાની બે બાજુ વાવેલા બાવળીયા વરસાદમાં પલળીને નીચી ડાળીએ થઇ પવનમાં જાણે હાથ ફેલાવીને રસ્તો બતાવતા હોય તેમ વિજળીના ચમકારે ડોલતા દેખાઇ રહ્યા છે.

હિરા બા એ બાવળીયાની બે લાઇનને આધારે જ રસ્તાને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છે….તેમને રસ્તાના અંધકાર કરતા થેલીમાં ના અલંકારની ચિંતા વધારે સતાવતી રહી છે.

હિરા બા ધોળકા પાસેના એક નાનકડા ગામમાં રહે… પણ પોતાની દિકરીને ખંભાતના એક ગામમાં પરણાવેલી… જેનુ સિમંત હોઇ તેમણે દિકરીના સાસરે વ્યવહાર કરવા જવાનુ થતા દિકરી માટે સોનાના દાગિના કરાવેલા તે અને કપડા લીધેલા તે લઇને જવાનુ હતું… અને દિકરીના લગ્ન પછી પહેલી વાર તેના સાસરે જતા હોઇ જમાઇ, વેવાણ, દિકરીના જેઠાણી, દિયર-નણંદ માટેય એક એક જોડી કપડા અને સિમંતના પ્રસંગે પોતાના ઘરની પણ મિઠાઇ જમવામાં જોઇએ તેવુ માનતા હોઇ દસ શેરનો મોહનથાળ બનાવીને તેય સાથે ડબામાં લીધો હતો…આમ તો ધોળકાથી ઘણી બસ ખંભાત જતી હતી, અને ખંભાતથી દિકરીના સાસરા ના ગામે પણ દિવસમાં પાંચેક બસ જતી હતી… પોતાના ગામથી ધોળકા સુધી એક બસ બદલવી હજુ ચાલે પણ તે પછી બીજી બે બસ બદલવી અભણ હિરા બા ને પાલવે તેમ નહોતુ… તેથી છેક સાંજે અમદાવાદથી ખંભાત જતી લોકલ એસ.ટી. બસ કે જે ફરતી ફરતી ધોળકાથી વાયા દિકરીના ગામમાંથી જ ખંભાત જતી હતી તેમાં જવાનુ પસંદ કર્યુ… પણ વરસાદમાં કાચો રસ્તો ધોવાઇ જતા ડ્રાયવરે પાકા રસ્તા પર જ તેમને ઉતારી દીધા…

હિરા બા મન માં ભગવાનનુ નામ રટતા રટતા ચાલવા લાગ્યા… ગામમાં તેમને મા’દેવની પુજા હતી… શિવાલય ગામને પાદર, તળાવની પાળે આવેલુ…ત્યાં રોજ મળસ્કે ચાર વાગે હિરા બા પુજા કરવા નિયમીત પંહોચી જતા… એટલે આવા અંધકારની કે વરસાદની તેમને બીક નહોતી..

હિરા બા પંડ્યે બામણ હતા અને પુરા રુઢીચુસ્ત પણ… સવારે નાહ્યા પછી પુજા પાઠ કર્યા વગર કોઇને અડકતા નહી… ગામમાં નીકળ્યા હોય કે ભીડમાં ગયા હોય તો ઘરે આવીને તરત નાહી લેતા… રખે ને ગમે તે વરણને અડકી ગયા હોય તો!!! જુનવાણી હોઇ આભડછેટમાં ય બહુ માનતા… જો એવા કોઇ જાણીતાને ભુલે ચુકેય અડી જાય તો ઠંડા પાણીએ નાહવાનુ તો ખરુજ પણ બીજા દિવસે પ્રશ્ચાતાપ માટે ઉપવાસ પણ કરી લે….

બસમાં તો સાવચેતી રાખવા છતાં કોણ જાણે કે’વાય લોકો અડી ગયા હોય… એટલે દિકરીના ઘરે જઇને પહેલા તો નાહવાનુ એ નક્કીજ હતું… અને બીજા દિવસે સિમંત હોઇ ઉપવાસ કરવો શક્ય ના હોય તેથી આગલા દિવસે-આજે જ પ્રશ્ચાતાપ નો ઉપવાસ કરી લીધો હતો….

કાદવવાળા રસ્તે ચાલતા હવે તો બાવળીયાય સાથ આપવા ના માંગતા હોય તેમ લાઇનને બદલે એકલ દોકલ થઇ ગયા… હિરા બા વિચારી રહ્યા કે કયો રસ્તો હશે… એમાંય આ તો ખારોપાટ… બાવળીયા સિવાય એક્કેય ઝાડવુય જોવા ના મળે… જો દુર દુર લાઇટનું અજવાળું દેખાતું હોત તોય અનુમાન કરી લેત કે આ બાજુ ગામ હશે… અને જો ભુલથી બીજી દિશામાં ચાલ્યા ગયા તો ખબર નહી કયાં પંહોચી જવાય… .. પોતે એકજ વાર દોઢ વરસ પહેલા દિકરીનુ સગપણ નક્કી કરતી વેળા આ ગામે આવેલા… અને તેય ખંભાત બાજુના રસ્તેથી .. એટલે સહેજેય અણસારો નહોતો મળતો… બસમાં ડ્રાયવરે જ્યારે બુમ મારી પોતાનો નિર્ણય જાહેર કર્યો કે કાચા રસ્તે બસ નહી જાય, પાકી સડકે જ જે તે પેસેન્જરને ઉતારી દેવાશે… ત્યારે જ હિરા બા ને ફાળ પડી હતી કે જો વરસાદ ના હોત તોય રાતે જોખમ સાથે અજાણ્યા રસ્તે કેવી રીતે જશે? એક તો જોખમ હતુ.. વજન પણ હતું … અને પાછો આખા દિવસનો ઉપવાસ પણ ખરો. પણ કંડક્ટરે થોડી સાંત્વના આપી કે બસ એ કાચા રસ્તા આગળ જ ઉભી રાખશે… જ્યાંથી જમણા હાથે સીધા સીધા જ ચાર ગાઉ ચાલ્યા કરવાનુ… એટલે આવી જશે તમારુ ગામ!!!!

હવે અજવાળું હોત તોય રસ્તો ઓળખી લેવાય પણ આ તો વરસાદી અંધારી રાત…

તોય હિરા બા વજન ઉંચકીને ચાલતા રહ્યા… એકતો કાદવવાળો રસ્તો, ને પાછા ઉપવાસને લીધે અશક્તિ આવી ગયેલી એટલે ભારે તકલીફ પડી રહી હતી.

ત્યાં જ એક કાળો ઓળો એક બાવળીયાના ઝુંડ પાછળથી બહાર નીકળ્યો… વીજળીના ચમકારે તો હિરા બા એ ભુત જ માની લીધું… પણ મન મા મા’દેવ નુ રટણ કરતા મા’દેવને કહેવા લાગ્યા કે તમારા ગણ ને સાચવજો… મા’દેવે હિરા બા ની વાત તો સાંભળી લીધી પણ હિરા બાને ખાત્રી કેવી રીતે થાય?

પેલો ઓળો હિરા બા ની નજીક આવ્યો… હિરા બા એ રખેને ભુતના બદલે ચોર લુંટારો હોય તેમ માની થેલીને બરાબર પકડી રાખી…ડબો ભલે લઇ જાય.. થેલી ના જવી જોઇએ… અને જાણે કે પોતે અજાણ્યા ના હોય તેવો ડોળ કરી ઝડપથી ચાલવા માંડ્યું…. ત્યાંજ પેલા ઓળાએ બુમ મારી…

“એ હાચવજો… એણી પા ખાડી ઉંડી સે….” અને હિરા બા ના પગ ત્યાંજ થંભી ગયા… એકસામટા વિચારો આવી ગયા… આ ભુત તો નથી… પણ કદાચ ચોર લુંટારો હોય તો મને રોકવા ખોટુય બોલતો હોય… જો સાચુ બોલતો હોય તો ગામ સુધી જવામાં મદદ પણ કરે… અને જો સાચુ હોય કે આગળ ખાડી આવે છે તે ઉંડી હોય તો???….. એના કરતા દાગિના લુંટાવી દેવા સારા…. હિરા બા તોય મક્કમ અવાજે બોલ્યા… “ખબર સે.. ખાડી સે… પણ જલદી ગામે પુગવાનો ઢુંકડો મારગ તો ખરો…”

“અલી બા… અજાણી લાગો સો… ખાડી ની ઓલી પા તો ખારોપાટ જ સે…. ચીયે ગામ જવુ સે?”

હવે હિરા બા ને સાચુ કહ્યા વગર છુટકો નહોતો… ગામનુ નામ બોલ્યા…

“ઇમ ક્યો ને તાણ… ઇ તો આની પા આયુ… હેંડો…. મુંય તાં જ જવુ સુ… માર ચેડે ચેડે હેંડવા માંડો…”

હિરા બા પાસે તેની વાત માનવા સિવાય કોઇ રસ્તો નહોતો… વીજળીના ચમકારે અને સંતાકૂકડી રમતા ચંદ્રના અજવાળે પેલા માણસનો આછો પાતળો ચહેરો તો જોઇ લીધો….

એટલામાં રહી ગયેલો વરસાદ પાછો શરુ થયો… પણ હિરા બા ને આ ઠંડા ફરફરતા વરસાદમાંય થાક અને નબળાઇથી પરસેવો વળવા લાગ્યો…

રસ્તે ચાલતા પેલા ભાઇએ વાતો કરતા કરતા જણાવ્યું કે પોતે એ ગામથી આ રાતે આવતી બસમાં ખંભાત જવાનો હતો..પણ વરસાદને લીધે બસ ગામમાં નહી આવે તેની ખબર હોઇ પાકી સડક સુધી ચાલતા જવાનુ હતુ… પણ પોતે મોડો પડ્યો અને બસની લાઇટ દુરથી જ જોઇ લીધી .. બસ સુધી નહીં જ પંહોચાય અને હવે ગામમાં પાછા જવા સિવાય કોઇ રસ્તો નહોતો તેમ માની લીધું….પણ દુરથી બસને ઉભી રહેતી જોઇ અનુમાન કર્યુ કે કોઇ ગામમાં આવવા ઉતર્યુ લાગે છે..એટલે સંગાથ માટે બેઠો રહ્યો… પણ ઉતરનાર ને ખોટે રસ્તે જતા જોઇ તેણે બુમ મારી…

વાત કરતા કરતા હિરા બા નો હોંકારો ધીમો પડી ગયો, પેલા ભાઇએ પાછુ વળીને જોયુ તો હિરા બા ની ચાલ ધીમી અને થોડી લથડાતી લાગી…એટલે એ હિરા બા પાસે પાછો આવ્યો… “લાવો ડબો અને થેલી આલી દો… મું ઉપાડી લઉ…તમે હેંડ્યા આવો…”

હિરા બા ને હવે કોઇ છુટકો નહોતો… તોય થેલી પોતાની પાસે રાખી અને ડબો ઉંચકવા આપી દીધો, હવે ભાર ઓછો થતા પગમાં થોડુ જોર આવ્યુ ને ઉતાવળા ચાલવા લાગ્યા…

પેલા ભાઇએ વાત કરતા પુછ્યુ “કુણા ઘરે જવાનુ સે?”

હિરા બા એ જમાઇનુ નામ આપ્યું…

“ઇમ ક્યોન તાણ…”

અને પછી એય વાતો કરતો બંધ થઇને ચુપચાપ ચાલવા લાગ્યો…

ગામનું પાદર આવતા પેલાએ ડબો ત્યાં બનાવેલા ઓટલા પર મુકી.. અને ઘરનો રસ્તો બતાવીને ચુપચાપ જતો રહ્યો… હિરા બા તેને કંઇક કહે તે પહેલાતો તે અંધકારમાં ગરક થઇ ગયો… ધર સુધીનું એટલુ અંતર તો ડબો ઉંચકીને તે ચાલી શકે તેમ હતા… મનોમન તેમણે પેલા ભાઇનો આભાર માન્યો… શંકર ભગવાનનોય પાડ માન્યો કે આવા પરગજુ માણસને મદદ માટે મોકલ્યો… નહીંતર હજુય ગામમાં ના આવ્યા હોત ને કોણ જાણે ક્યાં ભટકતા હોત… કદાચ પેલી ઉંડી ખાડીમાં પડ્યા હોત…તેઓ દિકરીને ઘરે સુખરૂપ પંહોચી ગયા…

બીજા દિવસે સિમંતની વિધી પુરી થતા જમણવાર શરુ થયો… હિરા બા ના મોહનથાળે રંગ રાખ્યો…

ત્યાં ફળિયાના છેડે થોડે દુર જમણવાર પછી એંઠા પતરાળામાંથી ખાવાનું શોધતા ચાર પાંચ જણા પડાપડી કરતા હતા… હિરા બાનુ ધ્યાન તે તરફ ગયુ… અને હિરા બા પથ્થર બની ગયા…. તેમણે રાતે જે માણસને પોતાની મદદ કરતા જોયેલો તે જ માણસ એંઠા પતરાળા માંથી મોહનથાળના ટુકડા શોધી રહ્યો હતો…

હિરા બા ને વાત સમજાતા વાર ના લાગી… તેમને ત્યાં સ્થિર ઉભેલા જોઇ તેમની દિકરી તેમની પાસે આવી…

અને હિરા બા એ રાત ની વાત કરી પેલા માણસને બતાવ્યો.. ત્યાં તો પેલો પણ હિરા બાને દુર થી બે હાથ જોડી રહ્યો દેખાયો.

દિકરી પોતાની બા ને જાણતી હતી, તેમની રુઢીચુસ્તતાની ખબર હતી… હવે બા પ્રાયશ્ચિત માટે શું કરશે તે જ જોવાનુ હતું, કેમ કે આ તો જમણવારનો મોહનથાળ જ અભડાઇ ગયો હતો… જે બધા એ ખાધો હતો.

પણ આ તો હિરા બા હતા… તેમણે પેલાને નજીક બોલાવ્યો… એની સાથેના બાકીના ચારેય ને પણ બોલાવ્યા … અને પાંચેયને પોતાના હાથે પિરસીને ભરપેટ ભોજન કરાવ્યુ …એટલુ જ નહી…. પોતાના હાથે જ નવો મોહનથાળ પતરાળું ભરીને પેલાને આપ્યો…

દિકરી તો બા નુ નવું બદલાયેલું રુપ જોઇ રહી…

હિરા બા દિકરીને સંબોધતા બોલ્યા…. “મા’ણા ની જાત થોડી જોવાય? કામ જોવાય!!! એ રાતે ના હોત તો મા’દેવ જાણે હું ક્યાંય હોત… એ તો મારા ભોળાનાથનો ‘ગણ’ કે’વાય.. મા’દેવે જ મોકલેલો…”

બીજા દિવસે હિરા બા એ ઉપવાસ કરતા દિકરીથી રહેવાયું નહી અને એકજ દિવસમાં પાછા હતા એવા થઇ ગયા કહી છણકો કર્યો… ત્યારે હિરા બા હસતા હસતા બોલ્યા.. “અલી ગાંડી આ તો આજ સુધી જે ભુલ કરેલી તેના પસ્તાતાપ નો અપ્પાહ છે. “

05/01/2018

2 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s