ભાણીયો

તેનું અસલ નામ તો મને હજુય ખબર નથી પણ તે મોસાળમાં રહેવા આવ્યો હતો અને તેના મામા તેને ભાણીયો કહેતા તે જ તેની ઓળખ બની ગઈ ને તે ગામ આખાનો ભાણીયો થઇ ગયો…
તેના મામા ગામમાં બીજાની વાડીઓ સાથે અમારી વાડીનું રખોપું પણ કરતા, એ જ તેમનો બાપા દાદાનો ધંધો. ભાણીયો પણ અવારનવાર તેના મામા સાથે અમારે ઘેર આવતો. ક્યારેક હું પણ વાડીએ જતો…હું લગભગ આઠ વરસનો અને તે આમતો મારાથી નાનો લાગતો હતો..અમારે થોડી દોસ્તી જેવું થઇ ગયું હતું. તે જ્યારે ઘરે આવે ત્યારે મારા માટે કોઈની વાડીએ થી જામફળ, કેરી, રાયણ, ગોરસઆંબલી જેવું કાંઈ ને કાંઈ લઇ આવતો. જો કાંઈ નાં મળે તો છેવટે સીમ માંથી બોર, કોઠા, કાતરા પણ લઇ આવતો…અમને સંપૂર્ણ શાકાહાર ખાતા જોઇને તેને થોડી નવાઈ પણ લાગતી… ક્યારેક હું મારું લેશન કરતો હોઉં તો બાજુમાં આવીને બેસે અને મને જોઈ રહે…ત્યારે હું કહેતો કે તું પણ ભણ… છેવટે મારા કાકાનાં પ્રિન્સીપાલ હોવાના નાતે તેને ગામની સ્કુલમાં તેને દાખલ કરી દીધો… પણ સ્કુલે આવવાના તેના ઠાગાઠેયા…તેનું ચિત્ત તો ભણવા કરતા પગીપણા માં જ રહેતું.. એમ કરતા તેણે પાંચ ચોપડી સાત વરસે પુરી કરી અને તેનું ભણતર પૂરું થયું. પણ આ દરમ્યાન તે જ્યારે ઘરે આવે ત્યારે અચૂક મારા માટે સીમફળ લઈને જ આવે…
એકવાર સાંજના સમયે તે દોડતો આવ્યો ને કપડા નીચેથી સસલું કાઢ્યું, મને કહે “ગોર ભા, આ હહલા ને હમ્ભારો નતર મામો હાક બનાઈ નાખ્ખે.” તેનામાં અચાનક જીવદયા પ્રગટી આવીને સસલાને બચાવવાનો ઉપાય પણ મળી આવ્યો… મેં તેના જ હાથે સસલા ને છોડી મુકાવ્યું ને તેના મામાને કહ્યું કે “ગોર ભા ને આલ્યાયો…” જોકે તે પછી ખબર પડીકે તેય સસલાં- તેતરનો માંસાહાર કરતોજ હતો…
આ પછી તો વરસો વિતતા ગયા, હું ગામ છોડીને શહેર માં આવી ગયો, દેશ છોડી પરદેશ આવી ગયો… ભાણીયાને લગભગ ભુલીજ ગયો હતો…
એકવાર વરસો પછી વતન જવાનું થયું… વતનમાં જતા જ જૂની યાદો તાજી થવા લાગી.. ભૂલાયેલા સંબંધો યાદ આવ્યા.. ને ભાણીયો યાદ આવી ગયો… તપાસ કરતા ખબર પડી કે એતો નજીકના શહેરમાં એક ટેકસટાઇલ ફેકટરીમાં વોચમેન તરીકે કામ કરે છે…. ફેક્ટરી મારા રસ્તામાં જ આવતી હતી.. મળવા ગયો.. માંડ બંને એકબીજાને ઓળખી શક્યા, તે રાજી થઇ ગયો.. “ખબર આલી હોતતો…” અને આગળ બોલતા તે ગળગળો થઇ ગયો…આંખ આગળ હાથની છાજલી કરી આંસુ સંતાડવા પ્રયત્ન કર્યો….. મેં પણ રેબાન ના ગ્લાસ નીચે મારા આંસુ સંતાડી દીધા… થોડી આડી અવળી વાતો કરી, તેના પરિવાર વિષે જાણ્યું… મામા તો ક્યારનાય સિધાવી ગયા હતા… તેનોય સારો પગાર હતો અને ટાઉનશીપ માંજ રહેવાનું મકાન મળ્યું હતું, તેની ઘરવાળી પ્રિન્ટીંગ વિભાગ માં કામ કરતી હતી. એક દીકરી હતી જેને નાતના રીવાજ મુજબ વહેલી પરણાવી દીધી હતી અને સાસરે હતી.. તેનો દીકરો શહેરની સ્કુલમાં ભણતો હતો જાણી આનંદ થયો…. જતા જતા મેં પાકીટ કાઢી હજારની દસ નોટો તેને આપવા ધરી, ત્યાંજ તે બોલ્યો કે “રુપીયા
નથ જોતા. ડોલર હોય તો આલો…” હું ખુશ થયોકે ચાલો સામે ચાલીને માગે છે… મેં પાકીટ માં જોયું તો ૫૦ ડોલરની એકજ નોટ જ હતી, મેં ૫૦ ડોલર અને દસહજાર રૂપિયા તેને આપવા માંડ્યા, તો બહુ આનાકાની કરતા બોલ્યો કે ખાલી ડોલર જ આપો. “ અલ્યા આ ડોલરના બહુ બહુતો અઢી-ત્રણ હજાર આવશે અને તું વટાવા જઈશ તો કોઈ ૨૦૦૦ જ આલશે…” પણ તે નાં માન્યો એટલેમેં કારમાં જઈ કવરમાં ડોલર અને રૂપિયા મૂકી કવર બંધ કરીને તેની લાકડાની ખુરશી પર મૂકી આવજો કહી ચાલી નીકળ્યો…
જૂની યાદો સાથે થોડા સમય રોકાયા બાદ હું પરદેશ પરત આવી ગયો…
છ મહિના પહેલા મારા વાઈફને વતન જવાનું થયું, ત્યાં ભાણીયાને જાણ થતા તે મળવા ગયો.. થોડી વાતો પછી તેણે પોતાનું પાકીટ કાઢ્યું ને પેલી ૫૦ ડોલરની નોટ બતાવી કહ્યું..” સાહેબને કે’જો ઈમની યાદ હમ્ઘરી રાખીસે..”
મને ત્યારે સમજાયું કે કેમ તેણે ડોલરની નોટ માંગી હતી…… મારેય તેના આપેલા સીમ ફળો નો સ્વાદ યાદ રાખવો જોઈતો હતો…

04/27/2015

4 Comments

  1. મુકેશભાઈ, અભિનંદન.
    પણ, અહીં માત્ર વાર્તાઓ જ થોડી ચાલે?
    ક્યાં છે મારો એ મુકેશભાઈ, જેને હું સૌથી વધારે માં આપું છું?

    Like

    1. અમદાવાદથી બાવળા જતા રસ્તામાં વેલસ્પન ટેક્સટાઇલ આવતી, ત્યાં તે કામે લાગેલો….😀👍

      Like

Leave a comment