ફેરિયો



અમારા ગામમાં અમારું ઘર બરાબર ગામની વચ્ચે, મુખ્ય રસ્તા પર જ આવે….અને અમારા ઘર આગળ જ ગામમાં અલગ અલગ ફળીયે જવા માટે બે ફાંટા પડે… અમારી ખડકી આગળ નુ આંગણું પુરુ થતા તરતજ ગામની બજાર શરુ થાય… એટલે કે મુખ્ય “ભેટા” પર જ ઘર.
ત્યાં ઘણી ખુલ્લી જગ્યા રહેતી…એટલે આવી મોકાની જગ્યાએ કલાઈ કરવા વાળા, તાળા કુંચી બનાવનારા, પતરાના ડબા બનાવનારા, હાથલારીમાં ફિલ્મી પોસ્ટર કે મેગેઝીનમાં આવતા ફુલપેજ ફોટાની ફિલમ બતાવનારા જેવા, દિવસે નજીકના શહેર માંથી આવતા અને ત્યાં જ કામચલાઉ દુકાન ખોલતા… તો રાત્રે પણ કઠપૂતળી ના ખેલ વાળા, કે જાદુના ખેલ વાળા ત્યાં ખેલ કરતા…
આ બધા દુર દુરથી આવતા હોઇ તેમનુ બપોરનુ કે સાંજનું ખાવાનુ પણ ત્યાં જ પતાવતા.. આમને પાણી કે પછી કંઇ શાક કે સિધુ સામાન જરુર હોય કે ના હોય, સામે જ ઘર હોઇ, મારા “બા” વગર પુછ્યે તેમને આપી દેતા… માનો કે જાણે આ અમારા ઘરની જ ફરજ હોય એવુ થઇ ગયુ હતુ….કોઇ ફેરિયા બાઇ માણસ છોકરા છૈયા સાથે હોય તો તૈયાર ભાણુ પણ તેમને પિરસાઇ જતુ ને બા ને બપોરે ચા પીતા પીતા યાદ આવે તો રકાબી ચા પણ પીવડાવી આવતા….

કાયમી આવતા કારીગર તો બા ને બરાબર ઓળખી ગયા હતા, ને તેમને “બા” નુ નામ પણ આવડતુ…

ક્યારેક દુર ના ફળીયા વાળા, વાસણો કલાઇ કરવા કે તેલના ખાલી ડબા માંથી ઢાંકણવાળા ડબા બનાવવા આપવા હોય ને ત્યાં સામે દેખરેખ રાખવા વાળુ કોઇના હોય તો આપતા નહીં… ત્યારે પેલા કારીગરો તેમને વિશ્વાસ બેસાડવા કહેતા પણ ખરા..”મણી બા ઓળખે છે..” અને વિશ્વાસ સંપાદન થઇ જતો….

ગામમાં કોઇપણ અજાણ્યા- પ્યાલા બરણી વાળા, કાંગસિયુ-સોયુ (કાંસકા અને સોયા વેચનારા), બંગડી-ચાંલ્લાની પેટીવાળા, સાલ્લા- કાપડ વેચનારા, આ બધાનો પાદર પછીનો વિસામો એટલે “મણી બા ની ખડકી.”
વેકેશનમાં ગામ જતો ત્યારે આ બધુ જોતો… અને બા ના લીધે મનેય આવા નાના કારીગર-ફેરિયા પ્રત્યે એક જાતની કુણી લાગણી થઇ ગઇ હતી.. જે પછી અમદાવાદ માં પણ કામ કરી જતી…. સોસાયટીમાં આવતા એવા ફેરિયાને છેવટે ફ્રિઝનુ પાણી પણ પીવડાવતો….

પણ પછી ખબર નહીં..શહેરની હવા હોય કે બદલાતા જતા સમયની અસર….

ઉનાળાની એક બપોરે આખી સોસાયટી જંપી ગઇ હતી… અમે છોકરાઓ સોસાયટીના ઘરોની પાછળ પડતી બે લાઇનની જગ્યા માં રમતા હતા… ને એક એવો ફેરિયા જેવો દેખાતો માણસ લાગ જોઇને એક ખુલ્લા ઘરમાં ઘુસી ગયો…કંઇક અવાજ થતા એ ઘર વાળા માસી જાગી ગયા…ને પેલાને જોઇને બુમો પાડવા લાગ્યા.. અમે છોકરાઓ તરત ત્યાં દોડી ગયા…પેલો ભાગવાની તૈયારી જ કરતો હતો અને અમે છોકરાઓ પણ તેને ઘેરી વળ્યા .. ને બુમો પાડવા લાગ્યા… જો કે પેલો તો ભાગી ગયો….

પેલા માસીના ઘરમાંથી તો કશુંય ગયુ નહોતુ…પણ મારો એવા ફેરિયા પરનો વિશ્વાસ જવા લાગ્યો…

પછી તો બધા છોકરાઓ એવા ફેરિયા કેવા ખરાબ હોય તેની સાચી ખોટી વાતો કરવા લાગ્યા … મારેય મારા ગામમાં આવતા ફેરિયાઓની વાત કરવી હતી..પણ નજરે જોયેલા આ તાજા બનાવથી કહી ના શક્યો…..

આ પછી તો એવા બે ચાર બનાવ બન્યા કે પેલી મારી લાગણીઓ ધોવાઇ ગઇ..બદલાઇ ગઇ…

વડોદરામાં સ્કુલથી છુટીને એક મિત્ર સાથે તેના ઘરે જઇને મારા ઘરે જઇ રહ્યો હતો.. મિત્રની સોસાયટીના રસ્તા પરના ઘર વાળા એક માજી બુમાબુમ કરતા હતા… ત્યાં જ તેમના બંગલાના ઝાંપા માંથી એક કાગળીયા વિણનારો બહાર નીકળતો જોયો… પેલા માજી પકડો પકડો કહી હાથ કરતા હતા.. પેલો દોડ્યો…પણ હું બાઇક પર હતો… એટલે જઇને બાઇક મુકીને પેલાને પકડ્યો… એ જરા મારામારી કરવા ગયો.. પણ મારી આગળ ફાવી શકે તેમ નહોતો..માજી કહે કે એણે પાણી પીવા માંગ્યુ ને પછી સ્ટીલનો લોટો કોથળામાં નાખી દીધો…. મને શંકા જતા જ તેનો કોથળો ઉંધો વાળ્યો… ને પેલો લોટો બહાર આવી ગયો…. પેલાને બે ચાર ઝાપટ આપીને જવા દીધો…

પછી તો મને આવા લોકો પ્રત્યે મદદ કરવાની ઇચ્છા જ નહોતી થતી… જો કે હું માનુ છું કે બધા જ એવા ખરાબના હોય…તો બધાજ એવા સારા પણ ના જ હોય….

સારુ હતુ કે મારા બા આ દુનિયામાં નહોતા… નહીંતર, હવે, હું એમની ફેરિયા પ્રત્યે ની એ લાગણીઓ જોઇને મનોમન અકળાતો હોત… જેમ એ મને આવા કૃત્યો કરતા જોઇને ઉપર રહ્યા રહ્યા અકળાતા હશે તેમ જ….

_01/27/2020

2 Comments

  1. બા ત્યારે સાચા હતા; તેમની ભાવના ઉત્તમ હતી. આજે તમે સાચા છો અને તમારો અનુભવ ખોટો નથી! સમયકાળનો આ બદલાવ સમજી લેશો તો કોઇ અકળામણ નહી રહે..

    Like

Leave a comment