રેલ્વે ટ્રેક

નાનો હતો ત્યારે ગામડે જઉ ત્યારે સીમ-ખેતરમાં ભટકવાનો બહુ શોખ…..અમારા ગામની પશ્ચિમ બાજુ દરબાર ગઢ હતો અને તેની પાછળથી ખારોપાટ (જ્યાં કોઇ ફળદ્રુપતા ના હોય, અને એકદમ ઓછા પાણીની જરુર રહે તેવા કાંટાળા ઝાંખરા-બાવળીયા પણ નહીં- જેવા છોડવા હોય, ક્યાંય પાણીનુ નામોનિશાન ના હોય) શરુ થતો… તેમાં સાયકલ ચલાવવા જતો અને પાંચ ગાંઉ દુર- બાજુના ગામે રહેતા કાકાને ઘેર જવા આ લાંબો અને વિરુધ્ધ દિશાનો રસ્તો લેતો….અને તે બીજા ગામે જતા પણ તે ગામની પુર્વ બાજુ થી નીકળતી રેલ્વે લાઇનની સમાંતરેથી નાની કેડી ઉપર સાયકલ ચલાવવાની મઝા આવતી… ત્યાં ફાટક આગળ એક અવાવરુ મકાન –ખંડેર હતુ જેના છાપરા નહોતા, દિવાલો પણ મોટાભાગની પડી ગઈ હતી… તે મકાનમાં જઈને તે તુટેલા ભાગોની કલ્પના કરતો અને જો આખુ મકાન હોત તો કેવુ લાગતુ હશે!!! તેની ભવ્યતા શોધતો.

વેકેશન દરમ્યાન ગામડે જતો તો આ મારો લગભગ રોજનો ક્રમ…

એકવાર આ રીતેજ ખંડેરો જોઇને રેલ્વે ટ્રેકની સમાંતરે સાયકલ ચલાવતા જઈ રહ્યો હતો ત્યાં રેલ્વે ટ્રેક ઉપર કોઇને સુતેલા જોઇને “ભુત” ની શંકા સાથે ગભરાતા ગભરાતા કોણ હશે તેવા કુતુહલ સાથે નજીક જોવા ગયો…જોયુ તો કાકાના ગામનો એક દરજીનો છોકરો.. લગભગ મારીજ ઉંમરનો (તે સમયે હું ૧૫ વરસનો હતો…) ભર ઉંઘમાં હોય તેમ આડો પડેલો…. મને અવાર નવાર જવાથી ખબર હતી કે થોડીવારમાં જ ધોળકા બાજુથી ગાડી આવશે…મેં પેલાને જગાડવા કોશીષ કરી, તેનુ નામ પણ હું જાણતો હોઇ બુમો પણ પાડી… પણ પેલોતો એમજ પડયો રહ્યો… થોડિવાર પછી થનારા પરિણામની ક્લ્પનાથી ખ્યાલ આવી ગયો કે આ બુલંદ ઇમારત થોડીવારમાં ખંડેરને લાયક પણ નહીં રહે… સાયકલને બાજુના નેળીયામાં નાખીને તેને ધસેડીને પાટાની બાજુ પર લાવ્યો.. પેલો આંખો ખોલીને મારી સામે જોઇ રહ્યો.. કદાચ ઘસેડવાથી તેને છોલાયુ પણ હશે… તેની આંખો લાલ હતી અને જાણે ગાઢ નિંદ્રામાં હોય તેવુ લાગતુ હતુ…. બસ આટલુ કર્યા પછી હું તો થોડા ગભરાટમાં ને ગભરાટમાં કોઠના રેલ્વે સ્ટેશન તરફ સાયકલ હંકારી ગયો…ને એક બાંકડે જઈને બેઠો.. ત્યારે મારી પાછલથી દુર દુર થી રેલ્વેની વ્હિસલ સંભળાઈ ને થોડિવારમાં ગાડી આવી ગઈ…

આ બનાવ પછી, બે-ત્રણ દિવસ બાદ હું બજારમાં દરજીની દુકાન બાજુથી નીકળ્યો, પેલો ત્યાં બેઠો બેઠો પોતાના બાપને કાંઇક મદદ કરી રહ્યો હતો.. શક્યતઃ તે સીવેલા કપડાને ગાજ બટન કરી રહ્યો હતો… મને જોઇને તેના બાપે મને બોલાવ્યો.. હું તો ગભરાયો કે મારી કોઇ ફરીયાદ થઈ લાગે છે… બીતા બીતા “કેમ છો કાકા?” કહ્યુ…. પણ તે કાકાતો મારો હાથ પકડીને ગળગળા થઈ ગયા.. પેલો છોકરો ઉભો થઈને ક્યાંક જતો રહ્યો… કાકા બોલવા માંડ્યા.. ” ગોર ભા.. તમેતો મારા દિકરાને બચાવ્યો છે….. એ દિ’ એ નખ્ખોદિયો ઘરેથી ઝગડીને અફિણ ખાઈને પાટે મરવા જઉ છુ કહીને ગયો’તો..અમને એમકે હમણાં પાછો આવી જશે… પણ સાંજે ઘરે આવીને તેણે અમની બધી વાત કરી.. તમે બચાયો તે કહ્યુ… હું તમારા ઘરે આવવાનો હતો પણ બાબ ભૈ( બાબુ ભાઇ એ મારા પપ્પાનુ ગામડાનુ નામ) વઢી નાખશે તેમ માનીને ના અવાયુ…” અને બાજુની સોડા-શરબતની દુકાનેથી મારા માટે પેશીઅલ લિંબુ મસાલા વાળી લખોટિ વાળી સોડા મંગાવી…..

09/11/2015

2 Comments

Leave a comment