અટકળ

એક સત્ય ઘટના….

ટ્રેન નો આવવાનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ દેસાઈ પરિવારના સહુનાં હૃદયના ધબકારા પણ વધતા ગયા….
કેવી દેખાતી હશે!!
અરે, પણ તે ખરેખર આવશેજ!!
કેવી રીતે ઓળખીશુ??
એ આપણને ઓળખી જશે???
જેવી અઢળક અટકળો, એકસાથે, આવનારા સહુના અંતરમાં ફરી ફરીને અવાજ કરવા લાગી…..

સાથે આવેલા નાના બાળકો અને ત્રીસી નીચેના યુવાનો પણ જેમ જીંદગી માં પહેલી વાર ટ્રેન જોવાના હોય તેમ પહેલીજ વાર નીરૂ ને જોવા આતુર હતા… તો જેઓ ત્રીસી વટાવી ગયા હતા તેઓ પણ તે આપણને ઓળખાશે કે નહીં !! ના ના આપણે તેને ઓળખીશું કે નહીં !! જાડી હશે કે હતી તેવી પાતળીજ?? કોણ હશે તેની સાથે!! જેવા સવાલો સાથે ટ્રેનની આવવાની દિશા તરફ મીટ માંડી રહ્યા…

જ્યારે વિમળા બા અવઢવમાંજ હતા… પોતાની દીકરીને પોતે ઓળખી શકશે? કે પછી દીકરી તેમને પોતાને ઓળખી શકશે?? અરેરે…. પોતાના લોહીનેજ નહિ ઓળખેતો કેવું લાગશે? ના વિચારો ટ્રેનની ઝડપ કરતાય વધારે ઝડપથી દોડી રહ્યા હતા.

સ્ટેશન માસ્તરે આગલા સ્ટેશનથી ટ્રેન છૂટવાના ત્રણ ડંકા મારવા સાથે “દેહણ, અવ ત્હરી મીલીટમાં ગાડી આઈ પુગી હમજ ની…” કહ્યું તે સાથેજ વિમળા બા નું મન ત્રીસ વરસ પાછળ ધકેલાઈ ગયું……

પોતાને ચોથો મહિનો ચાલતો હતો ને ત્યારેજ મોટી દીકરી નીરુડીનું લગન લેવાયું…. નીરુ ત્યારે માંડ ચાર વરસની હશે અને કુસુમ અઢી વરસ ની. વેવાઈ મુંબઈ રહેતા હતા અને તેમના સુખી પરિવારમાં નિરંજન કુમાર એકના એક દીકરા હતા, તેમની પહેલી પત્નીનું બે વરસ પહેલાજ લાંબી માંદગી બાદ મૃત્યુ થતા કુટુંબના વંશવેલાને આગળ વધારવાની પુરી ધગશ સાથે વેવાણે પોતાની પૌત્રી જેવડી નીરુ માટે માંગુ નાખ્યું હતું ને સારું ઘર મળવાની આશાએ નીરુ સાડા ત્રણ વરસની અને નિરંજનકુમાર સોળ વરસના હોવા છતાં તેઓ નાં નહોતા પાડી શક્યા, ને નીરુનું ઘોડિયું છૂટે તે પહેલાજ ઘડિયા લગન લેવાયા હતા… લગનના ૩-૪ વરસ પછી નીરૂને સાસરે વળાવવી છે, તેવી તેમની માન્યતા ફક્ત ૬ મહિનામાં પડી ભાંગી હતી, નીરૂને ચોથું પૂરું થયુંને વેવાણે વહુરાણી ની “ઉઘરાણી” કરવા માંડી…. વેવાણ ને દ્રઢ શંકા હતી કે જો વહુ વધારે સમય ગામડે ગામના પિયરમાં રહેશેતો આગલી વહુની જેમ બીમારીમાં સપડાઈ શકે છે, જો અત્યારથીજ મુંબઈની હવા લાગી જાયતો જલદી થી વહુરાણીને મુંબઈ નું પાણી સદી જાય ને ગામડાની બીમારીથી બચી જાય… અને તેથીજ તબિયતનુ જોખમ લીધા સિવાય વિમળાબા નીરુનું બાળપણ જોખમમાં મુકવા તૈયાર થઇ ગયા…. વેવાણ ની જોહુકમી સામે વિમળાબા ઝુકી પડે તેમ તો નહોતાજ, પણ દીકરીની ઉજ્જવળ જીંદગીની આશાએ પોતાની ૩-૪ વરસ પછી નીરૂને સાસરે વળાવવા ની જીદ પર પાણી ફેરવવા તૈયાર થઇ ગયા….

નીરૂને સાસરે વળાવ્યા પછી તેમણે નાં તો આણું જોયું કે નાં જીયાણું, અરે જ્યારે એક વરસના લાંબાગાળા પછી દીકરીને પિયર મોકલવાની વાત કરી તો વેવાણે કહી દીધુકે થોડા સમયમાં જ નિરંજન કુમારને વેપાર અર્થે મદ્રાસ જવાનું છે તેથી નીરૂને સાથે લઇ જશે, તો હમણા પિયર નહિ મોકલી શકાય….

નીરુના બાપુને નીરૂની ખબર જોવા મોકલવા જણાવ્યું તો પણ વેવાણે “જેમ જેમ કરીને હાહરીયામાં જીવ પોરવાયલો છે તી બાપને જોઇને પાછો વળી જાહે..” કહીને સિફતથી વાત ટાળી દીધી… અને પોતાનેતો ચાર વરસની કુસુમ અને દોઢ વરસની હંસા ને મુકીને કે સાથે લઈને જવાય તેમજ નહોતું, એટલે હવે વરસ પછી જ્યારે કુસુમનું વેવિશાળ ગોઠવાય ત્યારે એ બહાને નીરૂને તેડી લાવીશું તેવી આશા સાથે વરસ ખેંચી કાઢ્યા સિવાય કોઈ રસ્તો જ નહોતો.

કુસુમનો વિવાહતો નજીકના ગામેજ થયો હતો, અને કાકીના સગા હતા તેથી વાંધો નહોતો. પણ વરસ પછીયે જ્યારે કાગળ લખીને નીરૂને તેડવાની તારીખ નક્કી કરવા જણાવ્યું તેનોય કોઈ જવાબ નાં આવ્યો, એક દુરના સગા મારફતે તપાસ કરાવતા ખબર પડીકે વેવાઈતો મુંબઈ છોડીને બીજે શહેર જતા રહ્યા છે અને સરનામું તો કોઈ જાણતું નથી…!!!!! અને વિમળાબા નો જીવ, કુસુમના લગનનો ઉમળકો, નીરુના નહીં જોઈ શકવાના આઘાતે ઉંચકાઇ ગયો…. હવેતો તેઓ નીરુનું મ્હો પણ કેવું હશે તે ભૂલી ગયા હતા. પોતેતો જાણી જ નાં શક્યાકે દીકરી ક્યાં અને કેવી હશે અને સામે દીકરીએ પણ કોઈ તેવો પ્રયત્ન નહોતો કર્યો…. ક્યાંથી કરે? ખબર હોય,તો ને!!!

ત્યાં અચાનક ૨૮ વરસ પછી નિરંજન કુમારનો કલકત્તા થી કાગળ આવ્યો કે પોતાની માં નું દેહાંત થતા સાડલો બદલવાની રસમ માટે નીરુ પિયર આવી રહી છે અને “આ” તારીખે “આ” ગાડીમાં વલહાડ આવી રહેશે…

ત્યાંજ ગાડીની વ્હીસલ સંભળાતા જ વિમળા બાની તંદ્રા તૂટી….સ્ટીમ એન્જીનના સુસવાટા સાથે શ્વાસોશ્વાસ પણ સુસવાટાના તાલ મેળવવા લાગ્યા….દીકરી મળેતો શું વાત કરવી તેની અવઢવ ફરી ચાલુ થઇ ગઈ…

ટ્રેન સ્ટેશને આવતાજ લોકો માં ચહલ પહલ વધવા લાગી, દેસાઈ પરિવારના સભ્યોમાં મુંઝવણ વધવા લાગી.

થોડીવાર વલસાડ સ્ટેશન જીવંત બની ગયું પણ દેસાઈ પરિવાર મુઢ બની રહ્યું. ઉતારનારા ઉતારી ગયા… ચડનારા ચડી ગયા… લોકો પોતાના સગાવહાલાને મુકીને-લઈને વિદાય થવા લાગ્યા. ધીમે ધીમે સ્ટેશન ખાલી થવા લાગ્યું જાણે કે નિષ્પ્રાણ બનવા લાગ્યું, એકાદા બે પેસેન્જર સિવાય અને દેસાઈ પરિવાર સિવાય કોઈ રહ્યું નહીં. વિમળા બા ની આંખો નીરુને નહીં જોવાની અધીરાઇમાં વરસવાની તૈયારી કરવા લાગી ….ટ્રેનનો છૂક છૂક અવાજ ધીમો પડવા લાગ્યો…. ત્યાં જ “વિમબા…..” નો સાદ સંભળાયો જાણે ત્રીસ વરસ જુનો સાદ…. વિમળા બાના હ્રદયને ધકધકાવી ગયો… રેલ્વે સ્ટેશન ના ધીમા થતા ધમધમાટ વચ્ચે માતૃત્વનો ધમધમાટ વધી ગયો….અને અડધો કલાક પહેલા કરેલી બધી અટકળો પડી ભાંગી… હાજર રહેલા દેહઇ પરિવારના નાના મોટા સહુની આંખોમાં આંસુ નો બંધ પડી ભાંગ્યો…… લોહી લોહીને કેમ ના ઓળખે!!! નીરુ… જાણે બીજી વિમળા બા. પેસેન્જર વગર નિષ્પ્રાણ બનેલુ વલસાડ સ્ટેશન ફરી જીવંત બની ગયુ.

  • મુકેશ રાવલ ૦૬/૧૪/૨૦૨૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s